વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પૂજા-દર્શન કરવા તેમજ સંતો ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતાં આ મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.
બેંકના રીજનલ મેનેજરે ફરિયાદ કરી
છાણી વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં રીજનલ મેનેજર વિપુલકુમાર મહેન્દ્રભાઇ કોઠારીએ ફરિયાદ નોંધાવી છે કે છાણીમાં ઘણાં વર્ષોથી વડતાલ સંસ્થાના તાબા હેઠળનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરમાં અમારા વડીલો સેવા-પૂજા કરતા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ ભગવાનની પૂજા-આરતી નિયમિત થતી ન હોવાથી મંદિરના ટ્રસ્ટીઓએ વડતાલ સંસ્થાને સ્વામીની નિમણૂક થાય એ માટે પત્ર લખી જાણ કરતાં વડતાલ સંસ્થા તરફથી શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીની છેલ્લા આશરે છ મહિનાથી નિમણૂક કરવામાં આવી હતી. આ બંને સ્વામીઓ છાણી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની સેવા-પૂજા આરતી કરતા હતા. તેઓ સેવા-પૂજા કરતા હોવાથી છાણીના સ્વામિનારાયણ ફળિયામાં રહેતા દિનેશભાઇ ખુશાલભાઇ મિસ્ત્રી ખોટી રીતે વાંધો ઉઠાવીને ફળિયાના સ્થાનિક રહીશોને ગેરમાર્ગે દોરી ખોટી ઉશ્કેરણી છેલ્લા ઘણા વખતથી કરી રહ્યા છે.
અસભ્ય વર્તન કર્યું
વિપુલ કોઠારીએ આ બાબતે દિનેશભાઇને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો છતાં તેઓ અને તેમના મળતિયાએ મંદિરમાં જે રૂમમાં શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી રહે છે ત્યાં જઇ અડચણ થાય એ રીતે અસભ્ય વર્તન કરી મંદિરના પાછળના સ્વામીના આવવા-જવાના પાછળના ગેટ પર તાળું મારી દેતા હતા.
મંદિરનો વીજપ્રવાહ પણ બંધ કરી દીધો
છેલ્લા બે દિવસથી દિનેશભાઇ અને તેમનાં પત્ની ચંદ્રિકાબેન તથા તેમના મળતિયા મંદિરના કમ્પાઉન્ડમાં જઇ દર્શને આવતા-જતા હરિભક્તોને દર્શન કરતા રોકતા હતા, સાથે જ મંદિરનો વીજપ્રવાહ પણ બંધ કરી દીધો હતો. જેથી મંદિરના સ્વામીએ આ અંગે વિપુલ કોઠારીને જાણ કરી હતી. ગઇકાલે વિપુલ કોઠારી અને તેમની માતા રમીલાબેન સહિત ચંદ્રકાંતભાઇ મકવાણા, રંજનબેન પરમાર, લલિતાબેન પરમાર તથા જશોદાબેન પરમાર બપોરે પોણાબે વાગ્યે મંદિરે દર્શન કરવા ગયા હતા.
બે લોકોને માર માર્યો
આ દરમિયાન દિનેશભાઇ મિસ્ત્રી, તેમની પત્ની ચંદ્રિકાબેન અને રાજુભાઇ વણકર, કિશોરભાઇ મિસ્ત્રીએ મંદિરના પાછળના દરવાજે આવીને અપશબ્દો કહ્યા હતા અને હવે તમારે આ મંદિરમાં પ્રવેશ કરવો નહી એમ કહી હુમલો કર્યો હતો. તેમણે વિપુલ કોઠારી, તેમની માતા રમીલાબેનને માર માર્યો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
હુમલો કરનારા આરોપીઓનાં નામ
સામે પક્ષે પણ હુમલાની ફરિયાદ
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ દિનેશભાઇ મિસ્ત્રીએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઇકાલે તેઓ પત્ની ચંદ્રિકાબેન તેમજ રાજુભાઇ અને કિશોરભાઇ બેઠા હતા ત્યારે મંદિરના આગળના ભાગ તરફથી વિપુલભાઇ તથા ચંદ્રકાંત મકવાણા આવ્યા હતા અને તેમને અહીં કેમ બેઠા છે કહી મારામારી કરી હતી. તેમની પત્ની ચંદ્રિકાબેનને ચોટલો પકડી નીચે પાડી દઇ હુમલો કહ્યો હતો, જેથી તેમને ઇજાઓ થઇ હતી.
વડતાલ સંસ્થાનું આજ્ઞાપત્ર ન હોવા છતાં સંતો ગેરકાયદે રહે છે
દિનેશભાઇ મિસ્ત્રીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે વડતાલ સંસ્થાના આ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા છ મહિનાથી શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી રહે છે, પરંતુ બંને પાસે સ્વામિનાયારણ મંદિર વડતાલ સંસ્થાનું આજ્ઞાપત્ર ન હોવા છતાં ગેરકાયદે રહે છે. તેથી બંને સંતો આ મંદિર છોડી જતા રહે એવી અમારી માગણી છે.
હુમલામાં આરોપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.