ઐતિહાસિક નિર્ણય:વડોદરામાં MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં આર્ટ એક્ઝિબિશન માટે ફરજિયાત કમિટીની મંજૂરી લેવી પડશે

વડોદરા10 દિવસ પહેલા
ફાઇલ આર્ટ્સ ફેકલ્ટી, MS યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા - ફાઇલ તસવીર

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના હિન્દુ દેવી-દેવતાઓના વિવાદિત આર્ટ વર્ક મૂકાયા બાદ હવે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ ફેકલ્ટીમાં જ્યારે પણ હવે આર્ટ એક્ઝિબિશન થશે તે માટે કમિટીની મંજૂર લેવી પડશે. કમિટીની મંજૂરી વિના આર્ટ વર્ક ડિસ્પ્લે નહીં કરી શકાય.

2007માં પણ થયો હતો આવો જ વિવાદ
સંસ્કાર નગરી વડોદરામાં પોતાની આગવી ઓળખ ધરાવતી એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વર્ષ 2007માં હિન્દુ દેવી દેવતાઓના વિવાદિત ચિત્રો ડિપ્સ્લે થયા બાદ ફરી એકવખત તાજેતરમાં વિદ્યાર્થી કુંદન યાદવે બનાવેલા આર્ટ વર્ક કે જેમાં અખબારોમાં દુષ્કર્મના સમાચારોના કટિંગથી હિન્દુ દેવી દેવતાઓના કટ આઉટ બનાવાયા હતા તેને લઇને વિવાદ થયો છે. ભવિષ્યમાં હવે આવો કોઇ વિવાદ ન થાય તે માટે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી પર નજર રાખવા કમિટીઓ બનાવવામાં આવી છે. જેમાં એક કમિટી તેમાં થતાં ચિત્ર પ્રદર્શનો પર નજર રાખશે અને તેની મંજૂરી પછી જ એક્ઝિબિશન થશે.

સાડા છ કલાક સિન્ડિકેટની બેઠક ચાલી
મંગળવાર બપોરે 3 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી એમ.એસ.યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક ચાલી હતી. આ બેઠક બાદ વાઇસ ચાન્સેલર વી.કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં કુલ 26 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સત્ય શોધક કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વિવાદિત આર્ટ વર્ક બનાવનાર વિદ્યાર્થીની કુંદન યાદવને રસ્ટિકેટ કરવામાં આવ્યો છે. ચિત્રો મામલે ડીન પણ જવાબદારીમાંથી છટકી નહીં શકે અને તેમને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓ બનાવેલા ચિત્રો એક્ઝિબિશનમાં મૂકાય જ નહોતા: VC
વાઇસ ચાન્સેરે જણાવ્યું હતું કે, કમિટીની તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીએ બનાવેલ વિવાદિત આર્ટ વર્ક એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા ન હતા. એક્ઝામની પ્રોસેસ દરમિયાન ઇવેલ્યુએશનની પ્રક્રિયા માટે મૂકવામાં આવ્યા હતા. આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયા તેની પણ તપાસ કરીશું.

ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા કોડ ઓફ કન્ડક્ટ બનશે
વાઇસ ચાન્સેરે કહ્યું હતું કે, ભવિષ્યમાં આવી કોઇ ઘટના બને તે માટે એક કમિટી બનાવવામાં આવશે. જે કોડ ઓફ કન્ડક્ટ બનાવશે. જેમાં જાણીતા એક્સપર્ટને સામેલ કરવામાં આવશે. આ કમિટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું મહત્વ અને યુનિવર્સિટીનું ગૌરવ જાળવી રાખવા અંગે પણ ધ્યાન રાખશે.

ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં કેમેરા લાગશે
વાઇસ ચાન્સેલર વી.કે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરા નથી. ત્યાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લાગશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય એક કમિટી એવી પણ બનાવવામાં આવી છે કે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની સમયાંતરે વિઝિટ કરશે. ફેકલ્ટી દ્વારા જે કોઇ એક્ઝિબિશન કરવામાં આવશે તેની પરવાનગી આ કમિટી દ્વારા આપવામાં આવશે. સીધી રીતે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી કોઇની લાગણી દુભાય કે વિવાદ થાય તેવા આર્ટ વર્ક નહીં મૂકી શકે.

અન્ય સમાચારો પણ છે...