લાયન્સ ક્લબના નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે 3 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. બે મહિલા ઉમેદવાર સામે એક દાગદાર ઉમેદવારને લઈ સેવાભાવી લાયન્સ ક્લબના સભ્યોમાં રોષ સાથે કચવાટ સપાટી પર આવ્યો છે.
વડોદરાથી દાહોદ અને ખેડા, નડિયાદ, આણંદ, ખંભાત સુધીની 127 લાયન્સ ક્લબના 3600 સભ્યો 2 એપ્રિલે નડિયાદ નજીકના ઉત્તરસંડા ખાતે મતદાન કરશે. 3600 સભ્યો પૈકી 1400 ઉપરાંત મહિલાઓ છે. 3 ઉમેદવારમાં અશોક જૈન, રીના ધૂપિયા અને વૈશાલી વરનેનો સમાવેશ થાય છે. 17 વર્ષ અગાઉ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વનમાં મહિલા ગવર્નર રહી ચૂક્યાં છે એવા કિરણ જૈનના પતિ સીએ અશોક જૈને પણ ઉમેદવારી નોંધાવતાં વિવાદ થયો છે.
કારણ કે થોડા સમય અગાઉ તેઓ એક ગંભીર ગુનાના આરોપી રહી ચૂક્યા છે અને આ અંગેનો મામલો હાલ અદાલતમાં ચાલી રહ્યો છે.ત્યારે સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબમાં આવા દાગદાર વ્યક્તિએ ઉમેદવારી નૈતિકતાના ધોરણે ન કરવી જોઈએ એમ મહિલા સભ્યો સહિત ઉચ્ચ મૂલ્યો ધરાવતા જૂના લાયન્સ ક્લબના સભ્યોનું માનવું છે.
મને હની ટ્રેપમાં ફસાવ્યો હતો
ઉમેદવાર અશોક જૈને જણાવ્યું છે કે, મને ખોટા કેસમાં ફસાવી દેવાયો હતો. અદાલતે મને ઝડપથી જામીન પર મુક્ત કર્યો છે. પોલીસે યોગ્ય તપાસ કરી નથી એવી રીટ મારી પત્નીએ હાઈકોર્ટમાં કરી છે અને દોષિત ન ઠરું ત્યાં સુધી ચૂંટણી લડવાનો બધાને હક છે. હું બેગુનાહ છું એ સાબિત કરવા જ હું ચૂંટણી લડી રહ્યો છું.
વુમન એમ્પાવર્મેન્ટ માટે કામ કરીશ
િડસ્ટ્રિક્ટ ગવર્નરની ચૂંટણીનાં ઉમેદવાર રીના ધૂપિયાએ જણાવ્યું કે, લાયન્સ ક્લબ સાથે 20 વર્ષ ઉપરાંતથી જોડાઈ સેવાના કાર્ય કરું છું. હું જીતીને મહિલાઓના કલ્યાણનાં કાર્યો પર ભાર મૂકીશ.
મારો અભિગમ હકારાત્મક રહેશે
અન્ય મહિલા ઉમેદવાર વૈશાલી વરવેએ જણાવ્યું છે કે, હું મારી લીટી મોટી કરવા માગું છું, અન્ય ઉમેદવાર અંગે ટિપ્પણી કરવી નથી. સંસ્થા સેવાભાવી કાર્યો માટે આંતરરાષ્ટ્રીય ધોરણે બનાવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.