કોરોના અપડેટ:દિવાળી પહેલાં 549 દિવસ પછી કોરોનાના કેસ, મંગળવારે શહેરમાં એક પણ કેસ નહીં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે ત્યારે શરત એટલી છે કે રસી બાકી હોય તો સત્વરે મુકાવીએ અને આગામી તહેવારોમાં ગાઈડ લાઈનનું પાલન કરી તકેદારી રાખીએ
  • માર્ચ 2020થી અત્યાર સુધી 10,43,799 સેમ્પલનું ટેસ્ટિંગ, 45,327, લોકો કોરોના પોઝિટિવ

અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરાવાસીઓ માટે મંગળવાર મંગલદિન સાબિત થયો છે. 549 દિવસ બાદ કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. વડોદરા શહેરમાં ગત 20મી માર્ચના 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી અત્યાર સુધી વડોદરા મહાનગર પાલિકામાં કોરોનાના 45,327 પોઝિટીવ કેસ નોંધાયા છે. પાલિકાએ છેલ્લા 549 દિવસમાં કુલ 10,43,799 સેમ્પલિંગ કર્યા હતા. જેમાંથી 45,327 પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 44,886 જેટલા લોકો સાજા થઈ ગયા છે. જ્યારે પાલિકાના ચોપડે આ મહામારીમાં 428 દર્દીઓના મોત નીપજ્યા છે.

મંગળવારે શહેરમાં 2,471 સેમ્પલ લેવાયા હતા. જેમાં બધા જ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. સોમવારે શહેરમાં 1 કેસ નોંધાયો હતો પરંતુ તે કેસ પણ વડોદરા રૂરલમાં નોંધાયો હતો. છેલ્લા 48 કલાકમાં શહેરમાં એક પણ કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો નથી. હાલમાં વડોદરા શહેરમાં કોરોનાના 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે માત્ર 1 જ દર્દીને ઓક્સિજન પર સારવાર અપાઇ રહી છે.શહેરમાં વર્ષ 2021ની 8મી મેના રોજ સૌથી વધુ 989 કેસ નોંધાયા હતા. જોકે ત્યારબાદ કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. શહેરમાં વ્યાપક વેક્સિનેશન વચ્ચે મંગળવારે કોરોનાનો એકપણ નવો કેસ નહીં નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

બે મહિનાથી ઓક્સિજન પર રોજ એક જ દર્દી
વડોદરા શહેરમાં 8મી મેના રોજ એક જ દિવસમાં 989 કેસ નોંધાયા હતા. જોકે છેલ્લા બે મહિનાથી શહેરમાં કોરોનાના સરેરાશ પોઝિટિવ કેસ એકી સંખ્યામાં જ નોંધાઈ રહ્યા છે. હાલમાં પણ શહેરમાં 16 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં 15 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી એકપણ દર્દીને વેન્ટિલેટર પર મુકવાની જરૂર પડી નથી. જે કોરોના હવે કંટ્રોલમાં હોવાનું દર્શાવે છે. જો કે આગામી દિવાળીના તહેવારોમાં શહેરીજનો સંયમ સાથે ઉજવણી કરે તો કોરોના નાબૂદ થાય તે દિવસો દૂર નથી.

20 હજાર લોકોનું રસીકરણ
શહેરમાં ચાલી રહેલા કોરોના રસીકરણમાં મંગળવારે ઈદની રજામાં રસીકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો આરોગ્ય વિભાગના આંકડા મુજબ 20,439 લોકોએ રસી મુકાવી હતી.જેમાં પ્રથમ ડોઝ ની સંખ્યા 6622 નોંધાઇ હતી આ સાથે પ્રથમ ડોઝ ના કુલ રસીકરણનો આ 94.20 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા 13817 નોંધાઇ હતી.તંત્ર દ્વારા દિવાળી સુધીમાં તમામ લોકોને રસી નો પ્રથમ ડોઝ મૂકી દેવાનો લક્ષ્યાંક છે.

અન્ય સમાચારો પણ છે...