તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથનાં કર્યાં હૈયે વાગ્યાં:વડોદરા પાલિકાને પેઢી સમજતાં ભાજપના શાસકોનું શીર્ષાસન, વનીકરણ માટે આડેધડ ફાળવી દીધેલા ગ્રીન બેલ્ટના 46 પ્લોટ હવે પરત લેશે

વડોદરા11 દિવસ પહેલા
મેયર કેયુર રોકડિયાએ વિવાદિત 46 પ્લોટ પાલિકા હસ્તક લેવાનો નિર્ણય કર્યો
  • 46 પ્લોટ પરત લઇને પાલિકા પોતે વૃક્ષારોપણ સહિતની એક્ટિવિટી કરશે
  • સંસ્થાની અાડમાં ભાજપના નેતાઓએ દત્તક લીધેલા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યુ ન હતું
  • 20ને નોટિસ અને 5નો કબજો લીધાના તાયફા બાદ પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય કર્યો
  • આવેદન આપવા ગયેલી કોંગ્રેસની જૂથબંધી છતી થઇ, મેયરની કબૂલાત ,12થી વધુ પ્લોટ એવા છે જ્યાં ધંધાદારી પ્રવૃત્તિ નથી થઇ

પાલિકાને પેઢી સમજતા ભાજપના શાસકોએ છેલ્લા 25 વર્ષમાં ગ્રીનબેલ્ટના પ્લોટ વનીકરણના નામે ભાજપના નેતા અને સંસ્થાઓને આડેધડ ફાળવી દીધા હતા. જેમાં કેટલાક પ્લોટમાં નામનું પણ વૃક્ષારોપણ ન કરી અન્ય પ્રવૃતિ કરાતી હોવાનું ખૂલતા ઉહાપોહ મચ્યો હતો. બે અઠવાડિયા ઉપરાંતથી ચાલી રહેલા ગ્રીનબેલ્ટના પ્લોટના વિવાદમાં કોંગ્રેસ ઉગ્ર બની 10 જ દિવસમાં તાળા બંધી તોડીને વૃક્ષારોપણ કરવાની મેયરને ચીમકી આપે તે પહેલાં જ મેયરે બેકફૂટ પર જઈને તમામ 46 પ્લોટ પાછા લઈ લેવાની જાહેરાત કરી હતી . તેના કારણે કોંગ્રેસે આવેદનપત્ર આપવાનું પણ ટાળ્યું હતું. જોકે પ્રતિકાત્મક રીતે છોડ અાપ્યા હતા. ભાજપના શાસકોએ પ્લોટ પરત લેવાનો કરેલો નિર્ણય જ બતાવે છે કે પ્લોટની આડેધડ ફાળવણી કરાઇ હતી, જેમાં હેતુ જળવાયો ન હતો.

કોંગ્રેસે મેયરને છોડ આપીને અનોખો વિરોધ કર્યો
વડોદરા કોર્પોરેશન દ્વારા વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટો ફાળવવામાં આવ્યા હતા, તેમાં ગેરકાયદે બાંધકામ અને કોમર્શિયલ ઉપયોગ થયાની ફરિયાદ થતાં વિવાદ ઉભો થયો છે, ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને છોડ આપીને અનોખો વિરોધ કર્યો તો બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટે મેયરની કાર ઉપર વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કર્યો હતો. મેયરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ગ્રીન બેલ્ટ વનીકરણના નામે કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન રાજકીય અને વગ ધરાવતા વ્યક્તિઓને ખાનગી ઉપયોગ માટે ફાળવી દેવા સામે વિરોધ અને જૂના પ્લોટમાં ભ્રષ્ટાચારની તપાસ અને તમામ પ્લોટ કોર્પોરેશન હસ્તક કરવા માગણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને છોડ આપીને અનોખો વિરોધ કરવામાં આવ્યો
કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને છોડ આપીને અનોખો વિરોધ કરવામાં આવ્યો

ઘણા પ્લોટમાં વનીકરણ થયું નથી
જૂના 4 પ્લોટની ફાળવણી જોતાં આશ્ચર્ય થયું કે ફક્ત રાજકીય વ્યક્તિઓ કે વગદાર મળતિયા ટ્રસ્ટોને, ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યોએ, સાંસદસભ્યો વિગેરેને ફાળવેલા છે. જેની જમીનની કિમત 200 કરોડથી વધારે થાય છે. કૌભાંડ અને આશ્ચર્યજનક બાબતએ બહાર આવી છે કે, આમાંથી ઘણા પ્લોટમાં વનીકરણ થયું નથી અને ગ્રીન બેલ્ટમાં ગેરકાયદેસર બાંધકામ કરી પોતાની ખાનગી પેઢીઓ/સંસ્થાઓ દ્વારા સેવાના નામે ગેરકાયદેસર રીતે કમાણી કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

