તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ તુલસીનું મહત્ત્વ સમજાવ્યું:વડોદરામાં એક દિવસમાં જ મુસ્લિમ મહિલાઓ સહિત 11 હજાર લોકો છોડ લઇ ગયા

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વનવિભાગ દ્વારા 500 હોસ્પિટલોના કોરોના વોરિયર્સને પણ 5000 છોડવાઓ ભેટસ્વરૂપે અાપવામાં આવ્યા હતા. - Divya Bhaskar
વનવિભાગ દ્વારા 500 હોસ્પિટલોના કોરોના વોરિયર્સને પણ 5000 છોડવાઓ ભેટસ્વરૂપે અાપવામાં આવ્યા હતા.
  • પર્યાવરણ દિન પૂર્વે વનવિભાગ દ્વારા વિવિધ 15 હજાર રોપાનું વિતરણ
  • નગોડ, અરડુસી, એલોવેરાના રોપાની પણ ડિમાન્ડ વધી

કોરોનાને લીધે લોકોમાં પોતાના આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધતા રોગપ્રતિકારકશક્તિ વધારતી દવાઓ અને વનસ્પતિઓ તરફ લોકો વળ્યા છે. તેનો એક મોટો પૂરાવો પર્યાવરણ દિન પૂર્વે વનવિભાગના શુક્રવારે આયોજિત રોપાવિતરણના કાર્યક્મમાં જોવા મળ્યો હતો.

અન્ય 15 હજાર રોપા વિતરણ કર્યા
કમાટીબાગ વનવિભાગની નર્સરીથી 11 હજારથી વધુ લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારતા અને શરદી-સળેખમ સહિતના રોગોમાં ઉપયોગી મનાતી અને એન્ટીવાઇરલ સહિતના ઔષધિય ગુણો ધરાવતી તુલસીના રોપાઓ લઇ ગયા હતા. એટલું જ નહીં સવારથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓ પણ રોપા લેવા આવી હતી. એક જ દિવસમાં તુલસીના 11 હજાર છોડ સહિત 15 હજાર વિવિધ રોપાનું વિતરણ કરાયું હતું. આગામી દિવસમાં 1 લાખ રોપાનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

500 છોડ હોસ્પિટલને અપાયા
આ વિશે વાત કરતા ડીસીએફ કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, ‘તુલસીના ઔષધિય ગુણોથી સૌ કોઇ વાકેફ છે. અમે કુલ એક લાખ રોપાઓ તૈયાર રાખ્યા છે. પહેલા દિવસે તુલસીના જ રોપાઓ લેવા માટે લોકોનો વિશેષ ધસારો જોવા મળ્યો હતો. મુસ્લિમ સહિતના તમામ વર્ગના લોકો તુલસીના છોડવાઓ લઇ ગયા હતા, જે બતાવે છે કે તમામ વર્ગના લોકોમાં જાગૃતિ આવી છે.’ આ ઉપરાંત વનવિભાગ દ્વારા 500 હોસ્પિટલોના કોરોના વોરિયર્સને પણ 5000 છોડવાઓ ભેટસ્વરૂપે આપ્યા હતા. એટલું જ નહીં 500 છોડવાઓને વિવિધ હોસ્પિટલોના પરિસરમાં રોપવામાં આવ્યાં હતા. તુલસી ઉપરાંત નગોડ, અરડુસી, અેલોવેરા સહિતના રોપા લોકો લઇ ગયા હતા.

તુલસીનાં પાનાં જ નહીં માંજર પણ રોગનાશક

  • તુલસીના પાનનો રસ, આદુનો રસ, એક વર્ષ જૂનું મધ તથા મરીનો ભૂકો વિકૃત કફ-વાયુ દૂર કરે છે.
  • ભૂખ્યા પેટે તુલસીના માંજર એક ચમચી લેવાથી પેશાબને લગતા રોગ મટે છે
  • તુલસીની પ્રકૃતિ ગરમ હોવાથી પિત્ત થતો હોય તેવા લોકોએ તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું તુલસી શ્વાસના રોગોમાં ઉપયોગી હોય છે, તે ઇમ્યૂનિટી વધારે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે

આજે વાંસળીના ધ્વનિ સાથે 108 છોડવાની રોપણી
પર્યાવરણ દિન નિમિત્તે સમા-હરણી રોડની જય અંબે સ્કૂલમાં શનિવારે વાંસળીના ધ્વનિના સંગાથે 108 છોડવાઓની રોપણી કરાશે. વાસળીના સૂરો પવિત્ર હોવાથી તેમના સૂરાવલિમાં આ રોપણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ છોડવાઓમાં શતપર્ણી, ગુલમહોર, આસોપાલવ, લીમડો, બદામ, જાંબુ સહિતના વિવિધ છોડવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કામનાથ મહાદેવ મંદિરના ઘાટની આસપાસ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...