કેદીઓને રોજગારી:વડોદરા સેન્ટ્રલ જેલમાં નર્સરી ઉછેર અને માટી કામ ઉદ્યોગ શરૂ કરવાની વિચારણા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્સરીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
નર્સરીની ફાઇલ તસવીર.
  • કેદી કલ્યાણ માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં ધમધમે છે વિવિધ પ્રકારના ઉદ્યોગો જેમાં કેદીઓને મળે છે રોજગારી

ગુનાની ભૂલના પશ્ચાતાપ માટે કાયદો ફરમાવે છે સજા અને ભોગવવો પડે છે જેલવાસ. જો કે ગુજરાતના જેલ વહીવટી તંત્રે વડોદરા સહિત રાજ્યની જેલોમાં સજા કાપતા કેદીને,મુક્તિ પછી સમાજમાં ફરીથી સ્થાપિત થવામાં મુશ્કેલી ના પડે તે માટે સુથારી કામ, વણાટકામ,બેકરી અને રસાયણ ઉદ્યોગ, મુદ્રણાલય અને દરજી કામ જેવા ઉદ્યોગ વિભાગો દાયકાઓથી કાર્યરત કર્યા છે.

કેદીઓનું કૌશલ્ય વર્ધન
આ કામ પાકી સજા ભોગવતા કેદીઓને વાજબી દરની રોજગારી આપે છે અને કેટલાક કેદીઓ તેમાંથી બચત કરીને પોતાના પરિવારને નાણાં મોકલે છે. જે કેદીઓ આ પ્રકારના કૌશલ્યો ધરાવે છે,આ ઉદ્યોગમાં કામ કરવાથી જેલવાસ દરમિયાન તેમની કુશળતાની ધાર બુઠી થતી નથી,અને જે કુશળતા ધરાવતા નથી પણ નવું શીખવામાં રસ છે એવા કેદીઓ અહીંથી કૌશલ્યો શીખી મુક્તિ પછીના જીવનને સરળ બનાવવાનો આધાર મેળવે છે.

સખી મંડળોના ઉત્પાદનોમાં વેચાણ
વડોદરા સેન્ટ્રલ જેલ સાથે સંકળાયેલી છે દંતેશ્વર ખુલ્લી જેલ જ્યાં કૃષિકાર કેદીઓ ખેતી કરે છે અને અન્યને ખેતી શીખવાડે છે.હવે એમાં ગૌશાળાનો ઉમેરો થયો છે. મહિલાઓની આત્મ નિર્ભરતાને વેગ આપવા ગુજરાત સરકારે દરેક જિલ્લામાં સખી મેળા યોજ્યા. આ મેળા આમતો સખી મંડળોના ઉત્પાદનોના વેચાણ માટે યોજવામાં આવ્યા હતા. જો કે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે ચીલો ચાતરીને આ મેળામાં જેલ ઉત્પાદનોના વેચાણ માટે સ્ટોલ ફાળવ્યો.આ સૌજન્યને પગલે કેદીઓની કારીગરી સમાજ સામે ઉજાગર થઈ.

કેદીઓ સિલાઇ કામ પણ કરે છે.
કેદીઓ સિલાઇ કામ પણ કરે છે.

ત્રણ લાખની ડાંગર, દોઢ લાખના ચણા પકવ્યા
જેલ અધિક્ષક બી.સી.વાઘેલાએ જણાવ્યું કે ખુલ્લી જેલની 90 એકર જમીનમાં અમે કેદીઓની મદદથી ગત ખરીફ મોસમમાં રૂ.3 લાખની કિંમતની ડાંગર અને દોઢ લાખની કિંમતના ચણા પકવ્યા. આ ઉપરાંત શાકભાજી અને ઘઉંનો પાક પણ લીધો.આ ઉત્પાદનોનો જેલ વપરાશ માટે ઉપયોગ કરીને ખર્ચમાં કરકસર કરીએ છે.

મહિલા કેદીઓ સેનેટરી નેપકિન્સ બનાવે છે
અમે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી જેની ભારે બજાર માંગ છે એવા ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનમાં પ્રવેશ કરવાનું આયોજન વિચાર્યું છે એમ કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે માહિતી આપી. તેમણે કહ્યું કે કેદીઓને મળતી રોજગારી વધે તે માટે અમે જેની સારી માંગ છે તેવી પોટરી( માટીકામ), મહિલા કેદીઓ માટે અને તેમના દ્વારા સેનીટરી નેપકિન્સ અને આંતર વસ્ત્રો બનાવવા,જેલ નર્સરી દ્વારા રોપ ઉછેર જેવા નવા આયામો શરૂ કરવાનું વિચારી રહ્યાં છે.સખી મેળામાં સ્ટોલ મળવાથી અમે પ્રોત્સાહિત થયાં છે.

કેદીઓ ગૌશાળા પણ ચલાવે છે
જેલના પ્રિન્ટિંગ પ્રેસમાં એકવાર ઇગ્નુ ના પાઠ્યપુસ્તકનું અમે મુદ્રણ કર્યું છે એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે મુદ્રણ વિભાગ અમારો સૌથી સફળ વિભાગ છે અને અમે જેલ માટે,અન્ય સરકારી કચેરીઓ માટે સ્ટેશનરીની છપાઈ કરીએ છે. તમે જેલની ગૌશાળાનું શુદ્ધ ગૌ દૂધ માંગી શકો છો કારણ કે અમારી ગૌશાળામાં દૈનિક ૧૦૦ લિટર જેટલું દૂધ મળે છે જે જેલમાં વપરાશ ઉપરાંત વધે તો તેનું લોકોને વેચાણ કરવામાં આવે છે.

સજા પૂર્ણ થયે કેદી આત્મનિર્ભર બનશે
વડોદરા સેન્ટ્રલ જેલમાં લગભગ છેલ્લા ચાર દાયકાથી કેદી કલ્યાણની અભિનવ પહેલો અમલમાં મૂકવામાં આવી છે. ગુના માટે જેમને સજા થઈ છે એમને જેલ વાસમાં આ પ્રકારની ઉદ્યમ શીલતાની તકો મળે તો તેવો મુક્તિ પછી આત્મ નિર્ભર જીવન નવેસરથી શરૂ કરી શકે છે અને બહાર જઈને શું કરીશું ની તેમની મૂંઝવણનો ઉકેલ મળે છે.એટલે એવું કહી શકાય કે જેલના ઉદ્યોગો કેદીઓને બેવડી સજામાંથી ઉગારી લે છે.ગુજરાત સરકારનો કેદી કલ્યાણનો અભિગમ દેશની જેલો માટે મોડેલ બન્યો છે.