હવે દિવસે ને દિવસે ઉનાળો આકરો બનતાં એર કંડિશનરનો વપરાશ પણ બેફામ રીતે વધી રહ્યો છે. જોકે એસીના કારણે ઉત્પન્ન થતા ગ્રીનહાઉસ ગેસના કારણે વાતાવરણમાં ફેલાતું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ગરમી વધવાનું મુખ્ય કારણ બની રહ્યું છે. બરોડા ઈલેક્ટ્રોનિક્સ ટ્રેડ એસોસિયેશન મુજબ શહેરમાં 4 લાખ એસી લાગેલાં છે.
આ 4 લાખ એસી દિવસમાં સરેરાશ 6 કલાક ચાલે તો 3936 ટન કાર્બન ઉત્સર્જન થાય છે. આ કાર્બન ઉત્સર્જન ઉપરાંત ગ્રીનહાઉસ ગેસના પગલે તાપમાન વધી રહ્યું હોવાનું રિસર્ચમાં બહાર આવ્યું છે. છેલ્લાં 20 વર્ષમાં ગરમીનો પારો સરેરાશ 2 ડિગ્રી જેટલો વધ્યો છે. ઉપરાંત મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચેનું અંતર ઘટતાં પણ ગરમી વધુ લાગી રહી છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટનાં ડાયરેક્ટર ડો.સંસ્કૃતિ મુજુમદાર હેઠળ પીએચડી કરનારા ચિરાયુ પંડિત અને શિતલ શીનખેડેએ કરેલા રિસર્ચ મુજબ, શહેરોમાં એસીના બેફામ વપરાશથી ઠંડક તો મળી રહે છે પણ સાથે સાથે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. અન્ય કારણોમાં વસતીની ગીચતા, ઈન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ, મકાનોની ગીચતા અને તળાવો-લીલોતરી દૂર થવાના પગલે પણ ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
દિવસ દરમિયાન સૂર્યનાં કિરણો જે ધરતી પર પડે છે. તે કિરણો ઊંચી ઈમારતો અને મકાનોની ગીચતા શોષી લે છે. જેનાથી ઉત્સર્જનની પ્રોસેસ ધીમી પડી છે અને ગરમી વાતાવરણની બહાર ફેંકાવાના બદલે ગરમી વાતાવરણમાં રહે છે. જેનાથી મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચેનો તફાવત ઘટવા માંડ્યો છે. જેથી દિવસ અને રાતના સમયે પણ ગરમીનો અનુભવ થતો રહે છે.
શહેરના મધ્યમ વર્ગના લોકો દ્વારા 2020માં ખરીદાયેલાં એર કન્ડિશનર અને કૂલર
લોકો કેટલા કલાક એસી-કૂલર ચલાવે છે
12 વર્ષોમાં લોકોની એસીની ખરીદી
રિસર્ચ મુજબ 1970 થી 2017નું વાર્ષિક મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચેનું અંતર 1 ડિગ્રી જેટલું ઘટ્યું છે.
ગીચ વિસ્તારોમાં સૌથી વધુ ગરમી પરાવર્તિત થાય છે
ઓછી ગીચતા ધરાવતા રહેણાક વિસ્તારો- 0.20, મધ્યમ ગીચતા ધરાવતા રહેણાક વિસ્તારો- 0.23, ગીચતા ધરાવતા રહેણાક વિસ્તારો- 0.25, પાર્ક્સ - 0.16, ઈન્ડસ્ટ્રીયલ એરિયા - 0.26, હાઈવે - 0.30, ઉજ્જડ જમીન - 0.15 થી 0.19 ગરમી પરાવર્તિત થાય છે.
► 1.5 ટનનું એસી 33 મિનિટ ચાલે તો 1 યુનિટ વિજળીનો વપરાશ થાય છે. 1 યુનિટમાં 0.82 કિલો કાર્બન ઉત્સર્જન થતું હોય છે. કાર્બન ગરમી પકડી રાખે છે, જેનાથી ગરમીમાં વધારો થાય છે. - શિતલ શીનખેડે, પીએચડી સ્ટુડન્ટ
6 મહિનામાં 24 હજાર એસીનું વેચાણ થયું
શહેરમાં એસીનું વેચાણ કરતી 180 જેટલી દુકાનો-શોરૂમ આવેલા છે. જેના વેપારીઓ જાન્યુઆરીથી જૂન સુધીની સિઝનમાં 23 હજાર થી 24 હજાર એસીનું વેચાણ કરે છે. છેલ્લાં બે વર્ષોમાં કોરોનાના પગલે ખરીદી ઘટી હતી.જેથી ચાલુ વર્ષે ગરમી વધતા એસીની ખરીદીમાં 20 ટકાનો વધારો થયો છે. એક અંદાજ મુજબ શહેરમાં હાઉસહોલ્ડ અને ઓફિસોમાં 4 લાખ જેટલા એસી લાગેલા છે. જ્યારે ગુજરાતમાં એસીના વપરાશનો રેશિયો 9 ટકા જેટલો છે. - જાસ્મીન પટેલ, પ્રમુખ, બરોડા ઈલેક્ટ્રોનિક્સ ટ્રેડ એસોસિયેશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.