કોરોના વડોદરા LIVE:UKથી આવેલી મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રીજો કેસ નોધાયો, તાંદલજા વિસ્તારમાં ફફડાટનો માહોલ

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા શહેરના હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનો વધુ એક ખુલાસો થયો
  • રવિવારે હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • મહિલાનો રિપોર્ટ મુંબઇ એરપોર્ટ ઉપર તેનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો હતો

વડોદરામાં UKથી આવેલી મહિલાનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. ગત 13 ડિસેમ્બરના રોજ 27 વર્ષની યુવતી તાંદલજા વિસ્તારમાં આવી હતી. મુંબઈ ખાતે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બાદમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. રિપોર્ટ કરતાં પોઝિટિવ આવ્યો હતો. આજે યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.શહેરના તાદલજા વિસ્તારમાં ઓમીક્રોનનો પોઝિટિવ કેસ આવતા ચકચાર મચી ગઇ હતી. વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવનો આ ત્રીજો કેસ છે

મુંબઈ એરપોર્ટ પર રિપોર્ટ નેગેટિવ આવેલો
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગના વડા ડો. દેવેશ પટેલના જણાવ્યા મુજબ શહેરના તાદલજા વિસ્તારમાં રહેતી 27 વર્ષની યુવતી હાઇરીસ્ક દેશમાં મુકાયેલા યુ.કે.થી તા. 13 ડિસેમ્બરના રોજ મુંબઇ આવી હતી. મુંબઇ એરપોર્ટ ઉપર તેનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો હતો.દરમિયાન વડોદરા આવતા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. આથી તેના સેમ્પલ લઈ જનોમની તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જે રિપોર્ટ આજે પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન કરવામાં આવી છે. ઉપરાંત તેના સંપર્કમાં આવેલ બે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,528 પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,806 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વડોદરા શહેરના હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનો વધુ એક ખુલાસો થયો છે. ધો.6(સી)ના આ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં માત્ર આ જ વર્ગના તમામ પિરિયડ 20થી 24મી ડિસેમ્બર સુધી ઓનલાઇન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, એક જ ક્લાસને ઓનલાઇન કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ક્લાસ ઓફલાઇનમાં ચાલુ જ રાખવામાં આવ્યા છે. શાળાએ ક્લાસ બંધ રાખવા માટેની કોઇ ગાઇડલાઇન ન હોવાથી શાળાઓ ક્લાસ ચાલુ રાખી રહી છે. છેલ્લા 10 દિવસમાં વડોદરામાં હવે 3 વિદ્યાર્થી-શિક્ષકો પોઝિટિવ આવી ચૂક્યા છે.

ઓમિક્રોનના બે દર્દીઓની સારવાર ચાલી રહી છે
આ વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે સત્તાવાર સમર્થન નથી મળતું. આ વિદ્યાર્થી 10મી તારીખ બાદ સ્કૂલે આવ્યો ન હોવાની સ્પષ્ટતા પેરેન્ટ્સ એસોસિયેશન સમક્ષ શાળાનાં આચાર્યા દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ રવિવારે ઓમિક્રોનનો કોઇ પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હાલમાં ઓમિક્રોનના દર્દીઓની સારવાર માટે માત્ર બે હોસ્પિટલોને જ માન્યતા આપવામાં આવી છે. જેમાં એક હોસ્પિટલ વડસરમાં છે, જ્યારે બીજી હોસ્પિટલ પૂર્વ વિસ્તારમાં છે. હાલમાં આ પૈકી એક જ હોસ્પિટલમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

આજે 12 નવા દર્દી નોંધાયા
આજે કોરોનાના 12 નવા દર્દી નોંધાયા હતા. દિવસ દરમિયાન 5,210 નમૂનાઓનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ 17 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં કુલ 99 એક્ટિવ દર્દીઓ છે. શહેરમાં 431 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે.

સયાજી હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે
બીજી તરફ મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ રવિવારે નોંધાયો ન હતો. રવિવારે એક દર્દીને સયાજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં સયાજી હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગત 8મી ડિસેમ્બરે 8 દર્દીઓ નોંધાયા પછી 11 દિવસ બાદ સૌથી ઓછા દર્દીઓ આવ્યા હતા.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,810 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,516 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9718 પશ્ચિમ ઝોનમાં 12,170, ઉત્તર ઝોનમાં 11,892, દક્ષિણ ઝોનમાં 11,890, વડોદરા ગ્રામ્યમાં 26,810 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...