બે ભાઈઓએ બહેનને નોટિસ આપી:વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં કંપનીના નામનો ઉપયોગ કરતા વિવાદ, ડો. તશ્વીન સિંઘે કહ્યું: 'અમારી ફેમિલી મેટર છે'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાની માંજલપુર બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડો. તશ્વીન સિંઘ. - Divya Bhaskar
વડોદરાની માંજલપુર બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડો. તશ્વીન સિંઘ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે ઉમેદવારો પણ યેનકેન પ્રકારે વિવાદમાં આવી રહ્યા છે. વડોદરાની માંજલપુર બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવારને તેમના બે ભાઇઓએ કંપનીના નામનો ઉપયોગ કરવા બાબતે નોટિસ આપતા વિવાદ સર્જાયો છે. જોકે, ઉમેદવાર તશ્વીન સિંઘે જણાવ્યું હતું કે, આ અમારી ફેમિલી મેટર છે. તેઓ આ મેટરને ચૂંટણી સાથે સાંકળી રહ્યા છે. મારી લિગલ ટીમ જવાબ આપશે.

ઉમેદવાર જાહેર થયા ત્યારે વિવાદ થયો હતો
ઉલ્લેખનીય છે કે, ડો. તશ્વીન સિંઘનું નામ માંજલપુર બેઠક ઉપર જ્યારથી જાહેર થયું છે, ત્યારથી તેઓ વિવાદમાં છે. સ્થાનિક કોગ્રેસ કાર્યકરો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે અને ઉમેદવાર બદલવાની માંગણી કરવામાં આવી હતી. કાર્યકરોનો પ્રચંડ વિરોધ હોવા છતાં, પાર્ટી દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા નથી. પરિણામે કોંગ્રેસ કાર્યકરો પણ નિષ્ક્રિય થઈ ગયા છે. કોંગ્રેસમાં ઉમેદવારને લઈ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો નથી. ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પુનઃ પારિવારિક વિવાદમાં આવ્યા છે.

કોંગ્રેસને બદનામીથી બચાવો
માંજલપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તશ્વીન સિંગના બેભાઇઓ જયદીપ ઓટોના સંચાલક હર્દિપપાલ સિંઘ, અને દીપઇન્દરસિંઘે કંપનીના નામનો ચૂંટણીમાં ઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ મૂકી જાહેર નોટિસ આપી છે, તે સાથે ઉમેદવાર વિરોધી લોબી ગેલમાં આવી ગઈ છે અને પુનઃ એકવાર ઉમેદવાર બદલી કોગ્રેસને બદનામીથી બચાવવા માંગ ઉઠી છે.

પરિવારનો જૂનો વિવાદ
પરિવારમાં ચાલી રહેલા જુના વિવાદના કારણે ચૂંટણી ટાણે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. તશ્વીન સિંઘને ભાઇઓ દ્વારા આપવામાં આવેલી જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, તેઓને અમારી કંપની સાથે કોઈ લેવાદેવા નથી. છતાં, તેઓ અમારી કંપનીના નામનો ચૂંટણીમાં ઉપયોગ કરી રહ્યા છે.

અમારી લિગલ ટીમ જવાબ આપશે
આ અંગે કોંગી ઉમેદવાર ડો. તશ્વીન સિંઘે જણાવ્યું હતું કે, આ અમારું ફેમિલી મેટર છે. તેઓ તેને ચૂંટણી ટાણે લઈ આવ્યા છે. મારી લિગલ ટીમ જવાબ આપશે. હાલ આ સિવાય બીજું કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

નારાજ લોબી સક્રિય
જોકે, તેઓએ ચૂંટણી પ્રચારમાં જુઠ્ઠાણું ચલાવતા રાજકીય મોરચે ભારે ટીકા થઇ રહી છે અને તેઓને મળેલી ટિકિટથી નારાજ લોબી સક્રિય બની ગઇ છે અને આ બાબતે ફરી એકવાર ઉમેદવાર બદલવા પ્રદેશ સુધી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...