તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણાદાયી:વડોદરામાં કોરોના વોરિયર્સ તબીબે પ્લાઝમા ડોનેટ કર્યાં, કોરોના મુક્ત દર્દીઓની યાદી બનાવીને સ્વૈચ્છિક પ્લાઝમા દાન કરવા તૈયાર કરાશે

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વોરિયર્સ ડો. રાજેશ શાહ - Divya Bhaskar
કોરોના વોરિયર્સ ડો. રાજેશ શાહ
  • પ્લાઝમા ડોનેશન માટે 18થી 60 વર્ષની ઉંમરના અને 55 કિલોથી વધુ વજન ધરાવતા કોરોના મુક્ત લોકોની યાદી તૈયાર કરાશે

વડોદરા શહેરના કોરોના વોરિયર્સ ડો. રાજેશ શાહે કોરોના મુક્ત થયા બાદ દોઢ મહિને પ્લાઝમાં ડોનેટ કર્યાં છે અને અન્ય લોકોને પણ પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રેરણા આપી છે. બીજી તરફ વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલોમાં વિશેષ પ્લાઝમા ડોનેશન સેલ દ્વારા કોરોના મુક્ત થયેલા 18થી 60 વર્ષની ઉંમરના અને 55 કિલોથી વધુ વજન ધરાવતા અને અન્ય કોઇ તબીબી કારણોસર પ્લાઝમા દાન ન કરવાની સલાહ આપવામાં આવી ન હોય એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે અને તેઓને સ્વૈચ્છિક પ્લાઝમા દાન માટે તૈયાર કરવાનું અને સમજાવટનું કામ હાથ ધરવામાં આવશે. આવા લોકો તૈયાર થાય તો પહેલા એમના લોહીમાં જરૂરી એન્ટીબોડીના વિકાસની ટેસ્ટ દ્વારા ચકાસણી કર્યાં બાદ પ્લાઝમા સારવાર માટે તેના સંકલનની કામગીરી થાય એવું આયોજન વિચારાધીન છે.

લોહીમાં રહેલા પ્લાઝમાનું દાન આપીને કોરોના યોદ્ધાનું વધુ એક કર્તવ્ય અદા કર્યું
ડો.રાજેશ શાહ નિષ્ણાંત હોમિયોપેથિક તબીબ છે. તેઓએ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કોરોના કટોકટીના વડોદરા શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા વ્યવસ્થાપનમાં યોગદાન આપવાની સાથે આ રોગ સામે બચાવ તરીકે રોગ પ્રતિકારક ક્ષમતા વધારતા હોમિયોપેથિક ઔષધીઓના સ્વપહેલથી વ્યાપક વિતરણ કર્યું છે અને લોકોને આરોગ્ય તકેદારીનું લોક શિક્ષણ આપ્યું છે. કોરોના સામેની લડતમાં લોકોને પીઠબળ આપવાની વ્યાપક સક્રિયતા દરમિયાન તેઓ પોતે સંક્રમણનો ભોગ બન્યા અને કાળજીપૂર્વક જરૂરી સારવાર લઇને સાજા પણ થયા. તેમણે કોરોના મુક્ત થયાના દોઢ મહિના પછી ઇન્દુ બ્લડ બેંકમાં પોતાના લોહીમાં રહેલા પ્લાઝમાનું દાન આપીને કોરોના યોદ્ધાનું વધુ એક કર્તવ્ય અદા કર્યું છે.

પ્લાઝમાં ડોનેટ કરવાની પ્રક્રિયા વેદના રહિત છે અને કોઇ અશક્તિ આવતી નથી
ડો.રાજેશ શાહે જણાવ્યું હતું કે, આ ઉપચાર માટે સાજા થયેલા દર્દીના બ્લડ પ્લાઝમાની જરૂર પડે છે, પરંતુ, રક્તદાનની જેમ આ બાબતમાં અનેક પાયા વગરની શંકા-કુશંકાઓ ફેલાયેલી હોવાથી ઇચ્છવા છતાં પાત્રતા ધરાવતા રોગ મુક્ત લોકો તેના માટે પહેલ કરતા ખચકાય છે. આ ખચકાટ સાવ અસ્થાને છે, એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા નોન ઇન્વેઝિવ અને વેદના રહિત છે એવા શબ્દોમાં પોતાના અનુભવને વાચા આપતાં તેઓ જણાવે છે કે, આ દાન લેતા પહેલા દાતાનો ટેસ્ટ કરવામાં આવે છે અને તે પોઝિટિવ જણાય એટલે કે, તેના લોહીમાં એન્ટીબોડી વિકસ્યા હોય તો જ પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા લેવાની પ્રક્રિયા સલામત અને યંત્ર આધારિત છે. દાતાના લોહીમાંથી પ્લાઝમા તારવી લીધા પછી પાછું એ લોહી એના શરીરમાં પરત જાય છે. પ્લાઝમા દાનથી કોઈ અશક્તિ આવતી નથી કે, ચેપ લાગવાની શક્યતા નથી.

સયાજી અને ગોત્રી હોસ્પિટલોમાં વિશેષ પ્લાઝમા ડોનેશન સેલ બનાવ્યા
ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે કોરોના પીડિતોની પ્લાઝમા સારવાર માટે સંતોષજનક પ્રમાણમાં બ્લડ પ્લાઝમા મળી રહે અને કોરોના મુક્ત થયેલા અને પ્લાઝમાનું દાન કરવાને લાયક લોકો સ્વેચ્છા એ આગળ આવે તેવા સુનિયોજિત પ્રયાસોના ભાગરૂપે સયાજી અને ગોત્રી હોસ્પિટલોમાં વિશેષ પ્લાઝમા ડોનેશન સેલ બનાવ્યા છે.

ઓછીથી લઇને મધ્યમ અસર ધરાવતા કોરોના દર્દીઓની સારવારનો એક વિકલ્પ પ્લાઝમા ડોનેશન છે
ગોત્રી હોસ્પિટલના પ્લાઝમા ડોનેશન સેલના નોડલ અધિકારી ડો.ચિરાગ રાઠોડે જણાવ્યું કે, માઇલ્ડ ટુ મોડરેટ કેટેગરી એટલે કે, વાઇરસની પ્રારંભિક કે, ઓછીથી લઇને મધ્યમ અસર ધરાવતા કોવિડ દર્દીઓની સારવારનો એક વિકલ્પ પ્લાઝમા ડોનેશન છે. તબીબી ધારાધોરણો પાળીને કોરોનામાંથી મુક્ત થયેલા લોકો પાસેથી સ્વેચ્છાએ બ્લડ પ્લાઝમા દાનમાં મેળવીને આ સારવાર થઇ શકે છે. સેલ હેઠળ પેથોલોજિસ્ટ, પ્રિવેન્ટિવ સોશિયલ મેડિસીનના તબીબ, નોડલ ઓફિસર અને કાઉન્સેલની કમિટી બનાવી, કામગીરીની પદ્ધતિ નિર્ધારિત કરી સેલને કાર્યરત કરવાની વિચારણા કરી છે.

અન્ય સમાચારો પણ છે...