કોરોના કહેર:કોન્વેન્ટ- બ્રાઇટના 2 શિક્ષકો સહિત કોરોનાના નવા 97 કેસ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સક્રિય દર્દી 400ને પાર,500થી વધુ ક્વોરન્ટાઇન
  • MGM સ્કૂલનાે​​​​​​​ વિદ્યાર્થી પોઝિટિવ, જીએસએફસીમાં 3 સંક્રમિત

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 97 કેસ આવ્યા છે. શહેરમાં ઓક્સિજન પરના દર્દીઓ વધીને 16 અને વેન્ટિલેટર પર 6 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોન્વેન્ટ સ્કૂલનો શિક્ષક અને બ્રાઇટ સ્કૂલનો ફિઝિક્સનો શિક્ષક તથા એમજીએમ સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જીએસએફસીમાં પણ કોરોનાના 3 કેસ નોંધાયા હતા. શહેરમાં 7મી સપ્ટેમ્બરે કોરોનાના કુલ 72 હજાર કેસનો આંક વટાવ્યા બાદ 119 દિવસમાં 1000 જેટલા કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કુલ 73,054 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે.

શહેરમાં કેસો વધતાં અને ડિસ્ચાર્જ પ્રમાણમાં ઓછા થતાં એક્ટિવ દર્દીઓ 429 થઇ ગયા છે. જ્યારે ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા 529 થઇ છે. શાળાઓમાં કોરોનાના નવા કેસો આવી રહ્યા છે તે જોતાં પેરેન્ટ્સ એસોસિયેશને ફરી એક વાર ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાની માગણી કરી છે. જ્યારે બીજી તરફ ડીઇઓ કચેરીએ જણાવ્યું છે કે, હાલમાં સરકારની ગાઇડ લાઇન મુજબ જ શાળાઓની વ્યવસ્થા મુજબનું શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવશે.

બે દિવસ અગાઉ શહેરના 18થી વધુ વિસ્તારમાં કેસ આવતા હતા, જે મંગળવારે 16 જેટલા વિસ્તારોમાં જ કોરોનાના કેસો આવ્યા હતા. પશ્ચિમ વડોદરામાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો.

પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસમાં 224 કેસો નોંધાયા
ગોરવા, સુભાનપુરા, જેતલપુર, ગોત્રી, લક્ષ્મીપુરા, ગોકુલનગર, ઓપી રોડ અને અક્ષરચોક વિસ્તારને આવરી લેતા પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 8 દિવસમાં કોરોનાના 224 કેસ આવ્યા છે. આ દિવસો દરમિયાન શહેર-જિલ્લામાં 463 કેસ આવ્યા છે. વિદેશથી આવતા વધુ લોકો, પશ્ચિમ વિસ્તારમાં પ્રમાણમાં સમૃદ્ધ વર્ગ વધુ હોવાથી તેઓ વારંવાર બહાર નીકળે છે. રાત્રે પણ ખાણીપીણીની લારીઓથી માંડીને હોટેલોમાં પણ યુવા વર્ગની હાજરી હોય છે. જેના પગલે સંપર્ક વધતા અહીં કેસ વધુ આવી રહ્યાં હોવાનું તજ્જ્ઞોએ જણાવ્યું હતું.

MSU કેમ્પસમાં કામ સિવાય બેસી ન રહેવા છાત્રોને તાકીદ
મ.સ.યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓને પાર્કિંગ, કેન્ટીન સહિતની જગ્યા પર કામ સિવાય ન બેસવા સૂચના અપાઈ છે. કોરોનાના વધતા કેસોને પગલે વિદ્યાર્થીઓને તાકીદ કરાઈ છે. અગાઉ સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થી-શિક્ષક પોઝિટિવ આવ્યા પછી થોડાે સમય ફેકલ્ટી બંધ રખાઈ હતી. વિવિધ ફેકલ્ટીઓમાં પીજીના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે આવી રહ્યા છે. ઓફલાઇન અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પાર્કિંગ, કેન્ટીન કે લાઇબ્રેરીની બહાર બેસી રહેતા વિદ્યાર્થીઓને ક્લાસ પૂરા થયા પછી ઘરે જતા રહેવા સૂચના અપાઈ છે. યુનિ. રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ટોળે વળીને બેસી ના રહે તેનું ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...