માંડવી કલ્યાણરાયજીની હવેલી સામે આવેલું 200 વર્ષ જૂનું ગાયકવાડી સમયનું ભગવાન રાધાવલ્લભનું મંદિર અત્યંત જર્જરિત થઈ જતાં લાકડાંના ટેકા ઊભા કરીને ઠાકોરજી અને રાધાજીની પૂજા કરવી પડી રહી છે. મંદિરનું રિનોવેશન કરવા કલેક્ટરને અનેક રજૂઆતો કર્યા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. ચોમાસું આવતાં મંદિરનો 3 માળનો કાટમાળ નીચે પડે તેવી દહેશત ઊભી થઈ છે.
મકરપુરા રોડના લકી એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખ પાઠકે 10 મહિના પહેલાં મુખ્યમંત્રી તેમજ કલેક્ટરને રૂબરૂ મળી મંદિરના રિનોવેશન મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જોકે આવેદનપત્ર આપ્યા બાદ પણ રિનોવેશન અંગે કોઈ કામગીરી ચાલુ થઈ નથી. તેમણે જણાવ્યું કે, આ મંદિર 200 વર્ષ જૂનું છે અને ગાયકવાડ વખતનું છે.
જ્યારે મહારાજા નજરબાગ પેલેસમાંથી લક્ષ્મી વિલાસ પેલેસમાં રહેવા ગયા ત્યારે તેમના દ્વારા આ મંદિર કલેક્ટરના તાબા હેઠળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરાયું હતું. ગત ચોમાસામાંથી ધીરે ધીરે મંદિરના હિસ્સા જમીન દોસ્ત થઈ રહ્યા છે. મંદિરમાં હાલ ભગવાનને લોખંડની એંગલથી અને લાકડાના ટેકા મૂકી રહેવાની ફરજ પડી છે.
રાજ્ય સરકાર પાસે મંદિરના રિડેવલપમેન્ટ માટે માગ કરાઈ હતી. જોકે આવેદનપત્ર આપ્યાને 10 મહિના વીતવા છતાં કામકાજ શરૂ કરાયું નથી. જો સલામતી માટેનાં પગલાં નહીં ભરાય અને મંદિર પરિસરમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થાય તો તેની તમામ જવાબદારી સરકારની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.