છેતરપીંડી:સહારા ક્રેડિટ સોસાયટીના રૂા.17 કરોડના કૌભાંડમાં આજે ગ્રાહકોનાં નિવેદન લેવાશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સીઆઈડીની ટીમે ફરિયાદી-એજન્ટનાં નિવેદનો લીધાં હતાં
  • લોકોનાં ખાતાંમાં સીધાં નાણાં જતાં હોવાથી ચુકવણું થયું છે કે કેમ તે ખબર ન હોવાનું એજન્ટોએ જણાવ્યું

સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી સામે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં હાઇકોર્ટના આદેશ બાદ સીઆઇડીની ટીમે શુક્રવારે ફરિયાદી અને એજન્ટના નિવેદન લીધા હતા. જ્યારે રવિવારના રોજ રોકાણકારોના નિવેદનો લેવા માટે સીઆઇડી ક્રાઇમની એક ટીમ વડોદરા આવવાની છે.

સહારા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીએ ગુજરાતભરમાં ઓફિસ ખોલી બચતના નામે રોકાણકારો કરોડો રૂપિયા ઉધરાવ્યાં હતા. જોકે નાણા પરત ન આપવામાં આવતાં વડોદરાના ફરિયાદીએ 21 લોકો વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આરોપીઓ દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં નાણાનું ચુકવણું કર્યું હોવાનું જણાવતાં હાઇકોર્ટના આદેશથી સીઆઇડીની ટીમે નાણાના ચૂકવણા સંદર્ભે શુક્રવારે વડોદરા આવી ફરિયાદી અને એજન્ટોના નિવેદન લીધા હતા. જેમાં રોકાણકારોના ખાતામાં સીધા નાણા જતા હોવાથી આરોપીઓએ નાણા ચૂકવ્યા છે કે કેમ તેની તેઓને જાણકારી નથી, તેમ એજન્ટોએ જણાવ્યું હતું.

જેના પગલે હવે રવિવારે સીઆઈડી ક્રાઇમની વડોદરા આવી શહેરમાં રહેતા રોકાણકારોના નિવેદન લેશે. જે નિવેદન લીધા બાદ તમામ રિપોર્ટ સોમવારે હાઇકોર્ટમાં રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં વર્ષ 2019ની 17મી ઓક્ટોબરના રોજ વડોદરામાં રહેતા ફરિયાદીએ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં 21 આરોપીઓ સામે રૂ. 4 કરોડની છેતરપીંડીની ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી હતી. સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવેલી આ ગુનાની તપાસમાં છેતરપીંડીનો આંક રૂા. 17 કરોડ સુધી પહોંચ્યો હતો. જેમાં પોલીસે અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરી છે.

જ્યારે 15 આરોપીઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. સાથે તેઓએ ફરિયાદ થતા પહેલા રૂા. 3 કરોડ અને ત્યારબાદ રૂા. 1 કરોડનું ચુકવણું કર્યુ હોવાનું જણાવતા હાઇકોર્ટે આરોપીઓએ રોકાણકારોને ચુકવણું કર્યું છે કે કેમ તે અંગેની તપાસ કરવા સીઆઇડી ક્રાઇમને આદેશ કર્યો હતો. જેના પગલે સીઆઇડી ક્રાઇમની ટીમના વડોદરામાં આંટાફેરા વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...