બીસીએની લાંબા સમયે મળેલી એપેક્ષ કાઉન્સિલની બેઠક 3 કલાક સુધી ચાલી હતી. જેમાં કોચ વોટમોર અને સીઈઓના કાર્યકાળ રીન્યુઅલ માટે તારીખ પડી હતી.જો કે બીસીએની વિવિધ ટીમોના કંગાળ પ્રદર્શન માટે કોરોનાના માથે ઠીકરું ફોડાયું હતું.
એપેક્ષ કમિટિની બેઠક પહેલાં એપેક્ષ મેમ્બર કમલ પંડયાએ ચાર પાનાનો પત્ર બીસીએના હોદેદારોને પત્ર લખ્યો હતો તે મુદે પણ બેઠકમાં ચર્ચા થઇ હતી. ત્રણ કલાકની બેઠકમાં સવા બે કલાક માત્ર ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ માટેની વાત થઇ હતી. બીસીએની વિવિધ ટીમોના થયેલા કંગાળ પ્રદર્શન માટે કોરોના કાળને સીઈઓ અને હોદેદારોએ જવાબદાર ગણાવ્યો હતો. સીઈઓ અને કોચના કાર્યકાળને રીન્યુ કરવો કે નહી તે અંગે પણ ચર્ચા થઇ હતી.જેના માટે એપેક્ષના સભ્યો બંનેને મળી વિવિધ મુદે ચર્ચા કરશે અને ત્યારબાદ જે તે નિર્ણય લેવાની વાત થઇ હતી.
એક મેચ રમીને રણજી ટ્રોફી સ્પર્ધા છોડી દેનાર કૃણાલ પંડયા સાથે સીઈઓને વાતચીત કરવા સીઈઓને સુચના અપાઇ હતી.કોટંબી સ્ટેડિયમ અંગે એપેક્ષમાં ચર્ચા થઇ હતી. અગાઉ ખર્ચ 80થી 100 કરોડ અંદાજાયો હતો પણ સ્ટીલ અને સિમેન્ટ સહિતના મટીરીયલમાં ભાવ વધારો થતાં ખર્ચ બેવડો થવાની ભીતી વ્યકત કરાઇ હતી.
સીઈઓએ ગુલાબી ચિત્ર રજૂ કરી એપેક્ષને આંજી દીધી, ખેલાડીઓ બદલાયાની કોઇ ચર્ચા ન થઇ
સીઈઓ શિષિર હટંગડીના નવા કાર્યકાળ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી પણ બેઠકમાં સીઈઓએ બીસીએના ક્રિકેટ ભવિષ્યનું ફુલ ગુલાબી ચિત્ર રજૂ કરીને એપેક્ષના તમામ સભ્યોને આંજી દીધા હતા. બીસીએની મહિલા ટીમ અને અન્ય ટીમોમાં સીલેકશન કમિટિએ પસંદ કરેલા ખેલાડીઓને પાછળથી કેવી રીતે બદલી નંખાયા તેની કોઈ ચર્ચા કરાઈ ન હતી.
રાયડુ- હુડાને પરત લાવવા ચર્ચા
વડોદરા ટીમ છોડી ગયેલા અંબાતી રાયડુ અને દીપક હુડાને બીસીએ ટીમમાં પરત લાવવા માટેની ચર્ચા કરાઈ હતી, તેના માટે સીઇઓને પ્રયાસ કરવા માટે કહેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.