તપાસ:દિવ્યાંગ આરોપીને પાસા માટે પોલીસ મથકે લવાતાં વિવાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડી પોલીસને ભૂલ સમજાતાં આરોપીને છોડ્યો
  • જુગારધામ​​​​​​​ પર દરોડો પાડ્યોહતો, રેલવેની હદ હોવા છતાં શહેર પોલીસે જઈ કાર્યવાહી કરી હતી

શહેરના પ્રતાપનગર વિસ્તારમાં જુગારધામ પર પાડેલા દરોડામાં દિવ્યાંગ આરોપીને પાસા અંગેની કાર્યવાહી માટે વાડી પોલીસ મથકે લઇ જવાયો હતો. જોકે બાદમાં પોલીસને ભૂલ સમજાતાં તેને છોડી દેવાની ફરજ પડી હતી. આ કિસ્સાએ પોલીસ મથકમાં ભારે ચર્ચાઓ ઊભી થઇ છે.ડભોઇ રોડ ઝેનિથ સ્કૂલની પાછળ રેલવે ફાટક પાસે અગાઉ ૩ ઓગસ્ટના રોજ વાડી પોલીસે આંક ફરકના જુગારધામ ઉપર દરોડો પાડયો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે સતીશ ઉર્ફે બટકો પુનમભાઇ સરાનીયા (રહે, ગણેશનગર, માળી મહોલ્લો, એચપી પેટ્રોલ પંપની સામે ડભોઇ રોડ) દર્શાવાયો હતો.

રેલવેની હદ હોવા છતાં 4 નવેમ્બરના રોજ પીસીબીએ આજ સ્થળે બીજો દરોડો પાડ્યો હતો. જેમાં અન્ય 5 આરોપીઓને ઝડપી સતીશ ઉર્ફે બટકાને ફરાર જાહેર કરાયો હતો. જોકે આ અંગે વાડી પોલીસ મથકે ગુનો નોંધાયો હોવાથી ત્રણ દિવસ અગાઉ સતીશ પોલીસ મથકે હાજર થયો હતો અને કાર્યવાહી થયા બાદ તેનો જામીન પર છુટકારો થયો હતો.જોકે બીજા દિવસે પાસા અંગેની કાર્યવાહી કરવા માટે વાડી પોલીસ દ્વારા દિવ્યાંગ સતીશને પુનઃ ઝડપી પોલીસ મથકે લઇ આવી હતી.

આ અંગે પરીવારજનોએ વકીલને સાથે રાખી ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ હોય એવા આરોપીઓને પાસા હેઠળ કાર્યવાહી કરવી નહિ એવી સ્પષ્ટ આદેશ છે. જેની જાણકારી મળતાં જ સતીશ સામે પાસાની કાર્યવાહી અટકાવી દેવાનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીએ આપ્યો હતો. પરિણામે વાડી પોલીસ મથકે પાસાની કાર્યવાહી માટે લાવેલા સતીશને છોડી મૂકવાની ફરજ પડી હતી. આ બનાવની ચર્ચાએ પોલીસ વિભાગમાં જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...