ભાસ્કર વિશેષ:બીમાર હોવા છતાં વૃદ્ધની કાળજી લેવાનું ન ચૂકનાર શી ટીમનાં મહિલા અધિકારીને ‘કોપ ઓફ ધ મંથ’ એવોર્ડ એનાયત કરાયો

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ રુક્તેશભાઇએ કહ્યું, રમીલાબેને સીઆરપી આપી ન હોત તો હું જીવિત ન હોત

શહેરમાં એકલા રહેતા 62 વર્ષીય વૃદ્ધની કાળજી રાખવાની જવાબદારી મળ્યા બાદ 7 મહિના સુધી તેમની દિકરીની જેમ તેમની સેવા કરનાર, તેમનો જીવ બચાવનાર, પોતે બીમાર હોય તો પણ તેમની કાળજી ક્યારેય ના ચૂકનાર શહેરના છાણી પોલીસ સ્ટેશનનના શી ટીમના નોડલ અધિકારી મહિલા એએસઆઇ રમીલાબેન મકવાણાને કોપ ઓફ ધ મંથના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

છાણી કેનાલ પાસે રહેતા રુકતેશ શાહ (ઉ.વ-62) માઈક્રો બાયોલોજીસ્ટ છે અને વિદેશમાં રહે છે. 2018માં તેઓ કામ અર્થે ભારત આવ્યા હતા. ત્યારબાદ લોકડાઉન લાગી જતા તેઓ અહીંયા રહી ગયા હતા. 7 મહિના પહેલા તેમને એકાએક એકલતાની લાગણી થતા તેમણે શી ટીમને જાણ કરી હતી. શી ટીમે તેમનું કાઉન્સેલીંગ કર્યું હતું અને ઘરની નજીક રહેતા નોડેલ અધિકારી રમીલાબેન મકવાણાને વૃદ્ધના ઘરે બોલાવીને માહિતી આપી હતી.

રુકતેશ શાહે જણાવ્યું હતું કે, રમીલાબેનની તબિયત સારી ન હોય તો પણ તે મારી મદદે આવે છે. હું એકલો રહુ છું. એકવાર હું પડી જતાં બેહોશ થઇ ગયો હતો. તેઓ મને મળવા આવ્યા ત્યારે હું બેહોશ જ પડ્યો હતો. તે સમયે તેમણે મને સીપીઆર આપ્યું હતું. મને જોર-જોરથી પોકાર્યો હતો. બેહોશ અવસ્થામાં મને તેમનો અવાજ સંભળાતા હું સફાળો જાગી ગયો અને મારો જીવ બચી ગયો હતો.

ફોલોઅપ લેવાનું હું ચૂકતી નથી
શી ટીમની નોડેલ અધિકારી તરીકે મારી જવાબદારી વધુ છે. કોઈ કેસ મારી પાસે આવે તો તેનું ફોલો-અપ લેવાનું હું ચુકતી નથી. આ વૃદ્ધ ઘરમાં એકલા રહે છે તેમનુ ધ્યાન રાખવા માટે કોઈ નથી. અમારી ટીમની જવાબદારી બને છે કે તેમની સંભાળ રાખીએ. - રમીલાબેન મકવાણા, શી ટીમ નોડલ અધિકારી

અન્ય સમાચારો પણ છે...