જૂથબંધી:ભાજપના કાર્યક્રમ અંગે વૉર્ડ 16ના 2 કોર્પોરેટરને જાણ ન કરાતાં વિવાદ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગદાન કરો-જીવનદાન આપો અભિયાનમાં ડખો
  • પ્રદેશ પ્રમુખની હાજરીમાં વોર્ડ 16ના ચોક્કસ આગેવાનો હાજર

ભાજપના વડોદરા મહાનગર દ્વારા અંગદાન કરો અને જીવનદાન આપો અભિયાનનો પ્રારંભ કરાયો છે અને તેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ હાજરી હતી ત્યારે પૂર્વ વિસ્તારના વોર્ડ 16ના ભાજપના 2 કોર્પોરેટરને જાણ સુદ્ધાં ન કરાતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પાલિકાના ઇલેક્શન વોર્ડનો સમાવેશ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો મત વિસ્તારનો ભાગ છે. ભાજપ વડોદરા મહાનગર દ્વારા વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલ ખાતેથી અંગદાન કરો-જીવનદાન આપો અભિયાન શરૂ કરાયું હતું. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ, શહેર મહામંત્રીઓ, પૂર્વમંત્રી યોગેશ પટેલ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, સીમા મોહીલે, વોર્ડ 15ના કોર્પોરેટરો અને સંગઠનની ટીમ તેમજ વૉર્ડ 16ના કેટલાક આગેવાન હાજર રહ્યા હતા.

જોકે કાર્યક્રમ અંગે ભાજપના વૉર્ડ 16નાં મહિલા કોર્પોરેટર અને સ્થાયી સભ્ય સ્નેહલ પટેલ અને ઘનશ્યામ સોલંકીને જાણ સુધ્ધાં ન હતી. આ જ વોર્ડના હોદ્દા ન ધરાવતા કેટલાક આગેવાનને પાટીલ આવતા હોવાથી સવિતા હોસ્પિટલમાં હાજર રહેવા જાણ કરાતાં ભાજપની જૂથબંધી ખુલ્લી પડી છે. કાર્યક્રમ બાદ પાટીલ પાદરા ચાણસદ ગામે રામજી મંદિરના જિર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...