છેલ્લા 15 દિવસથી ટીપી 13 વિસ્તારમાં બ્રિજ નીચે ડમ્પિંગ સાઈટ બનાવવની હિલચાલ સાથે શનિવારે સવારે ડોર ટુ ડોરના વાહનોએ કચરો ત્યાં ઠાલવતાં ભારે વિવાદ થયો હતો. આ બાબતની માહિતી મળતા જ સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરો સ્થળ પર દોડી ગયા હતા અને તાત્કાલિક કચરો ભરાવી વાહનોને પાછા ખદેડ્યા હતા.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ નજીક આવેલા કચરાના ડમ્પિંગ યાર્ડને છાણી ટીપી 13 નવાયાર્ડ-ગોરવા બ્રિજ નીચે આવેલી પાલિકાની જમીનમાં ખસેડવાની તજવીજ સામે ભારે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા પંદર દિવસથી સ્થાનિક લોકો અને વિસ્તારના કાઉન્સિલર આ બાબતે પાલિકાના સોલિડવેસ્ટ વિભાગને આ સ્થળને કચરાનો સ્પોટ નહીં બનાવવા રજૂઆત કરી રહ્યા છે. તેવામાં શનિવારે સવારે ડોર ટુ ડોર કચરો ઉપાડતા 10 જેટલા વાહનો પ્લોટ પર આવી પહોંચતા ભારે હોબાળો થયો હતો.
પ્લોટ પર ત્રણ જેટલા વાહનો કચરો નાંખતાં સ્થાનિકોએ આ અંગેની જાણ કાઉન્સીલરોને કરતા કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા, જહા ભરવાડ અને હરીશ પટેલ દોડી આવ્યા હતા. તેઓએ સ્થળ પરથી સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી શૈલેષ નાયકને ફોન કરી શહેરમાં અન્યત્ર કચરા સ્પોટ ઉભો કરવા માટે રજૂઆત કરી હતી. તેઓએ તાત્કાલિક ધોરણે પ્લોટમાં ઠાલવેલો રહેલો કચરો ઉઠાવવામાં આવે તેવી માંગ કરી હતી. સ્થાનિક કાઉન્સિલર અને રહીશોનો આક્રોશ પારખી તંત્રએ પ્લોટમાં ઠાલવેલા કચરાને ભરાવ્યો હતો. તદુપરાંત તમામ ડોર ટુ ડોરના વાહનોને સ્થળ પરથી પરત મોકલવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.