વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી બહુચર્ચિત વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે કાર્યકરોની નારાજગી વચ્ચે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારે ભાજપના શાસનમાં વધેલી મોંઘવારી મતદારોને યાદ અપાવવા માટે પેટ્રોલ-ડિઝલ, તેલના ડબ્બા, ગેસ સિલિન્ડર જેવી ચિજવસ્તુઓના પ્રદર્શન સાથે બળદગાડામાં ભવ્ય રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.
મોંઘવારીનુ પ્રદર્શન કરતા કટઆઉટ સાથે રેલી નીકળી
કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડના વાઘોડિયા-વડોદરા રોડ ઉપર આવેલા મુખ્ય ચૂંટણી કાર્યાલય ખાતેથી બળદગાડામાં રેલી નીકળી હતી. બળદગાડામાં સવાર કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે લોકોનું અભિવાદન જીલ્યું હતું. રેલીમાં એકથી વધુ બળદગાડાઓ જોડાયા હતા. તેલના ડબા, ગેસ સિલિન્ડરના કટઆઉટ સહિત જીવન જરૂરી ચિજવસ્તુઓના વધેલા ભાવોનું પ્રદર્શન કરતા કટઆઉટ સાથે નીકળેલી રેલીએ આકર્ષણ જમાવ્યું હતું.
આદિવાસી નૃત્યએ આકર્ષણ જમાવ્યું
મુખ્ય ચૂંટણી કાર્યાલય ખાતે નીકળેલી રેલીમાં આદિવાસી નૃત્ય મંડળીએ પણ આગવું આકર્ષણ જમાવ્યું હતું. વાઘોડિયા મત વિસ્તારના આદિવાસી કાર્યકરો તિરકામઠા સાથે જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર પણ તિરકામઠું હાથમાં લઇ આદિવાસી ગીત ઉપર ઝૂમ્યા હતા. ચૂંટણી કાર્યાલય ખાતેથી નીકળેલી મુખ્ય માર્ગ ઉપર થઈને બજારમાં ફરી હતી. વિશાળ રેલીના કારણે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. બજારના લોકો રેલીને જોવા ઉભા થઇ ગયા હતા. રેલીમાં કોંગ્રેસના જય જય કારના સુત્રોએ વાતાવરણ કોંગ્રેસમય બનાવી દીધું હતું. વાઘોડિયામાં વર્ષોબાદ કોંગ્રેસની વિશાળ રેલી નીકળી હોય તેમ મતદારો અને કાર્યકરોમાં ચર્ચા ચાલી હતી.
27 વર્ષ પહેલાં કોંગ્રેસનો ગઢ હતો
ઉલ્લેખનિય છે કે, વાઘોડિયા બેઠક ઉપર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખીયો જંગ છે. ભાજપ અને અપક્ષ અશિક્ષીત ઉમેદવારો સામે શિક્ષીત અને પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં છે. 27 વર્ષ પૂર્વે વાઘોડિયા બેઠક કોંગ્રેસનો ગઢ મનાતી હતી. પરંતુ, છેલ્લા 27 વર્ષથી વાઘોડિયા બેઠક ભાજપા પાસે છે. ત્યારે આ વખતે ભાજપાએ વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ઉઠેલા વિરોધના કારણે તેઓને પડતા મૂકી જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ચૂકેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી છે.
પરિવર્તન કે પુનરાવર્તન?
આ વખતે પણ ભાજપ વાઘોડિયાની બેઠક પોતાની પાસે રહે તે માટે એડીચોટીનું જોર લગાવશે. જોકે, વાઘોડિયા મત વિસ્તારના મતદારો આ વખતે પરિવર્તન લાવવાના મૂડમાં છે, ત્યારે મતદારો 27 વર્ષથી વાઘોડિયાની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસને પુનઃ લાવશે કે પછી અપક્ષ ચૂંટણી લડી રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મતદારો ચૂંટી લાવી 27 વર્ષ પૂર્વેનું પુનરાવર્તન કરશે. તે જોવું રહ્યું.
શિક્ષિત-અશિક્ષિત ઉમેદવારો
જો કે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ વાઘોડિયા વિધાનસભા બેઠકના સમીકરણો બદલાયા છે. અત્યાર સુધી વાઘોડિયા મત વિસ્તારમાં અપક્ષ ઉમેદવારનું નામ ચાલતું હતું. પરંતુ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ મતદારોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે તેવું ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય એ પણ છે કે, કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરતા વધુ શિક્ષિત છે અને પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. બીજી બાજુ ભાજપાના ઉમેદવાર અગાઉ વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ચૂકેલા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા શિક્ષિત ઉમેદવાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.