વૃક્ષારોપણ માટે 80 કરોડ રૂપિયાની અનામત રક્ત પડેલી છે
આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વૃક્ષારોપણ માટે 80 કરોડ રૂપિયાની અનામત રક્ત પડેલી છે, જેનું વાર્ષિક વ્યાજ 4 કરોડ મળે છે. કોર્પોરેશન આ વ્યાજના રૂપિયા વૃક્ષારોપણ માટે ન વાપરીને અન્ય જગ્યાએ વાપરે છે. પાછલા 5 વર્ષમાં મીશન-મીલીયન ટ્રીના કાર્યક્રમ છતાં પણ આજ દિવસ સુધી કોર્પોરેશનના શાસકોએ લે-વર્ષના વ્યાજની 4 કરોડની રકમ પણ વાપરી નથી. કોર્પોરેશના 80 કરોડ રૂપિયાની અનામત રકમને જો રીવોલ્વિંગ ફંડ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેના દર વર્ષેના વ્યાજમાં વડોદરામાં તમામ 218 પ્લોટ ગ્રીન થઈ જાય અને આ પ્રાઈવેટ રીતે ખાનગી પેઢીઓ અને રાજકીય નેતાઓને પ્લોટ ન ફાળવવા પડે અને વનીકરણની જગ્યાએ ખાનગી ઉપયોગ ન થાય અને કરોડોનો ભ્રષ્ટાચાર રોકી શકાય.

46 પ્લોટ પરત લઇને પાલિકા પોતે વૃક્ષારોપણ સહિતની એક્ટિવિટી કરશે
46 પ્લોટ પરત લઇને પાલિકા પોતે વૃક્ષારોપણ સહિતની એક્ટિવિટી કરશે

પ્લોટની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ
આ અંગે મેયર કેયુરભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, 1991ના ઠરાવ ના આધારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ હેતુસર વિવિધ સંસ્થાઓ અને નાગરિકોને ગ્રીન તથા ઓપન પ્લેસના 46 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક પ્લોટમાં કોઈપણ જાતની એક્ટિવિટી ચાલતી ન હતી જ્યારે કેટલાક પ્લોટમાં ગાર્ડન વિકસાવવામાં આવ્યું હતું જ્યારે અન્ય પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિવાદ બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને અગાઉ ચાર પ્લોટને નોટિસ આપ્યા બાદ વધુ 20 પ્લોટને નોટિસ આપી 4 પ્લોટ પરત લીધા હતા. આ પ્લોટની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ હતી.

વિવાદિત 46 પ્લોટ પરત લેવાની મેયરની જાહેરાત
દરમિયાન આજે મેયર કેયુર રોકડિયાએ તમામ 46 પ્લોટ પરત લઇ પાલિકા પોતે વૃક્ષારોપણ સહિતની એક્ટિવિટી કરશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે અત્યાર સુધી પ્લોટ ઉપર સારી કામગીરી કરનારી સંસ્થા અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટોની લ્હાણી કરવાના મુદ્દે હોબાળો મચાવ્યો
વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટોની લ્હાણી કરવાના મુદ્દે હોબાળો મચાવ્યો

હવે પ્લોટનો વહીવટ પાલિકા જાતે કરશે
હવે 46 પ્લોટસનું મેન્ટેનન્સ પાલિકા કરશે અને વૃક્ષારોપણ સહિતની કામગીરી કરશે. હાલ પ્લોટમાંથી સામાન વગેરે ખસેડી લેવાનો સમય આપ્યો છે. પાલિકાએ 20ને નોટિસ ફટકારી હતી અને પાંચ નો કબજો પરત લઇ લીધો હતો.

...તો 3.50 લાખ વૃક્ષોનું વાવેતર થાય
પાલિકાના કોંગ્રેસના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે આ નિર્ણયના લીધે જુના 46 અને નવા 75 ગ્રીનબેલ્ટના પ્લોટમાંથી કપાત જમીન 20 લાખ ચોરસ ફૂટ જમીન માં સાડા ત્રણ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...