તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરામાં કોરોનાના કેસ ઓછા નથી થતા એટલે ટેસ્ટ જ ઓછા કરી દીધા, હવે ખાનગી લેબમાં રોજ માત્ર 250 ટેસ્ટ

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના ટેસ્ટિંગની 8 પૈકી 2 લેબોરેટરી બંધ, 4માં ટોકન પૂરા, 2માં રિપોર્ટ માટે 48 થી 72 કલાક વેઈટિંગ
 • અગાઉ 500 સુધી ટેસ્ટ થતા હતા, હાલ રેલવે બુકિંગ જેવો ઘાટ, નંબર આવે તે પહેલાં જ ટોકન પૂરા
 • ટેસ્ટનું ભારણ હોવાની લેબોરેટરીની દલીલ

વડોદરામાં કોરોનાનું સંક્રમણ ખોફનાક રીતે વધતાં ખુદ મુખ્યમંત્રીએ ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી હતી. જોકે, ટેસ્ટ વધારવાની વાત તો દૂર કોરોનાના કેસ ઘટાડવા માટે ટેસ્ટ જ ઓછા કરી દીધા છે. દિવ્ય ભાસ્કરની ટીમે રવિવારે કોરોના ટેસ્ટિંગની માન્યતા વાળી શહેરની 11 ખાનગી લેબોરેટરી પૈકી 8 લેબની મુલાકાત લેતા 2 લેબ બંધ હતી. 4 લેબોરેટરીએ ટોકન આપી નવા ટેસ્ટની કામગીરી બંધ કરી દીધી હતી જ્યારે અન્ય 2 લેબોરેટરીએ રિપોર્ટિંગ માટે 48થી 72 કલાકનું વેઇટિંગ હોવાનું કહ્યું છે. અગાઉ લેબોરેટરી 500 સુધી સેમ્પલો લેતી હતી, હવે માત્ર 100 થી 250 સુધી જ મર્યાદા કરી દીધી છે. ટેસ્ટિંગ માટે રેલવે બુકિંગ જેવો ઘાટ સર્જાય છે. નંબર આવે તે પહેલા જ ટોકન પૂરા થઇ જાય છે. અલબત્ત, લેબ કર્મીઓ ટેસ્ટનું ભારણ હોવાનું કહી રહ્યા છે.

ટોપરાણી લેબ: લોકોનો ઘસારો છતાં લેબોરેટરી બંધ, સેમ્પલ ન લેવાયા
રેસકોર્ષની ટોપરાણી લેબોરેટરીમાં રવિવારે RTPCR ટેસ્ટ માટે સેમ્પલ લેવાનું બંધ હતું. લેબમાં હાજર કર્મીએ કહ્યું કે સોમવારે સવારે 7:30 વાગ્યાથી ટોકન મળશે.ઓનલાઇન પણ બુકિંગ થશે. બહાર સિક્યુરિટી જવાને જણાવ્યું માત્ર 2 કલાકમાં પરિસર ભરાઈ જાય છે.રિપોર્ટ આવતા 48 કલાક થશે.

વી પાથ લેબોરેટરી: પ્રિસ્ક્રિપ્શન વિના ટેસ્ટ નહીં, 48 કલાકમાં રિપોર્ટ
સુશેન તરસાલી રોડની વી પાથ લેબોરેટરીમાં સ્ટાફે કહ્યું કે અત્યારે RTPCR ટેસ્ટની કામગીરી બંધ રાખી છે. આવતીકાલે ટેસ્ટ થશે. ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો ટેસ્ટ થશે. સેમ્પલ અમદાવાદ જતા હોવાથી રિપોર્ટ આવતા 24થી 48 કલાક થાય.

પેથોકેર લેબ: કારેલીબાગમાં ચાર દિવસ બંધ રેસકોર્સમાં ટોકન
પેથોકેર લેબનું કારેલીબાગ કલેકશન સેન્ટર 4 દિવસ બંધ છે. ઓડિટનું કામ ચાલતું હોવાનું સ્ટાફ કહે છે. રેસકોર્સ સ્થિત મુખ્ય લેબમાં પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બપોરના બે વાગ્યા સુધી જ લેબ ચાલુ હતી. સવારે 8 વાગ્યે ટોકન લેવા માટે આવી જજો. માત્ર અડધો કલાકમાં જ બધા ટોકન વહેંચાય જાય છે. રોજના 150 ટોકન જ હોય છે. રિપોર્ટ આવતા 24 કલાક થાય છે.

