કનેક્શન ખૂલ્યું:ધર્માંતરણ કેસમાં સંડોવાયેલા સલાઉદ્દીનના સીમીના 4 કાર્યકરો સાથે સંપર્કો

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી સલાઉદ્દીન અને ઉમર ગાૈતમ - Divya Bhaskar
ડાબી બાજુથી સલાઉદ્દીન અને ઉમર ગાૈતમ
  • વડોદરામાં આજે પણ પ્રતિબંધિત સીમીના 15 જેટલા નિષ્ક્રિય કાર્યકરોની ઉપસ્થિતિ
  • પોલીસ દ્વારા ગુપ્ત રીતે તમામ પર નજર

દેશભરમાં ધર્માતંરણ માટે કરોડોનું ફંડીંગ થઇ રહ્યું છે ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસે અગાઉ ધર્માતરણ મામલે ઉમર ગાૈતમની ધરપકડ કરી હતી.તેની પૂછપરછમાં વડોદરા સ્થિત આફમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરોડોનું દાન અપાયું હોવાની વિગતો સપાટી પર આવતાં યુપી પોલીસે ટ્રસ્ટના સલાઉદ્દીનની ધરપકડ કરી હતી.તપાસમાં સલાઉદ્દીન અને મોહંમદ મન્સુરીના વડોદરામાં હાલ સીમીના નિષ્ક્રીય ચાર કાર્યકરો સાથે સંપર્કો હોવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન પ્રતિબંધીત સીમીના અંદાજે 15 જેટલા નિષ્ક્રીય કાર્યકરોની હાજરી હોવાનું ખુલવા પામ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું હતુ કે, સલાઉદ્દીન અને મોહંમદ મન્સુરીના સંપર્કો સીમી સાથે સંકાળાયેલા અ્ને હાલ નિષ્ક્રીય તેવા ચાર શખ્સો સાથે હોવાનું જણાતા હાલ તપાસ કરાઇ રહી છે. જે ચાર નિષ્ક્રીય કાર્યકરોના નામો સપાટી પર આવ્યાં છે તેમાં ઇમરાન મોહંમદ ઘીવાલા, સાદાબ પાનવાલા, અલ્તાફ હુસેનમન્સુરી અને આસીફ બોડાવલા સાથે હોવાનું જણાયું છે. અમદાવાદ બ્લાસ્ટ બાદ તપાસમાં પણ વડોદરામાં સીમીના નિષ્ક્રીય 18 કાર્યકરો હોવાનું ખુલવા પામ્યું હતું.

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સીમીના ચાર કાર્યકર વડોદરાથી ઝડપાયા હતા
અમદાવાદ બ્લાસ્ટમાં પ્રતિબંધીત સીમીના કયામુદ્દીન અને ઉસ્માન અગરબત્તીવાલા સહિતના ચાર આરોપીઓની ધરપકડ થઇ હતી. તપાસમાં બ્લાસ્ટ પહેલા શબ્દર નાગોરી વડોદરા આવ્યો હતો અ્ને મિટિંગો યોજી હતી. તેમજ પાવાગઢના જંગલમાં આતંકીઓનો કેમ્પ યોજાયો હતો જેમાં બ્લાસ્ટ સહિતની બાબતોની ટ્રેનિંગ અપાઇ હતી.

ઉમર ગાૈતમ અને સલાઉદ્દીનને ટૂંક સમયમાં યુપીથી વડોદરા લવાશે
​​​​​​​ધર્માતંરણ મામલે હાલ ઉમર ગાૈતમ અને સલાઉદ્દીનની કસ્ટડી ઉત્તરપ્રદેશ પોલીસ પાસે છે.એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણે જણાવ્યું હતું કે, યુ.પી. પોલીસની ત્યાની તપાસ પુરી થઇ હોવાના કારણે હવે ત્રણ ચાર દિવસમાં બન્ને આરોપીનો કબજો વડોદરા પોલીસને સોંપવામાં આવશે અને ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ બન્ને આરોપીને લઇ વડોદરા આવશે.

અગાઉ PFIનો આતંકી વડોદરાથી ઝડપાયો હતો
થોડા મહિના પહેલા એટીએસની ટીમે બાતમીના આધારે ગોરવા વિસ્તારમાં મધુનગરમાંથી તમીલ આતંકી ઝફર ઉમરને ઝડપી પાડ્યો હતો અને તેના કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદ,વડોદરા, સુરત, ભરૂચ અને મોડાસામાં સીમીના નિષ્ક્રીય કાર્યકરોની હાજરી વધુ હોવાથી પોલીસ દ્વારા ગુપ્ત રીતે નજર રખાય છે.

સીમીનો આતંકી રીયાઝ પણ વડોદરામાંથી ઝડપાયો હતો
અમદાવાદ બ્લાસ્ટની તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં હતા.સમીના આતંકી દાનીશ રીયાઝને પણ પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પરથી અગાઉ ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં તે વડોદરામાં કોઇને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

યુકેમાં રહેતા અબ્દુલ્લાને સમન્સ પાઠવવામાં આવ્યો
​​​​​​​ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીનને ફન્ડિંગ કરનારા ઘણા લોકોના નામ ખુલ્યાં હતા જેમાં મુળ નબીપુરના અને હાલ યુકેમાં રહેતા અલફલાહ ટ્રસ્ટના ટ્રસ્ટી અબ્દુલ્લા ફેફડાવાલાનું નામ ખુલ્યું હતું એટલે પોલીસે તેને સમન્સ પાઠવી તા.18 ઓક્ટોબરના રોજ હાજર રહેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...