શહેરમાં વેરાન વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા હોવાના કિસ્સા એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે છાણી, અંકોડિયા બાદ હવે ભાયલીના વેરાન વિસ્તારમાં રોડ પ્લોટધારકોના લાભાર્થે બનાવ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. છાણી ટીપી 49માં બનાવેલા રોડે ચર્ચા જગાવી હતી. ત્યારબાદ લક્ષ્મીપુરાથી અંકોડીયા તરફના માર્ગ પર સુમસામ જગ્યામાં વુડાએ રોડ બનાવતા અનેક સવાલો ઊભા થયા હતા.
ત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા અમી રાવતે ભાયલી ટીપી 5 માં વેરાન જગ્યામાં બનાવેલા દોઢ થી બે કિલોમીટર લાંબા રોડ મામલે જણાવ્યું હતું કે લોકો રહે છે ત્યાં રોડ બનાવાતા નથી પરંતુ સૂમસામ વિસ્તારમાં રોડ બનાવી બિલ્ડરોને જમીનના ઊંચા ભાવ મળે તે માટે કારસો રચાય છે. આગામી દિવસોમાં કોંગ્રેસ આવા રોડ શોધી પોલખોલ આંદોલન શરૂ કરશે.
ટીપીમાં નિયમ મુજબ 17 રોડ બનાવ્યા: વુડા
વુડાના અધિકારીઓએ બચાવ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2006થી અત્યાર સુધીમાં અલગ-અલગ ટીપીમાં 17 રોડ બનાવ્યા છે અને આ તમામ રોડ વિસ્તારના ડેવલપમેન્ટ માટે ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ 1976ની સેક્શન 48 હેઠળ બનાવવામાં આવ્યા છે. જેમાં ભાયલી ટીપી સ્કીમ 1-2-3-4,સમયાલા બિલ ભાયલી ટીપી સ્કીમ-5, સેવાસી ટીપી સ્કીમ-1-2-3, વેમાલી ટીપી સ્કીમ 1, સમા-દુમાડ ટીપી સ્કીમ નંબર 2, ખાનપુર-અંકોડિયા ટીપી સ્કીમ નંબર 2, ખાનપુર-સેવાસી ટીપી સ્કીમ નંબર 1, હરણી ટીપી સ્કીમ નંબર 2, ગોરવા-અંકોડિયા ટીપી સ્કીમ નંબર 1, અંકોડિયા ટીપી સ્કીમ નંબર 1, નિમેટા ટીપી સ્કીમ નંબર 1 અને પૂર્વ વિસ્તારમાં ટેકનોલોજી પાર્ક ટીપી સ્કીમ નંબર 25માં રોડ બનાવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.