વડોદરામાં આજે કોરોનાના નવા 398 કેસ નોંધાયા છે. આ કેસ શહેરના જેતલપુર, બાજવા, વારસીયા, દિવાલીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલુપર, બાપોદ અને વાઘોડિયામાં નોંધાયા છે. જ્યારે આજ રોજ 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે આજે એકપણ મોત નોંધાયું નથી. શહેરમાં હાલમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1353 થઇ છે. જેમાં 1199 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 154 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમજ 1867 લોકો હોમ ક્વોરન્ટીન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે શહેરમાં કોરોનાના 309 કેસ નોંધાયા હતાં જે આજે વધીને 398 થયા છે.
શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 81, પશ્ચિમ ઝોનમાં 97, ઉત્તર ઝોનમાં 85 અને દક્ષિણ ઝોનમાં 84 કેસ નોંધાયા છે. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં આજે 51 કેસ નોંધાયા છે.
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોના સંક્રમિત
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોના સંક્રમિત થયા છે. ગત વર્ષે માર્ચ મહિનામાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમ છતાં તે ફરી કોરોના સંક્રમિત થયા છે. બીજા કેસમાં પાલિકાના આરોગ્ય વિભાગના એપેડેમોલોજીસ્ટ ડો. પિયુષ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ અને મુખ્યમથકના હેડ કોન્સ્ટેબલને પણ કોરોના પોઝિટિવ આવતાં બંનેની સારવાર શરુ કરી દેવાઇ છે. શહેરમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,121 છે. જે પૈકી 148 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર, આઇ.સી.યુ.માં 16 અને 127 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.