મોંઘવારીનો વિરોધ:વડોદરા શહેર-જિલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને અશંતઃ સફળતા, પૂતળાં દહન કરાયું, 200 જેટલા કાર્યકરોની અટકાયત

વડોદરા21 દિવસ પહેલા
મોંઘવારીના વિરોધમાં સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. યુવક કોંગ્રેસ દ્વારા મોંઘવારીનું પૂતળું સળગાવ્યું હતું.
  • વહેલી સવારથી કોંગ્રેસના કાર્યકરોએ વિનંતી કરી દુકાનો બંધ કરાવી
  • મોંઘવારી સામે વેપારીઓએ દુકાનો બંધ રાખી કોંગ્રેસને મદદ કરી
  • 27 વર્ષમાં ભાજપાએ ભ્રષ્ટ્રાચારનું કમળ જ ખીલવ્યુ છે

ગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતી દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં તા.10 ના રોજ ગુજરાતમાં સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સફળ બનાવવા માટે કમર કસી હતી. શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે, મોંઘવારીમાં તમામ વર્ગના લોકો પીસાઇ રહ્યા હોવાથી નાના-મોટા તમામ વેપારીઓએ કોંગ્રેસના કાર્યકરોની વિનંતીને માન આપીને સાંકેતીક બંધના એલાનમાં પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. અને બંધને સફળ બનાવવામાં કોંગ્રેસને મદદ કરી છે. બંધ એલાનને સફળ બનાવવા માટે યુવા કોંગ્રેસ દ્વારા મોંઘવારીનું પૂતળાં દહન કરવામાં આવ્યું હતું. બંધ એલાન ઉગ્ર બની રહ્યું હોવાના એંધાણ વર્તાતા પોલીસે સમગ્ર શહેર-જિલ્લામાંથી 200 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસે વિનંતી કરી દુકાનો બંધ કરાવી
આર્થિક મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસે હવે આક્રમક રૂપ ધારણ કર્યું છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતીના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા સવારે 8થી 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વડોદરા શહેરના કોંગ્રેસના કાર્યકરોએ પોતાના વિસ્તારમાં જઇ વેપારીઓને વિનંતી કરી દુકાનો બંધ કરાવી હતી. વેપારીઓએ પણ મોંઘવારી સામે લડત આપી રહેલી કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો. અને પોતાના વેપાર-ધંધા ચાર કલાક બંધ રાખ્યા હતા.

ગાંધીનગર ગૃહ ખાતે પૂતળાં દહન કરાયું
શહેર યુવા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે બંધ એલાનના ભાગરૂપે દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ યુવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંઘવારીના રાક્ષસનું પૂતળાં દહન કર્યું હતું. જોકે, કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પૂતળાંનું દહન કરતા બંદોબસ્તમાં તૈનાત પોલીસ તંત્ર દ્વારા શહેર યુવા કોંગ્રેસ અગ્રણી કુલદીપસિંહ સહિત કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. એક તબક્કે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંઘવારી વિરૂધ્ધ તેમજ સરકાર વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમે પસાર થઇ રહેલા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી
કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી

કોંગ્રેસ પ્રમુખ વિવિધ વિસ્તોરોમાં નીકળ્યા
સાંકેતીક બંધ એલાનને સફળ બનાવવા માટે વહેલી સવારથી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશી આયોજન પ્રમામે માંડવી, સંગમ ચાર રસ્તા, ન્યાય મંદિર, પથ્થર ગેટ, રાવપુરા, કોઠી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ફ્યા હતા અને વેપારીઓને વિનંતી કરીને બંધ એલાનમાં સહકાર આપવા વિનંતી કરી હતી. તે જ રીતે વિપક્ષી નેતા અમીબહેન રાવત, નરેન્દ્ર રાવત, શહેર કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ, કાઉન્સિલર બાળુ સુર્વે સહિતના અગ્રણીઓ અને કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો પોતાના વિસ્તારમાં ફર્યા હતા અને વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરાવી હતી.

દુકાનદારને સમજાવી રહેલા કોંગ્રેસ પ્રમુખ
દુકાનદારને સમજાવી રહેલા કોંગ્રેસ પ્રમુખ

12 વાગ્યા સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખી
વડોદરા શહેર સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ તાલુકા મથકોમાં સાંકેતીક બંધના એલાનને સફળ બનાવવા માટે વિનંતી કરીને દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. વેપારીઓએ પણ કોંગ્રેસની વિનંતીને માન આપી કોંગ્રેસના સાંકેતીક બંધના એલાનમાં જોડાયા હતા. સવારથી બપોરે 12 વાગ્યા સુધી મોટા ભાગના બજારો જડબેસલાખ બંધ જોવા મળ્યા હતા. જોકે, સામાન્ય જન-જીવન ઉપર બંધની કોઇ અસર જોવા મળી ન હતી. કેટલાંક સ્થળોએ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની અટકાયત કરી
પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની અટકાયત કરી

છાણી ગામ સજ્જડ બંધ
કોંગ્રેસના વોર્ડ ન.1ના કોર્પોરેટરે દાવો કર્યો હતો કે, છાણીમાં બંધને નોંધપાત્ર સફળતા મળી છે. અને સમગ્ર છાણી ગામ સજ્જડ બંધ રહ્યું હતું. તેવી જ રીતે પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવત તેમના કાર્યકર્તાઓ સાથે નિઝામપુરા ડીલક્ષ ખાતે બંધ કરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન વિપક્ષ નેતા સહિતના આગેવાનો સાથે 25 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. અને તેઓને ફતેગંજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

સરકાર પોલીસને હથિયાર બનાવી રહ્યું છે
શહેરના અન્ય વિસ્તારમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સાંકેતિક બંધ સાથે વેપારીઓ જોડાય તે માટેના પ્રયાસો થતા અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ દાવો કર્યો છે કે, અમારા બંધ દરમિયાન કોઈ સરકારી મિલકતને નુકસાન ન થાય તેની અગાઉથી કાર્યકર્તાઓને તાકીદ કરવામાં આવી હતી. અને તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સરકાર પોલીસને હથિયાર બનાવી ગમે તેટલા હાથકંડા અપનાવશે પરંતુ તેઓ સફળ થઈ શકશે નહીં. કારણકે ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...