ક્યાં ગઇ CP અને મ્યુ. કમિશનરની JET ?:વડોદરામાં ભરાતા શુક્રવારી બજારમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ, લોકો અને વેપારીઓ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા

વડોદરા13 દિવસ પહેલા
આજે શુક્રવારી બજારમાં ગ્રાહકો અન વેપારીઓ માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા
  • શુક્રવારી બજારમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થયું

વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે પણ બજારોમાં લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઇ રહી. આજે દિવ્યભાસ્કર દ્વારા હાથીખાના માર્કેટ પાસે ભરાતા શુક્રવારી બજારનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. તેમજ ઘણા વેપારીઓએ અને ગ્રાહકોએ માસ્ક નહોતુ પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. જો કે, આવી ભીડ હોવા છતાં નવી રચાયેલી જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ નિયમોનું પાલન કરાવવા ક્યાંય નજેર પડી ન હતી.

એક કિમી સુધી રોડ પર બંને સાઇડ કોઇએ માસ્ક ન પહેર્યુ
થોડા દિવસ પહેલા વડોદરામાં કોરોનાના કેસ 30ની આસપાસ આવતા હતાં તે વધીને 170ને પાર કરી ગયા છે. તેમ છતાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા લોકોની એકત્ર થતી ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો અસરકારક નથી લાગી રહ્યા. આજે સવારે દિવ્યભાસ્કર દ્વારા હાથીખાના માર્કેટ પાસે ભરાતા શુક્રવારી બજારનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જ્યાં રોડની સાઇડમાં બંને તરફ એક-એક કિલોમીટર સુધી ભરાયેલા બજારમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું જોવા મળ્યું નહોતુ. અનેક વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું હતું.

શુક્રવારી બજારમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતુ
શુક્રવારી બજારમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતુ

અઠવાડિયે એકવાર ભરાય છે જૂની વસ્તુઓનું બજાર
હાથીખાના માર્કેટ પાસે ભરાતુ આ શુક્રવારી બજાર દર અઠવાડિયે શુક્રવારના દિવસે સવારમાં ભરાય છે. અહીં જૂની અને ભંગારની વસ્તુઓ રિપેરિંગ કરીને વેચવામાં આવે છે. જેમાં વપરાયેલા જૂતાં, ઘડિયાળ, ફોટોફ્રેમ, પુસ્તકો, સાડીઓ, સોફા, ટીવી, રેડિયો સહિતનું ફર્નિચર હોય છે. તેમજ સાડીઓના નવા ફોલ અને બ્લાઉપીસનું વેચાણ થતું હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા ઉમટે છે. આ બજારમાં લોકોએ પોતાના બાપ-દાદાના જૂના મઢાવેલા ફોટો પસ્તી-ભંગારમાં આપી દીધા હોય એ પણ વેચાય છે.

શુક્રવારી બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી
શુક્રવારી બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી

પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની JETની ટીમ ક્યાં ગઇ
વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગઇકાલે જ બેઠક કરી એક જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (JET)ની રચના કરવામાં આવી હતી. આ ટીમ આજથી શહેરમાં બજારોમાં ફરી માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારાઓને દંડ ફટકારવાની હતી. પરંતુ દિવ્યભાસ્કર દ્વારા સવારે કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જેટની ટીમ ક્યાંક નજરે પડી ન હતી.

શુક્રવારી બજારમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા
શુક્રવારી બજારમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા

કારેલીબાગ શાર્કેટમાં પણ વેપારીઓ માસ્ક વિના હતાં
બે દિવસ પહેલા કારેલીબાગમાં ભરાતા રાત્રી શાકભાજી બજારમાં પણ 50થી વધુ શાકભાજીવાળા માસ્ક વિના વેપાર કરતા નજરે પડ્યા હતાં. આવા લોકો કોરોનાના સુપરસ્પ્રેડર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...