કેવડિયા:ફેન્સિંગના વિવાદમાં 6 ગામના લોકોને મળીને પરત જઇ રહેલા કોંગ્રેસના 8 MLA પોલીસે રોકતા રસ્તા પર બેસીને વિરોધ કર્યો, પોલીસે તમામની અટકાયત કરી

કેવડિયા3 વર્ષ પહેલા
  • પોલીસે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને અટકાવતા વિરોધ પ્રદર્શન કર્યું
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડીયાના આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરેઃ ગૃહ રાજ્ય મંત્રી

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફેન્સિંગના વિવાદને લઇને આજે કલેક્ટર અને 6 ગામના લોકોની મુલાકાત કરવા આવેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને પોલીસે રોકતા ચક્કાજામ કર્યો હતો. ધારાસભ્યોએ પોલનીસ દમનગિરીનો વિરોધ કર્યો હતો. પોલીસે 8 ધારાસભ્યો સહિત કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરી હતી. 
પોલીસે અટકાવતા કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓ રસ્તા પર બેસી ગયા 
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાની જરૂર હોવાથી હાલ સરકાર દ્વારા કેવડિયા ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ સાથે ઘર્ષણ થતુ હોવાથી આ બાબતે આદિવાસીઓની સમસ્યા જોવા અને કેવડિયા વિવાદ મુદ્દે કોઇ સમાધાન થાય તે માટે કોંગ્રેસના 8 ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ આજે નર્મદા જિલ્લા કલેક્ટર નર્મદાની મુલાકાત કરી હતી, ત્યારબાદ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોની મુલાકાત કરી હતી અને સમસ્યા જાણીને પરત ફરતા હતા, ત્યારે પોલીસે કોંગ્રેસી ધારાસભ્યો અને આગેવાનોને અટકાવતા ધારાસભ્યો રસ્તા પર બેસી ગયા હતા અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા દમનગિરી કરવામાં આવી હોવાથી ધારાસભ્યોએ રોષ વ્યક્ત કર્યો હતો. અને બે કલાક તાપમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોલીસને રજૂઆત કરી હતી કે, અમને કેમ અટકાવો છો, પરંતુ પોલીસે વધુ પરિસ્થિતિ ખરાબ ન થાય એ માટે તમામ ધારાસભ્યો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
આ 8 ધારાસભ્યોની અટકાયત કરાઇ હતી
પોલીસે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, નિઝરના સુનિલ ગામીત, વ્યારાના પુનાજી ગામીત, વાંસદાના અનંત પટેલ, ભિલોડાના ડો.અનિલ જોષીયરા, માંડવીના આનંદ ચૌધરી, ગરબાડાના ચંદ્રિકા બારીયા, પાવીજેતપુરના સુખરામ રાઠવાની અટકાયત કરી હતી. આ ઉપરાંત પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરી, કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસ અગ્રણી રણજિતસિંહ રાઠવા વગેરે આગેવાનોની અટકાયત કરીનેને જીતનગર હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.

સરકારનો ખુલાસો
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના વિસ્તારમાં વસતા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે  હંમેશા ચિંતિત છે. મુખ્યમંત્રી દ્વારા આદિવાસીઓને નુકસાન ન જાય તેના માટે સતત મોનીટરીંગ અને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે જેથી કોંગ્રેસે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે જીતવા માટે જંગ લડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ મદદરૂપ થવાને બદલે રાજનીતિ કરી રહી છે જે અત્યંત નિંદનીય છે. સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.  રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોને આ વિકટ પરિસ્થિતિમાં સહાય કરી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યુ કે, આદિવાસીઓને ઉશ્કેરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વાતાવરણ ડહોળવાના પ્રયાસને રાજ્ય સરકાર સાંખી લેશે નહી.

લોકડાઉન બાદ લાભો પૂરા પાડવામાં આવશે
હાઇકોર્ટના ચૂકાદા મુજબ આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે પેકેજ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાયું છે. જેમાં નાણાકીય સહાય તથા અન્ય સવલતો પૂરી પાડવા સરદાર સરોવર નર્મદા નિગમ તત્પર છે. લોકડાઉનની પરિસ્થિતિમાં જન-જીવન જેવું પૂર્વવત થશે ત્યારે ત્વરીત આ લાભો પૂરા પાડવામાં આવશે. રાજ્ય સરકારે આદિવાસીઓને વન સંપત્તિના અધિકારો પણ પૂરા પાડ્યા છે. તેમણે ટીકા કરતા કહ્યુ કે કોંગ્રેસ લોકોને ઉશ્કેરે છે તે વ્યાજબી નથી. આદિવાસી ઉપર સરકારે કોઇ અત્યાચાર કર્યા નથી, તેમની મૂળ જગ્યાએ પણ જરૂર હશે તો પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ રાજ્ય સરકાર ચોક્કસ કરશે. 
કોંગ્રેસ આદિવાસી બંધુઓના ખભે બંદૂક ફોડીને રાજનીતિ બંધ કરે - જાડેજા    
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના વિકાસ થકી સ્થાનિક કક્ષાએ આદિવાસીઓને મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડવાના આશયથી વિકાસના કાર્યો કરી રહ્યા છે, જે તેમના હિતમાં છે. નર્મદા ડેમના અસરગ્રસ્તોને તંત્ર દ્વારા હેરાન કરીને તેમના ઉપર અત્યાચાર ગુજારવાના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેમની પર અમાનવીય કૃત્ય ન થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે જેથી આદિવાસીઓએ સહેજપણ ગભરાવવાની જરૂર નથી. નર્મદા નિગમ દ્વારા પ્રવાસન વિકાસ સંદર્ભે સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરીને અને તેમનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ જ આ પ્રોજેક્ટના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે કોંગ્રેસ આદિવાસી બંધુઓના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરી રહી છે, જે બંધ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...