ડિવાઇન લેબ: આજનું સેમ્પલિંગ બંધ, કાલે 8 વાગે છાણી પહોંચી જજો
ફતેગંજની ડિવાઇન લેબની બ્રાચમાં સ્ટાફે કહ્યું કે આજના ટેસ્ટિંગ બંધ થયા છે. કાલે છાણીની બ્રાંચ પર સવારે 8 વાગે પહોંચી જજો અને ટોકન લઇ લેજો. રિપોર્ટ આવતાં 24થી 36 કલાકનો સમય થશે. આ લેબની શહેરમાં ચાર બ્રાંચ છે. સવારે જ ટોકન આપ્યા બાદ સંખ્યા થઇ જતાં નવા ટોકન બંધ કરે છે.

સ્ટર્લિંગ એક્યુરિસ લેબ: 250 ટેસ્ટ, રિપોર્ટ 48થી 72 કલાકમાં મળશે
સ્ટર્લિંગ એક્યુરિસ લેબમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, લેબ સવારે 8.00 વાગે શરૂ થશે અને ત્યાં ટોકન સિસ્ટમ છે. હાજર સ્ટાફે જણાવ્યું કે, ‘ જેટલા મોડા આવશો તેટલી લાઇન વધુ હશે. રોજના અહીં 250 લોકો ટેસ્ટિંગ માટે આવે છે. રિપોર્ટ માટે 48થી 72 કલાકની રાહ જોવી પડશે.’ અહીં ભોંયતળિયેથી પહેલા માળ અને ત્યાંથી બીજે નિયત સ્થળે જઇને ટેસ્ટ કરાવવાનો હોય છે.

ગ્રેસ લેબ: નમૂના સુરત જાય છે,3થી 4 દિવસ લાગે
મકરપુરાની ગ્રેસ લેબોરેટરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આજે ટેસ્ટ કરવો શક્ય નથી. અમે પહોંચી નથી વળતા. નમૂના અહીંયાથી સુરત જાય છે, એટલે ત્રણથી ચાર દિવસનો સમય થાય છે. કાલે આખો દિવસ ચાલુ છે પરંતુ લોકો વધશે તો અમે બંધ કરીશું.

યુનીપેથ લેબ: રોજના માત્ર 250 ટોકન આપે છે
અકોટાની યુનીપેથ લેબ રોજના માત્ર 250 સેમ્પલ કલેક્ટ કરે છે.કર્મચારીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે 8:30 વાગે ટોકન લેવા માટે આવવુ. રવિવાર નું બુકિંગ ફૂલ થઇ ગયું છે માત્ર 250 ટોકન અપાય છે . સેમ્પલ આપ્યા બાદ 24 થી 48 કલાકમાં રિપોર્ટ આવશે.

ગુનગુન લેબ: બુધવાર સુધી સેમ્પલ લેવાનું બંધ કરી દીધું
આજવા રોડ કમલાનગર ખાતે આવેલી ગુન ગુન લેબમાં બે દિવસથી આરટીપીસીઆરના સેમ્પલ લેવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું રવિવારે જણાવ્યું હતું.બુધવાર પછી ફરી એક વખત સેમ્પલ લેવામાં આવશે. અમદાવાદમાં ભારણ વધારે હોવાને પગલે સેમ્પલ લેવાનું બંધ કરાયું છે.

આ બાબત ગંભીર, હું જાતે જ તપાસ કરીશ : ડો. વિનોદ રાવ
કોરોના ઓએસડી ડો. વિનોદ રાવને લેબોરેટરીઓ બંધ હોવાની અને મર્યાદિત પ્રમાણમાં સેમ્પલ લેવાની વાત કરી તો તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘ આ બાબત ગંભીર છે. ખરેખર તો સરકારે કોરોના ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી છે. આ અંગે હું જાતે જ તપાસ કરીશ.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો