વડોદરા શહેર નજીક આવેલ GSFC કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ આજે સવારે કંપનીના પ્લાન્ટમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ પરિવારજનોને થતાં કંપની ખાતે દોડી આવ્યા હતા. જોકે, મેનેજમેન્ટ દ્વારા પરિવારજનોને પ્લાન્ટમાં જવા ન દેતા વિવાદ સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસ પણ ચુપકીદી સેવતા પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
યુવાને રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો
વડોદરા નજીક આવેલા બાજવાના નેહરૂનગરમાં રહેતો યોગેશ દેવાભાઇ તિલસાટ(ઉં.28) GSFC કંપનીમાં કોન્ટ્રાક્ટમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી નોકરી કરતો હતો. આજે તે પિતા પાસેથી 20 રૂપિયા લઇને નોકરી પર આવ્યો હતો અને તે નાયલોન પ્લાન્ટમાં નોકરી પર હાજર થયો હતો. આ દરમિયાન તેને રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. પ્લાન્ટમાં જ યોગેશ તિલસાટે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા પ્લાન્ટના કર્મચારીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
પરિવારજનોને કંપનીમાં અંદર જવા માટે જીદ પકડી
ઘટનાની જાણ છાણી પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. આપઘાતના બનાવની જાણ થતા કંપની ઉપર દોડી આવેલા પરિવારજનોને કંપનીમાં અંદર જવા માટે જીદ પકડી હતી. જોકે, કંપનીના સત્તાધીશોએ મૃતકના સગાઓને કંપનીમાં અંદર પ્રવેશ આપવાની મનાઇ કરતા કંપનીના ગેટની બહાર જ ધરણાં ઉપર બેસી ગયા હતા. અને કંપની મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો.
પરિવારજનોએ પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો
પરિવારજનોને યોગેશના આપઘાત અંગે પોલીસ પાસેથી પણ યોગ્ય સહકાર ન મળતા પરિવારજનોએ પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો હતો. પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લોનના હપ્તા ન ભરાતાં ગોત્રીની મહિલા સફાઈ કર્મીનો આપઘાત કર્યો હતો
બે મહિના પહેલા વડોદરાની ગોત્રી હોસ્પિટલની મહિલા સફાઈ કર્મચારીએ આર્થિક ભીંસમાં ઝેરી પ્રવાહી ગટગટાવ્યુ હતું. ગોત્રી ગોકુલનગરમાં રહેતા 43 વર્ષના દક્ષાબેન રાણા રહેતા હતા. તેઓ ગોત્રી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા હતા. તેઓના પતિએ લોન લીધી હતી. પરંતુ તેઓના પરિવારથી લોનના હપ્તા ન ભરાતા દક્ષાબેને ઝેરી પ્રવાહી ગટગટાવ્યુ હતું. તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.