પાદરા જંબુસર રોડ ઉપર કંડકટર બસ ઉભી રાખતો ન હોવાથી રોષે ભરાયેલી મહિલા મુસાફરોએ કંડક્ટરને લાફાવાળી કરી હતી. બાદમાં કંડક્ટરને વડુ પોલીસ મથકના હવાલે કરી દીધો હતો. મહિલા મુસાફરોએ કંડક્ટર ઉધ્ધતાઇભર્યું વર્તન કરતો હોવાનો અને છેડતી કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. બસમાં કડંક્ટરને માર મારતી મહિલાઓનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઇ છે.
મહિલાઓ અને પુરૂષો અપડાઉન કરે છે
મળેલી માહિતી પ્રમાણે પાદરા-જંબુસર જતી રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં પાદરા-જંબુસર રોડ પર આવેલી કંપનીઓમાં નોકરી કરતા અનેક મહિલા અને પુરુષ કર્મચારીઓ અપડાઉન કરે છે. જેમાં પાદરા-જંબુસર રોડ ઉપર દોડતી એસ.ટી. બસનો કંડકટર મુસાફરો દ્વારા હાથ બતાવવા છતાં પણ ઉભી રાખતો ન હતો.
બસ ઉભી રાખતો ન હતો
મુવાલની અને મહિલાઓ અને પુરૂષો પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી નાની-મોટી કંપનીઓમાં નોકરી કરે છે. એસ.ટી. બસોમાં અપડાઉન કરતી હોય છે. વડોદરા-પાદરા રૂટની બસનો એક કંડક્ટર મુવાલની મહિલા મુસાફરો હાથ બતાવવા છતાં, બસ ઉભી રાખતો ન હતો. આ અંગે મુસાફરો દ્વારા સબંધીત એસ.ટી. ડેપોમાં રજૂઆત કરવામાં આવી હતી. છતાં, આ રૂટનો બસ કંડક્ટર બસ ઉભી રાખતો ન હતો.
મહિલાઓ નોકરી જાય છે
છેલ્લા કેટલાંક સમયથી એસ.ટી. બસનો કંડક્ટર મહિલા મુસાફરોને બસ ઉભી ન રાખી હેરાન કરી રહ્યો હતો. ક્યારેક મહિલા મુસાફરો નોકરી ઉપર જઇ પણ શકતા ન હતા. મહિલા મુસાફરોએ બસ જ્યારે ઉભી રહે ત્યારે કંડક્ટરને નિયમીત બસ ઉભી રાખવા માટે અગાઉ સુચના પણ આપી હતી. પરંતુ, બસ કંડક્ટર બસ ઉભી રાખતો ન હતો. અને પોતાની મનમાની ચલાવતો હતો.
વડુ ચોકડી પર મુસાફરો આવી પહોંચ્યા
દરમિયાન સોમવારે મહિલા મુસાફરો રોડની વચ્ચે આવી ગયા હતા. બસ ઉભી રખાવી હતી. બસ ઉભી રહ્યા બાદ મહિલા મુસાફરો પૈકી કેટલીક મહિલા મુસાફરો વડુ ચોકડી આવે તે પહેલાં કંડક્ટરને આડેહાથ લીધો હતો. ચાલુ બસમાં જ કંડક્ટરને લાફાવાળી ચાલુ કરી દીધી હતા. વડુ ચોકડી ઉપર બસ આવતા બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા અન્ય મુસાફરો પણ મહિલા મુસાફરોની તરફેણમાં આવી ગયા હતા.
છેડતીનો પણ આક્ષેપ કર્યો હતો
મહિલા મુસાફરોએ બસ કંડક્ટરને લાફાવાળી કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. દરમિયાન બનાવની જાણ વડુ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. બસ કંડક્ટરની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગયા હતા. સાથે મહિલા મુસાફરોને પણ બોલાવી હતી. મહિલા મુસાફરોએ કંડક્ટર દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરતો હોવાનું અને છેડતી કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસ મથકમાં પોલીસે બંનેની રજૂઆતો સાંભળી ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી હતી.
કંડક્ટરને રવાના કરી દીધો
જોકે, બસ કંડક્ટરે નિયમીત બસ ઉભી રાખવાની મહિલા મુસાફરોને ખાતરી આપ્યા બાદ મહિલા મુસાફરોએ કંડક્ટરને બક્ષી દીધો હતો. અને પોલીસે પણ કંડક્ટરને કડક સુચના આપીને રવાના કરી દીધો હતો. જોકે, બસમાં મહિલા મુસાફરો દ્વારા કંડક્ટરને કરેલી લાફાવાળીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.