હાઇ પ્રોફાઇલ કેસ:દુષ્કર્મ કેસમાં બદનામ કરી બૂટલેગર અલ્પુ સિંધીનું પૈસા પડાવવાનું ષડયંત્ર, નાર્કો ટેસ્ટ માટે તૈયાર : અશોક જૈન

વડોદરા2 મહિનો પહેલા
દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન (ફાઇલ તસવીર)
  • લોની વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરી ન્યૂડ ફોટા વાયરલ કરવાના કેસમાં 69 વર્ષના ચાર્ટડ એકાઉન્ટન્ટ આરોપીનો ગૃહમંત્રીને પત્ર
  • ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓના બચવા માટે ધમપછાડા : અન્ય આરોપી રાજુ ભટ્ટને ઓળખતા ન હોવાનો દાવો

શહેરની લોની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરી ન્યુડ ફોટા વાયરલ કરવાના ચકચારી બનાવમાં બુધવારે ચોંકાવનારો વળાંક આવ્યો હતો. 69 વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી પોતે નિર્દોષ હોવાનું જણાવી બુટલેગર અલ્પુ સિંધીે તેમને બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજય મંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર અને જોઇન્ટ સીપી તથા ગોત્રી પીઆઇને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ યુવતી પાંચ મહિના પહેલા તેમના મિત્ર પ્રણવ શુક્લાના રેફરન્સથી તેમની ઓફિસે આવી હતી. તે વખતે તેને ઓફિસમાં બેસી કામ કરી શકે છે તેમ કહ્યું હતું પણ કોરોનામાં યુવતી ઓફિસ આવતી ન હતી, ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ભટ્ટનું નામ સંડોવાયેલું છે અને તેમણે રાજુ ભટ્ટ સાથે મિટીંગ કરાવ્યાનું જણાવેલું છે પણ તેઓ રાજુ ભટ્ટને ઓળખતા નથી અને ફોન પર પણ વાત થઇ નથી. ફ્લેટ તેમણે ભાડે અપાવ્યો હોવાનું જણાવ્યું છે પણ યુવતીએ બ્રોકર મારફતે વર્તમાનપત્રમાં જાહેરાત મારફતે શોધ્યો હતો અને તેના માલિકનું નામ રાહીલ રાજેશ જૈન હોવાનું જણાતા તેણે તેમનો સંપર્ક કરી તમારી અટક પણ જૈન હોવાથી તમે ભાડુ ઓછું કરાવી શકતા હોવાની વિનંતી કરી હતી તેથી તેમણે રાહીલ જૈનને ફોન કરી ભાડુ ઓછું કરાવ્યું હતું.

ફ્લેટમાં તે તેના ભાઇ આસુ સાથે રહેતી હતી અને આસુ ના હોય ત્યારે તેનો બોયફ્રેન્ડ અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિંધી સાથે રહેતી હોવાનું તેમને જાણવા મળ્યું છે. યુવતી દિલ્હી ગયા બાદ અલ્પુ સિંધીએ તેમને મોબાઇલમાં ફોટા મોકલ્યા હતા જેમાં તેઓ યુવતીની બાજુમાં બેઠેલા હોવાનું જણાતુ હતું. અલ્પુ સિંધી દ્વારા મોકલેલા મેસેજમાં તેઓ કહે તે રીતે તમારે કરવું પડશે નહીંતર તે બળાત્કારના કેસમાં ફસાવી દેશે તેમ જણાવ્યું હતું. તેમણે તપાસ કરતાં અલ્પુ સિંધી માથાભારે અને ગુનાઇત ઇતિહાસ ધરાવતો હોવાનું અને જીદ પર આવી જાય તો કોઇ પણ ભોગે જઇ શકે તેવું તેમને જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે અલ્પુ સિંધીને ફોન કરતાં અલ્પુ સિંધીએ બળાત્કાર કર્યા હોવાના આરોપ લગાવી ફોટા તમે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું . તેમણે પત્રમાં જણાવ્યું હતું કે અલ્પુ સિંધી તેમને બદનામ કરી તોડપાણી કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું હતું અને તેમણે પૈસા ચુકવવાની તૈયારી ના બતાવતા ફરિયાદ કરાવી છે.

ગોત્રી દુષ્કર્મ પીડિતાના બેન્ક સ્ટેટમેન્ટ.
ગોત્રી દુષ્કર્મ પીડિતાના બેન્ક સ્ટેટમેન્ટ.

એલએલબીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના આ ચકચારી બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ ગૃહમંત્રી તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને લખેલા પત્રમાં અનેક ચોંકાવનારા આક્ષેપ કરતાં કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. બીજી તરફ ઘટના સંદર્ભે પીડિતા, ધર્મેશ પંચાલ અને કમલેશ ડાવરે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.

