બળવાનો ડર:અમિત શાહની બેઠક બાદ પણ અસમંજસ, ભાજપથી સયાજીગંજ-માંજલપુરના નામ જાહેર નથી થઇ રહ્યાં, આજે સંભાવના

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભાજપને સમર્પિત ગણાતી શહેર-જિલ્લાની 10 બેઠકો પૈકીની 3 બેઠકો પર ભાજપના જ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે. આ ઉપરાંત શહેરની બાકી રહેલી 2 વિધાનસભા બેઠક પર બળવાના એંધાણની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે રવિવારે ગાંધીનગર કમલમ ખાતે દોડી આવેલા અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં 3 કલાકની મથામણ બાદ પણ કોઈ નિવેડો આવ્યો નથી. સોમવારે ઉમેદવારોનના નામો જાહેર થવાની વકી છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર વધતાં ભાજપ તેનો પ્રભાવ રોકવા મથે છે. ચૂંટણીના અનુસંધાને ભાજપ માટે મધ્ય ગુજરાત સૌથી મહત્ત્વનું છે.

જ્યારે હવે ભાજપને સમર્પિત ગણાતી શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકીની જિલ્લાની 3 બેઠકો પર ભાજપના જ પૂર્વ ધારાસભ્યો પાર્ટી સામે બાંયો ચઢાવી ઊભા થયા છે. આ માટે ભાજપ મોવડી મંડળ શનિવારે ડેમેજ કંટ્રોલ કરવાનો પણ દાવ ખેલ્યો હતો, જે નિષ્ફળ રહ્યો છે. ત્યારે શહેરમાં પણ બાકી રહેલી સયાજીગંજ અને માંજલપુર બેઠક પર પણ બળવાના એંધાણ વર્તાય છે. રવિવારે વડોદરા શહેરની બે બેઠક સહિત રાજ્યની 16 બેઠક ઉભી થયેલી ગુંચવણને દૂર કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર કમલમ ખાતે દોડી આવ્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી પણ ગાંધીનગર પહોંચ્યા હતાં. જોકે મોડી રાત સુધી યાદી જાહેર થઇ નથી.

માંજલપુર : પાટીદાર કે વૈષ્ણવને ટિકિટ આપવી તેમાં આ બેઠકનું કોકડું ગૂંચવાયું
યોગેશ પટેલને 75 વર્ષની વય મર્યાદા નડી હોવા છતાં વધુ એક વખત લડવાની ઈચ્છા છે. માંજલપુરમાંથી પાટીદારને ટિકિટ મળે તેવી પાટીદાર સમાજ આશા રાખી રહ્યો છે. કાઉન્સિલર કલ્પેશ પટેલના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વૈષ્ણવાચાર્ય અને સંતોનું અપમાન થયું હતું. અગાઉ પણ ધાર્મિક કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનો કારસો રચાયો હતો. બંને ઘટનામાં ભાજપના જ નેતાની સંડોવણી હોવાની ભાજપમાં જ ચર્ચા હતી. ત્યારે પાટીદારને કે વૈષ્ણવને ટીકીટ આપવી તેની વચ્ચે કોકડુ ગુંચવાયું છે.

સયાજીગંજ : સ્થાનિક નેતાગીરીએ લિસ્ટ આપ્યું તેમાં ગોઠવણ જણાતાં ગૂંચવણ ઊઠી
​​​​​​​આ વખતે સૌથી વધુ દિગ્ગજ નેતાઓએ સયાજીગંજમાંથી દાવેદારી કરી છે. આ બેઠક ઉપર ભાજપે પહેલેથી જ નક્કી કર્યું હતું કે જીતી જાય તેવા ઉમેદવારને જ ટિકીટ આપવી. પરંતુ જ્યારે મોવડી મંડળમાં લિસ્ટ ગયું તેમાં સ્થાનિક કક્ષાની ગોઠવણ સ્પષ્ટપણે જણાઇ હતી. જેને કારણે લિસ્ટમાના કેટલાંકને તો સ્પષ્ટ ના પણ પાડી દેવાઇ હતી. ત્યારે હવે બળવાની બીકે આ બેઠક ઉપર કોને ટીકીટ આપવી તેનું કોકડું ગુંચવાયું છે.

કોંગ્રેસ-આપની નજર, બંને પક્ષો છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી શકે તેવી શક્યતા
શહેરની 3 બેઠકોના ઉમેદવારની જાહેરાત બાદ હવે ગમે ત્યારે ભાજપ બે ઉમેદવારો જાહેર કરી શકે છે. તેવામાં જે દાવેદારોને ટિકિટ નથી મળી તે પક્ષ સામે બળવો કરી અન્ય કોઈ પક્ષમાં જાય તેવી શક્યતા છે. ભાજપની હરકત પર કોંગ્રેસ-આપની નજર છે. નારાજો અન્ય પક્ષ કે અપક્ષથી દાવેદારી કરે તો કોંગ્રેસ-આપ ઉમેદવારો બદલે તેવી શક્યતા રહી છે.

અન્ય સમાચારો પણ છે...