તકેદારી:દિવાળીમાં દોઢ લાખ લોકો ફરીને આવ્યા બાદ કોરોના ટેસ્ટિંગ શરૂ!

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એસટી ડેપો, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો કોરોનાના ટેસ્ટ કરાયા હતા. - Divya Bhaskar
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એસટી ડેપો, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો કોરોનાના ટેસ્ટ કરાયા હતા.
  • ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળું મારવા જેવો ઘાટ
  • 2 દિવસમાં 10 જાહેર સ્થળોએ 8881 લોકોના ટેસ્ટ કરાયા

દિવાળીમાં ફરવા ગયેલા લોકો પરત આવે ત્યારે તેમનું કોરોના અંગેનું ચેકિંગ રેલવે સ્ટેશન પર કરાય તેવી વ્યવસ્થા સુરત કોર્પોરેશને હાથ ધરી હતી. બીજી તરફ શહેરમાંથી દિવાળી વેકેશન દરમિયાન અંદાજે દોઢ લાખ લોકો દેશનાં વિવિધ સ્થળોએ ફરવા ગયા હતા, પરંતુ વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી. બીજી તરફ ફરવા ગયેલા લોકો હવે પરત આવી ગયા છે ત્યારે આરોગ્ય વિભાગે 2 દિવસથી જાહેર સ્થળો, રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર ચેકિંગ શરૂ કર્યું હતું.

શહેરમાં છેલ્લા 2 દિવસમાં અટલાદરા મંદિર, કીર્તિ સ્તંભ, છાણી ગુરુદ્વારા, માંજલપુર ગાર્ડન, ચોખંડી નાની શાક માર્કેટ, પ્રતાપ ટોકીઝ, એસટી બસ સ્ટેન્ડ, વારસિયા સહિતના 10 સ્થળો પર ટેસ્ટિંગ શરૂ કરાયું હતું, જેમાં એન્ટિજન અને આરટીપીસીઆર મળીને 8881 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. બીજી તરફ અમદાવાદમાં કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તે લોકોને જ બીઆરટીએસમાં પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે.

આ સાથે સુરતમાં પણ તાજેતરમાં જાહેર સ્થળો પર બંને ડોઝ લેનારને પ્રવેશની કવાયત હાથ ધરાઈ છે, જ્યારે વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે ઉદાસીનતા રખાઈ રહી છે. શહેરમાં હજુ પણ પ્રથમ ડોઝ લેનારની ટકાવારી 100 ટકા થઇ નથી, જ્યારે બીજો ડોઝ લેનારની ટકાવારી કુલ વસ્તીના 81% છે.

શહેરની 15 લાખ ઉપરની વસ્તીમાંથી 12.22 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે ત્યારે સિટી બસમાં પ્રવેશ માટે રસીકરણ થયું છે કે નહીં તે અંગેની તપાસ કરાતી નથી. આ અંગે પાલિકાના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં બેકલોગ ખૂબ ઓછો છે, જેને પગલે આવી કોઈ જરૂર નથી.

કોરોનાના નવા 6 કેસ, 33 દર્દી સારવાર હેઠળ
વડોદરામાં 24 કલાકમાં કોરોનાના 6 નવા કેસો નોંધાયા હતા. આ કેસ અકોટા, ગોકુલનગર, ફતેપુરા તથા રામદેવનગરમાં આવ્યા હતા. લગભગ 3 મહિનાના ગાળા બાદ પૂર્વ ઝોનમાં એક જ દિવસમાં કોરોનાના 3 નવા કેસો આવ્યા હતા. બીજી તરફ 4,590 નમૂનાનું કોરોના માટે ટેસ્ટિંગ કરાયું હતું. પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 2 અને ઉત્તર ઝોનમાં 1 નવો કેસ નોંધાયો હતો. હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 33 છે, જેમાંથી 1ને વેન્ટિલેટર પર અને 2ને ઓક્સિજન પર રખાયા છે. જ્યારે કુલ ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા 63 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...