દીક્ષાંત સમારોહ:વડોદરા પોલીસ તાલીમ શાળાનો દીક્ષાંત સમારોહ યોજાયો, 72 લોકરક્ષકોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘની ઉપસ્થિતમાં પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો - Divya Bhaskar
વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘની ઉપસ્થિતમાં પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો
  • લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે અને રાષ્ટ્ર સુરક્ષાની જવાબદારી સાથે ઉત્કૃષ્ટ ફરજો બજાવશે: ડો.શમશેરસિંઘ
  • પોલીસ તાલીમ શાળા વડોદરા દ્વારા વર્ષ-1955થી આજ સુધી 66,938 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે

પોલીસ તાલીમ શાળા,વડોદરા દ્વારા હથિયારી લોકરક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં કુલ 72 લોકરક્ષકોએ ભાગ લીધો હતો. આ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘની ઉપસ્થિતમાં પોલીસ તાલીમ શાળા ,વડોદરા ખાતે યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તાલીમ શાળા વડોદરા દ્વારા વર્ષ-1955થી આજ સુધી 66,938 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે

પોલીસ કમિશનરે શુભેચ્છાઓ આપી
સૌ લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે અને રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી, ઇમાનદારી, પ્રતિબધ્ધતા અને માનવસેવાના સંકલ્પને ચરીતાર્થ કરવા માટે ઉત્કૃષ્ટ ફરજો બજાવશે તેવી શ્રી ડો.શમશેરસિંઘે અભિલાષા વ્યક્ત કરી હતી. તાલીમાર્થીઓ તથા દીક્ષાંત પરેડ સમારોહમાં હાજર રહેલ તેમના વાલીઓને ડો. શમશેરસિંઘે શુભેચ્છાઓ પાઠવી હતી.

ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું
આ 73 તાલીમાર્થીઓ પૈકી ત્રણ ઇજનેર, 25 અનુસ્નાતક, 44 સ્નાતકની લાયકાત ધરાવે છે. તાલીમાર્થીઓ મુખ્યત્વે અમદાવાદ અને રાજકોટ શહેરના છે તે પછી અમરેલી, આણંદ , ખેડા , છોટાઉદેપુર , રાજકોટ ગ્રામ્ય , વડોદરા શહેર , સુરત શહેર , સુરેન્દ્રનગરના છે. ડો.શમશેરસિંઘે પરેડની સલામી ઝીલી હતી ત્યારબાદ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમ શાળાના આચાર્ય એમ.એસ. ભાભોરે તાલીમાર્થીઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યારબાદ એક પછી એક પ્લાટુને માર્ચ પાસ્ટ કરી હતી અને દરેક પ્લાટુન કમાન્ડરની મુખ્ય મહેમાનશ્રીએ સલામી ઝીલી હતી.

તાલીમાર્થીઓને ટ્રોફી અર્પણ કરી
દીક્ષાંત પરેડ સમારોહમાં શહેર પોલીસ કમિશનરે આઉટડોર પ્રથમ- તાલીમાર્થી કુલદીપકુમાર મસોતભાઇ ચૌધરી ભરૂચ, ઇન્ડોર પ્રથમ- તાલીમાર્થી વૈશાલીબેન રમેશભાઇ પ્રજાપતિ, અમદાવાદ શહેર ઓલરાઉન્ડર- તાલીમાર્થી, જ્યોતિબેન રામસિંગભાઇ ચૌહાણ, વડોદરા શહેર પરેડ કમાન્ડર, તાલીમાર્થી કુલદીપકુમાર મસોતભાઇ ચૌધરી ભરૂચને ટ્રોફી અર્પણ કરી હતી.

વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ
વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ

એસ્કોર્ટ ડ્યુટીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું
હથિયારી લોકરક્ષકોને આઉટડોર તાલીમમાં પી.ટી. , બોક્ષીંગ, યોગા ,અનાર્મ કોમ્બેટ , સ્કોડ ડ્રીલ, પ્લાટુન ડ્રીલ, લાઠી ડ્રીલ, રાયફલ ડ્રીલ, મોબ ડ્રીલ, આધુનિક હથિયારોનું પ્રશિક્ષણ, ફાયર કંટ્રોલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પેટ્રોલીંગ, નાકાબંધી, વાહન ચેકિંગ, કેદી જાપ્તા, એસ્કોર્ટ ડ્યુટી વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. જ્યારે ઇન્ડોર તાલીમમાં આઇ.પી.સી. ,સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, પોલીસ મેન્યુઅલ, ફોરેન્સિક સાયન્સ, ક્રિમિનોલોજી, માનવઅધિકારો, બંધારણની જોગવાઇઓ, પોલીસના કાર્યો અને ફરજો, કાયદો અને વ્યવસ્થા, અટકાયતી પગલા, સ્ટેટ માયનોર એક્ટ અને સેન્ટ્રલ માયનોર એક્ટ અંગે પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે.

તાલીમાર્થીઓને સમાજ જીવનના પડકારો ઝીલવા સક્ષમ બનાવ્યા
આ ઉપરાંત હ્યુમન બિહેવિયર , પોલીસ વેલ્ફેર , ડોમેસ્ટિક પ્લાનિંગ , ખાતાકીય કાર્યવાહી અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . આમ આઉટડોર / ઇન્ડોર તાલીમ દ્વારા તાલીમાર્થીઓને સમાજ જીવનના પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે. આ સમારોહમાં તાલીમાર્થીઓ ના માતા પિતા સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...