દુષ્કર્મ કેસના બંને આરોપીને ઝડપી પાડવા પોલીસના વિવિધ સ્થળે છાપા
24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવમાં બંને આરોપી અશોક અસ્કણ જૈન (રહે, રોકડનાથ સોસા, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ (રહે, નિઝામપુરા) ઝડપી લેવા પોલીસે બુધવારે પણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડયા હતા પણ બંને મળી આવ્યા ન હતા. ફરિયાદ નોંધાવતી વખતે યુવતીએ તેના ઘરમાં એસીના પ્લગ સાથે લગાવેલો સ્પાય કેમેરો મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવતાં પોલીસે સ્પાય કેમેરો રજુ કરવા યુવતીને જણાવ્યું હતું પણ બુધવારે રાત સુધી યુવતીએ સ્પાય કેમેરો રજુ ના કર્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. પોલીસની તમામ શાખાઓ પણ બંને આરોપીઓની શોધખોળ કરી રહી છે.

યુવતીના ખાતામાં 41 લાખની શંકાસ્પદ એન્ટ્રી
સીએ અશોક જૈને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે યુવતીએ ઓફિસમાં આવી ગયા વર્ષનું આઇટી રિટર્ન ફાઇલ કરવાનું બાકી છે તેમ કહી કોઇ મિલકતનું તેના મિત્ર અલ્પેશ વાધવાણીનું મોટુ કામ થવા જઇ રહ્યું છે જેમાં 15 કરોડ આવવાના છે જેથી તાત્કાલિક રિટર્ન ફાઇલ કરવાનું જણાવ્યું હતું. યુવતીના બેંક ખાતા જોતાં 2019-20માં 41 લાખ કરતા વધુ રકમ ડેબિટ અને ક્રેડિટ થતી જોવા મળી હતી.જયારે 2020-21માં 6 લાખનું ટ્રાન્જેકશન થયેલું હતું. તમામ એન્ટ્રી જોતા ધર્મેશ પંચાલ નામની વ્યક્તિ સાથે 13 લાખની રકમ સ્વીકારી હોવાની એન્ટ્રી હતી. ધર્મેશ પંચાલને પુછતાં તેણે યુવતી જુની મિત્ર હોવાનું અને જમીનની ડીલની વાત ખોટી હોવાનું જણાવ્યું હતું. એક વિદ્યાર્થીનીના ખાતમાં 50 લાખ જેટલી મોટી રકમ કઇ રીતે આવી તેવો સવાલ તેમણે કર્યો હતો.

અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો આરોપી સી.એ.નો આક્ષેપ
સીએ અશોક જૈને આરોપ લગાવ્યો હતો કે યુવતીએ તેમને ફોન કરી તેના બોયફ્રેન્ડ અલ્પુ સિંધીએ તેને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેના વાળ પકડી માથુ પછાડયું હોવાનું જણાવી ટીવી તોડયું હોવાનું જણાવ્યું હતું. યુવતીએ તેમને જણાવ્યું હતું કે અલ્પુ સિંધી ખોટી ફરિયાદ કરવા દબાણ કરે છે અને અલ્પુ સિંધી પાસે તેના ન્યુડ ફોટા અને વિડીયો છે અને તેને બ્લેકમેઇલ કરે છે. આમ અલ્પુ સામે થયેલા આક્ષેપો બાબતે પણ તપાસ થશે તેમ મનાઇ રહ્યું છે.

બૂટલેગર અલ્પુ સિંધી વારસિયા પોલીસના બે ગુનામાં વોન્ટેડ
સમગ્ર બનાવમાં નામચીન બુટલેગર અલ્પુ સિંધીનું નામ બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે જણાવ્યું હતું કે અલ્પુ સિંધી વારસીયા પોલીસમાં નોંધાયેલા ગુના સહિત 2 ગુનામાં વોન્ટેડ છે જેથી તેની શોધખોળ કરાઇ રહી છે. સમગ્ર મામલામાં તેની ભુમિકાની પણ તપાસ કરાઇ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ધર્મેશ પંચાલ: અડધો કલાક પછી ફોન કરું
ધર્મેશ પંચાલનો ભાસ્કરે સંપર્ક કરતાં તેણે કહ્યું હતું કે અશોક સરે જે જણાવ્યું છે તો તેમને જ પુછો. પ્રતિક્રિયા માટે અડધો કલાક પછી ફોન કરો .

કમલેશ ડાવર: હું થોડીવારમાં કોલ કરું
પિડીતાની સાથે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જનારા કમલેશ ઉર્ફે પપ્પુ ડાવરનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે હું તમને થોડી વારમાં કોલ બેક કરું છું.

પીડિતા: ફોન પર નહીં બોલું, સંપર્ક કરીશ
આ સમગ્ર બનાવમાં પિડીતાનું મંતવ્ય જાણવા તેનો સંપર્ક કરતાં પિડીતાએ જણાવ્યું હતું કે હું ફોન પર કંઇ નહી બોલું. કંઇ કહેવું હશે તો સંપર્ક કરીશ.