કોરોના વાઈરસ:પૂર્વ ઝોનમાં કોરોનાનો કહેર, 1 મહિનામાં 16.50%નો વધારો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 25 એપ્રિલે પૂર્વ ઝોનમાં કોરોના પોઝિટિવની સંખ્યા માત્ર 18 હતી કે જે 297 પર પહોંચી જતાં 16 ગણો વધારો
  • પૂર્વ ઝોનમાં પાણીગેટ, યાકુતપુરા, મોગલવાડા સહિતના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે ઝડપથી વધી રહ્યું છે

શહેરમાં કોરોના સંક્રમણનો ફેલાવો હજુ પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી અને તેમાં પણ પૂર્વ વિસ્તારમાં બિલ્લીપગે થયેલા કોરોનાનો પગ પેસારો હવે વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. એક મહિના પહેલા પૂર્વ ઝોનમાં કોરોના પોઝિટિવ ના દર્દીની સંખ્યા 18 પૂરતી સીમિત રહી હતી પણ તા.27 મે ના રોજ તેની સંખ્યા 297 પર પહોંચતા તેમાં  16.50 ગણો વધારો થયો છે. વડોદરામાં કોરોના પોઝિટિવ નો પહેલો કેસ તા.20 માર્ચે નોંધાયો હતો અને આ દિવસે કુલ 3 પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગને મળ્યા હતા. પ્રથમ તબક્કાના સંક્રમણમાં કોરોનાનાં દર્દીઓ ઉત્તર ઝોનમાં વધી રહ્યા હતા અને તેમાં નાગરવાડા સૈયદપુરા હોટ સ્પોટ બની ગયું હતું અને હજી પણ રેડ ઝોનમાં છે. 30 એપ્રિલ સુધીમાં કોરોના પોઝિટિવના 324 કેસ હતા અને તે પૈકી ઉત્તર ઝોનમાં જ 228 કેસ હતા. તેવી જ રીતે બરાબર એક મહિના પહેલા એટલે કે 25 એપ્રિલે કુલ 234 પોઝિટિવ પૈકી ઉત્તર ઝોનમાં 192 તો પૂર્વ ઝોનમાં 18 કેસ હતા. તા. 1 મેના રોજ કુલ 324 કેસ પૈકી ઉત્તરમાં 236 તો પૂર્વમાં 49 કેસ થઇ ગયા હતા.

તા.23 મે સુધીમાં ઉત્તરમાં 370 તો પૂર્વમાં 261 કેસ નોંધ્યા હતા. તા.27 મે સુધીમાં નોંધાયેલા કુલ 933 કેસ પૈકી પૂર્વ ઝોનમાં કોરોના પીડિતોની સંખ્યા 297 પર પહોંચી છે. આ એક મહિનાનો સમયગાળો બતાવે છે કે પૂર્વ ઝોનમાં પાણીગેટ, યાકુતપુરા, મોગલવાડા સહિતના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ કેટલી ઝડપથી વધી રહ્યું છે અને તેના કારણે હોટ સ્પોટનું વધુ એક કેન્દ્ર વ્યાપી રહ્યું છે.

 અત્યાર સુધી નાગરવાડા હોટ સ્પોટ ગણાતુ હતું, હવે ચેપનો વ્યાપ વધતા નવા વિસ્તારો ઉમેરાઇ રહ્યા છે. દક્ષિણ ઝોનમાં પણ 26 દિવસમાં જ 106 નવા કેસનો ઉમેરો થયો દક્ષિણ ઝોનમાં પણ એક મહિના પહેલા કોરોના પોઝિટિવના માત્ર 7 જ કેસ હતા અને 1 મે સુધી આ સંખ્યા 18 પર પહોંચી હતી.જોકે, છેલ્લા 26દિવસમાં જ તેમાં 106નો ઉમેરો થતા કુલ આંક 124પર પહોચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...