બાંધકામ તોડવા રજૂઆત:તાંદલજાની મસ્જિદનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો, ગૃહ મંત્રી-પ્રદેશ પ્રમુખ સમક્ષ ધા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીનબેલ્ટના પ્લોટમાં કરાયેલું બાંધકામ તોડવા રજૂઆત કરી હતી
  • હકારાત્મક અભિપ્રાય મળ્યો હોવાનો નીતિને ડોંગાએ દાવો કર્યો

તાંદલજામાં વિવાદનું કેન્દ્ર બનેલા મસ્જિદના સૂચિત ગેરકાયદે બાંધકામના મુદ્દે ભાજપના કોર્પોરેટરે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરી નિરાકરણ લાવવા માગ કરી હતી.

તાંદલજામાં મસ્જિદના વિવાદિત બાંધકામના મુદ્દે વિવાદ વકરતાં કલેક્ટર કક્ષાની કમિટીમાં પાલિકા તરફથી આ મુદ્દો રજૂ કરાયો છે. તાંદલજામાં 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે અને તેમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં તેવો નિયમ હોવા છતાં મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હોવાનો આક્ષેપ થયો હતો.

જેમાંયે ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ પાલિકાની સભામાં આક્ષેપ કરી અધિકારીઓને ઔરંગઝેબના વારસદાર ગણાવ્યા હતા. જેના પગલે ગેરકાયદે બાંધકામ દૂર કરવા પાલિકાએ 7 દિવસની મુદત આપી કાર્યવાહી નહીં કરાય આવે તો પાલિકા કાર્યવાહી કરશે તેવી નોટિસ ફટકારાઈ હતી.

તાંદલજામાં જેપી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે. જે ગ્રીન બેલ્ટની જમીનમાં બંધાઈ છે, તેવો આક્ષેપ થયો હતો. એટલું જ નહીં નીતિન ડોંગાને ઉડાવી દેવાની ટેલિફોનિક ધમકી અપાતાં પોલીસ ફરિયાદ થઈ હતી.

વિવાદમાં ઉકેલ ન આવતાં મસ્જિદના બાંધકામ અંગે કોર્પોરેટર નીતિન ડોંગાએ ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મસ્જિદ પાલિકાના ગ્રીનબેલ્ટ માટે અનામત પ્લોટમાં ગેરકાયદે બંધાઈ હોવાનો આક્ષેપ કરવાની સાથે આ બાંધકામ તાત્કાલિક અસરથી તોડવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. જેની સામે બંનેએ હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનો દાવો કોર્પોરેટરે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...