તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે ઘરે જઇને રસી આપવાની માગ:વડોદરામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ડોર ટુ ડોર કોરોના વેક્સિનેશન કરવાની માગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ડોર ટુ ડોર હાથ ધરવામાં આવે તેવી માગ કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ કરી છે - Divya Bhaskar
કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ડોર ટુ ડોર હાથ ધરવામાં આવે તેવી માગ કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ કરી છે
  • કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ વિકલાંગો અને અંધજનો માટે વેક્સિનેશનની શું વ્યવસ્થા કરી તેવા સવાલો ઉઠાવ્યા

કોરોના મહામારીની સામે રામબાણ કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ડોર ટુ ડોર હાથ ધરવામાં આવે તેવી માગ કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ કરી છે. તેઓએ મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી છે.

વિકલાંગો અને અંધજનો માટે વેક્સિનેશનની શું વ્યવસ્થા કરી તેવા સવાલો ઉઠાવ્યા
વડોદરા શહેરના વોર્ડ નં-1ના કોંગ્રેસી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં કોરોનામાં લોકોની પરિસ્થિતિ કફોડી બની છે. આ કાતિલ કોરોના સામે વેક્સિનેશન એક માત્ર ઉપાય છે. જેથી નગરજનોની પ્રાથમિક જરૂરિયાતને ધ્યાનમાં લઇ કોરોનાનું રસીકરણ પ્રત્યેક ઘરે જઈ કરવામાં આવે. જેની પાસે સ્માર્ટ ફોન નથી, જે લોકો પાસે રજીસ્ટ્રેશન કરનાર બીજી કોઇ વ્યક્તિ ઘરમાં નથી, જે વિકલાંગ છે, અંધ કે પથારીવશ છે તેઓનું શું ? હાલમાં એવી કોઇ વ્યવસ્થા કરી છે ખરી. નાગરિકોને હડકવા, ધનુર, ઓરી રૂબેલા, ટી.પી., કમળો જેવી રસી નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી અપાય છે. તે રીતે જ કોરોના વેક્સિનેશનનું આયોજન કરવામાં આવે.

રસીકરણમાં છીંડાં બહાર આવી રહ્યા છે
સરકારી ઢબે ચાલી રહેલા રસીકરણમાં છીંડાં બહાર આવી રહ્યા છે, ત્યારે સરકારે જવાબદારીનો બોજો હલકો કરવા 18થી 45 વર્ષના લોકો માટે ખાનગી હોસ્પિટલનો વિકલ્પ ખુલ્લો કર્યો છે. બીજી તરફ આજથી 3 દિવસ 45 પ્લસ માટેનું રસીકરણ બંધ રહેશે. જયારે 18થી 44ની વયના જે લોકોને SMS મળ્યો છે તેમને જ રસી મળશે. અગાઉ રસી ખૂટી પડતાં વડોદરામાં 45થી વધુ ઉંમરના લોકો માટે 2 દિવસ સુધી રસી આપવાનું બંધ કર્યું હતું. ખાનગી હોસ્પિટલમાં અપાતો જથ્થો પણ પરત લઈ લેવામાં આવ્યો હતો. હવે ફરી કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ખાતેની હોસ્પિટલમાં કોવિડ-19 માટેના ડોઝ ઉત્પાદક પાસેથી ખરીદીને આપી શકે તેવી જોગવાઇ કરી છે.

કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલા
કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલા

ખાનગી હોસ્પિટલમાં રસીનો નવો ભાવ મંજૂરી બાદ નક્કી કરાશે
આ મામલે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા વડોદરા સહિતના તમામ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરો અને તમામ ડીડીઓને પરિપત્ર પાઠવાયો છે. તેના માટેનો રસીનો નવો ભાવ અને ક્યારથી અપાશે તે તારીખ મંજૂરી બાદ નક્કી કરાશે અને રસી મૂકાવા ઇચ્છુક 18થી 45 વય જૂથના લોકો એ તે મુજબ ચુકવણું કરવાનું રહેશે.

રોજ સાંજે 5.30 થી 6 સુધી સ્લોટ ખુલશે
પાલિકા પાસે 18થી 45વર્ષના વયજૂથમાં માટે 66,820 અને 45 થી વધુ ઉંમરના લોકો માટે 36,650 રસી ઉપલબ્ધ છે. તે મુજબ 45+ માટે સોમવારથી 7 દિવસ અને અન્ય વય જૂથ માટે 13 દિવસ ચાલે તેટલો સ્ટોક છે. હવે 18-45 વય જૂથમાં એપોઇન્ટમેન્ટ સ્લોટમાં ફેરફાર કરીને તમામ હેલ્થ સેન્ટર માટે રોજ સાંજે સાડા પાંચથી છ વાગ્યાનો સમય નક્કી કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...