મધ્યપ્રદેશના બે CM ગુજરાતના રણમેદાનમાં:શિવરાજ બોલ્યા- 'મોદી કલ્પવૃક્ષ છે, માગો એ મળશે', દિગ્વિજયના પ્રહાર- 'મોદી અહંકારમાં ડૂબેલા, જે રાવણનો પણ નહોતો રહ્યો!'

વડોદરા, અબડાસા3 મહિનો પહેલા

ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન CM શિવરાજ સિંહ અને પૂર્વ CM દિગ્વિજય સિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજ સિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.. તેમની પાસે જે માગો એ મળશે.. તો બીજી તરફ મોદીને અહંકારી રાજા રાવણ સાથે સરખાવતાં દિગ્વિજયે વડોદરામાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. રાવણનો પણ અહંકાર નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.

કેજરીવાલ ને રાહુલ દેશને નષ્ટ કરી દેશેઃ શિવરાજ
મધ્યપ્રદેશની જનતામાં 'મામા'ના હુલામણા નામે ઓળખાતા શિવરાજ સિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જુઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નીંદણ છે, આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલાં વરસ ગુજરાતમાં રાજ કર્યું એ શું કર્યું? ગુજરાતને તબાહ અને બરબાદ કરી દીધું. ગુજરાતને બદનામ કરી દીધું. હવે બંને ફ્રીના સપનાં દેખાડે છે... કરજ માફ, મધ્યપ્રદેશમાં સવા વરસમાં તો જનતા બોલવા લાગી કે મામા મરી ગયા.. પાછા આવી જાઓ.. અરે મામા તો ઠીક પણ કોંગ્રેસીઓ જ આવી ગયા ને કહેવા લાગ્યા કે મામા... અમારે કમલનાથ સાથે નથી રહેવું.

અબડાસામાં મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ.
અબડાસામાં મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ.

AAP અને AIMIM ભાજપના ગુપ્ત સમર્થક
કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે. 1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો એ બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલાં ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ નહોતી. નરેન્દ્ર મોદીનો આ અહંકાર છે. અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.

વડોદરામાં મધ્યપ્રદેશના પૂર્વ CM દિગ્વિજય સિંહે મોદી પર આકરા પ્રહારો કર્યાં હતા.
વડોદરામાં મધ્યપ્રદેશના પૂર્વ CM દિગ્વિજય સિંહે મોદી પર આકરા પ્રહારો કર્યાં હતા.

કેજરીવાલ લોકપાલ સમક્ષ કેમ નથી જતા?
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે હું AAPને ભાજપની B ટીમ એટલા માટે કહું છું કે ખેડૂતોનાં બિલ સિવાયના તમામ કાયદોઓનું આ પક્ષે ભાજપનું સમર્થન કર્યું. અરવિંદ કેજરીવાલે ઇન્ડિયન અગેઇન્સ્ટ કરપ્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. UPA સરકારે લોકપાલનો કાયદો બનાવ્યો, પરંતુ શું કેજરીવાલે ભ્રષ્ટાચારમુક્ત ભારતનો વાયદો કર્યો હતો. તેઓ એકપણ પ્રકરણમાં લોકપાલ પાસે ગયા ખરા? આજે કેજરીવાલની સરકારના મંત્રી મની લોન્ડરિંગના કેસમાં જેલમાં બંધ છે. લીકર પોલિસીને લઇને તપાસ થઇ રહી છે, જેથી હંમેશાં હું તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની B ટીમ કહું છું. AIMIMના ઓવૈસી માત્ર ધાર્મિક ઉન્માદ ફેલાવી ચૂંટણીમાં ઊતરે છે.

વણજારાએ પણ પક્ષ બનાવ્યો
પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી. વણજારાએ બનાવેલા રાજકીય પક્ષ અંગે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના એક સમયના ખાસ ગણાતા ડી.જી. વણજારાએ પણ રાજકીય પક્ષ બનાવ્યો છે. વણજારાને ઘણા વાયદા કરવામાં આવ્યા હતા, પણ આ વાયદા પૂર્ણ ન થતાં તેમણે પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો અને તેમણે પ્રથમ જ નિવેદન આપ્યું કે 27 વર્ષમાં વિકાસ નથી થયો.

દિગ્વિજય સિંહે આમ આદમી પાર્ટી સામે પણ આક્ષેપો કર્યા હતા.
દિગ્વિજય સિંહે આમ આદમી પાર્ટી સામે પણ આક્ષેપો કર્યા હતા.

મોરબીમાં ભાજપની મીટિંગ ચાલતી હતી ને પુલ તૂટ્યો
મોરબીની ઘટના અંગે દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે મોરબી પુલ દુર્ઘટના ઘટી એનાથી ચાર કિલોમીટર દૂર ભાજપની મીટિંગ ચાલી રહી હતી. એમાં ભાજપના મંત્રી, સાંસદ, એસ.પી. કલેક્ટર બધા હાજર હતા. 6:30 વાગ્યે પુલ તૂટ્યો અને 10 મિનિટમાં સ્થાનિક લોકો ત્યાં રેસ્ક્યૂ માટે પહોંચી ગયા, પરંતુ એકપણ પોલીસકર્મી ત્યાં હાજર નહોતો. એક કલાક સુધી ભાજપની મીટિંગ ચાલતી રહી અને ત્યાર બાદ તેઓ ત્યાં પહોંચ્યા. આ બનાવમાં બનેલી SITનું ગેજેટ નોટિફિકેશન પણ આજ સુધી જાહેર નથી થયું. પુલના સમારકામ કરનારી કંપનીના માલિક સામે પણ કેસ દાખલ નથી કરવામાં આવ્યો. આજ સુધી મૃતકોની યાદી પણ જાહેર નથી કરાઈ.

વિશ્વામિત્રીની જમીન બિલ્ડરોને આપી
વડોદરા અંગે તેમણે કહ્યું હતું કે વિશ્વામિત્રી નદી આજે માત્ર નાળું બની ગઈ છે અને જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. સ્માર્ટસિટીમાં ગરીબ મહોલ્લામાં ક્યાંય ખર્ચ નથી થયો. એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પણ યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે, ક્વોલિફાઇડ નથી. યુનિવર્સિટીમાં અનેક પોસ્ટ પર જગ્યાઓ ખાલી છે.

દિગ્વિજય સિંહે ગુજરાતને ડ્રગ્સનું ગેટવે ગણાવ્યું હતું.
દિગ્વિજય સિંહે ગુજરાતને ડ્રગ્સનું ગેટવે ગણાવ્યું હતું.

ગુજરાત ડ્રગ્સનું ગેટવે બન્યું
ડ્રગ્સ અંગે તેમણે કહ્યું હતું કે વડોદરા પહેલાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું હતું, હવે ગેરકાયદે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ સેન્ટર બન્યું છે. એક જમાનામાં પંજાબ ડ્રગ્સ ટ્રાફિકિંગનું ગેટવે હતું, હવે ગુજરાત ડ્રગ્સનું ગેટવે બન્યું છે. નર્મદાનું પાણી હજુ સૌરાષ્ટ્રનાં ઘણાં ગામોમાં નથી પહોંચ્યું. કેનાલોનાં કામ પણ નબળાં છે. બુંદેલખંડ હાઇવે એક સપ્તાહમાં જ તૂટી ગયો. ભાજપના રાજમાં ક્રાઇમ, કમિશન અને કરપ્શન એ મોડલ છે.

અન્ય સમાચારો પણ છે...