રસીકરણ અભિયાન:વડોદરા જિલ્લામાં 45થી વધુ ઉંમરના 9535 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, ડો. શિતલ મિસ્ત્રીએ રસી લીધા બાદ એન્ટીબોડી લેવલ 103.5 આવ્યું

વડોદરા2 વર્ષ પહેલા
વડોદરા જિલ્લામાં પ્રથમ દિવસે 45થી વધુ ઉંમરના 9535 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
  • વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 1,36,143 નાગરિકોએ કોરોનાની રસી મૂકાવી

કોરોનાના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન વડોદરા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા 45થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રથમ દિવસે 45થી વધુ ઉંમરના 9535 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લામાં કુલ 1,36,143 નાગરિકોને કોરોનાની રસી મૂકાઇ
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 200થી વધુ કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેમ જણાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાઓનો 60+ ઉંમરના વડીલો અને 45થી વધુ ઉંમરના નાગરિકો રસીકરણનો લાભ લઇ રહ્યા છે. તેમને ઉમેર્યું હતું કે, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 45થી વધુ ઉંમરના 34,796 જ્યારે 60 વર્ષ ઉપરના 1,01,347 સહિત કુલ 1,36,143 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

રસી લીધાં પછી મારા શરીરની કોવિડ પ્રતિકારક શક્તિમાં ઘણો જ વધારો થયો છેઃ ડો.શીતલ મિસ્ત્રી
ડો.શીતલ મિસ્ત્રી ગોત્રી સરકારી હોસ્પિટલના કોવિડ સારવાર વિભાગનું લગભગ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી નોડલ વહીવટી અધિકારી તરીકે કર્મનિષ્ઠા સાથે પ્રબંધન કરી રહ્યા છે. આ રાત દિવસની મથામણ દરમિયાન તેઓ આ રોગનો ભોગ બન્યા હતા અને તેમાં થતી વેદનાનો અનુભવ કર્યો છે. તેઓ કહે છે કે, આ અનુભવ મને આ રોગને વધુ સારી રીતે સમજવામાં અને તેના પ્રબંધનને બહેતર બનાવવામાં ઉપયોગી નીવડ્યો છે.

ડો.શીતલ મિસ્ત્રી
ડો.શીતલ મિસ્ત્રી

ડો. શિતલ મિસ્ત્રીનું એન્ટીબોડી લેવલ 103.5 જેટલું જણાયું
તેમણે આરોગ્યના લડવૈયા તરીકે જાન્યુઆરીમાં રસીકરણની શરૂઆતના તબક્કામાં રસી લીધી હતી. તેમણે તાજેતરમાં આ રસીથી શરીરમાં કેટલી કોરોના પ્રતિરોધક ક્ષમતા એટલે એન્ટી સાર્સ કોવ 2 (કોવિડ) એન્ટીબોડી લેવલ જાણવા લેબ. પરીક્ષણ કર્યું હતું. જેમાં તેમનું આ લેવલ 103.5 જેટલું જણાયું છે. એક તબીબ તરીકે તેઓ કહે છે કે, આ ઘણું સારું, બલ્કે અદભૂત લેવલ ગણાય. તેમણે કોવિશિલ્ડ રસી લીધી હતી, જેનું આ સારું પરિણામ છે એવું તેમનું કહેવું છે.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 1,36,143 નાગરિકોએ કોરોનાની રસી મૂકાવી છે
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 1,36,143 નાગરિકોએ કોરોનાની રસી મૂકાવી છે

વ઼ડોદરા તાલુકામાં સૌથી વધુ 35530 નાગરિકોને રસી મૂકાઇ
ડો. જૈને વધુમાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં રસીકરણ ઝુંબેશ હેઠળ ડભોઇ તાલુકામાં 16568, ડેસરમાં 5916, કરજણમાં 14459, પાદરામાં 25620, સાવલીમાં 14402, શિનોરમાં 7187, વડોદરામાં 35530 અને વાઘોડિયા તાલુકામાં 16461 નાગરિકોને કોરોના આરોગ્ય રક્ષક રસી આપવામાં આવી છે.

લોકોમાં રસીકરણને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે
લોકોમાં રસીકરણને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આડઅસરની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી
રસી લેનારાઓને પાળવાની તકેદારીની સમજણ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાની-મોટી આડ અસર વર્તાય તો જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી આડઅસરની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી. બીજી તરફ નંદેસરી જીઆઇજીસીમાં કોરોનાના કેસો વધતા નંદેસરી નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ વેક્સિન લીધી હતી.

નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું