મ.સ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ગુરુવારથી ટીવાયની શરૂઆત કરાઈ હતી. 2 વર્ષ પછી વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે કોલેજમાં ગયા હતા. જોકે પ્રથમ દિવસે 80 ટકા હાજરીનો ફિયાસ્કો થયો હતો, માત્ર 30 ટકા વિદ્યાર્થીઓ જ આવ્યા છે. અધ્યાપકોએ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની હાજરી લીધી હતી. મ.સ. યુનિવર્સિટીમાં ટીવાય બીકોમની શરૂઆત થઇ હતી. જોકે પાંખી હાજરી સાથે સત્રની શરૂઆત થતાં આગામી સમયમાં વિદ્યાર્થીઓ આવશે કે નહિ તે અંગે સત્તાધીશોને ચિંતિત જણાઇ રહ્યા છે.
કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓની હાજરી 80 ટકા નહિ હોય તો પરીક્ષામાં બેસવા દેવાશે નહિ તેવી જાહેરાત કરાઈ છે, છતાં પ્રથમ દિવસે માત્ર 30 ટકા હાજરી જોવા મળી હતી. કોમર્સ મેઇન, યુનિટ બિલ્ડિંગ તથા ગર્લ્સ કોલેજ પર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી. અધ્યાપકો દ્વારા હાજર રહેલા વિદ્યાર્થીઓને અન્ય પણ લેક્ચર એટેન્ડ કરવા આવે તે માટે પ્રોત્સાહિત કરાયા હતા.
કોરોનામાં 2020થી ઓનલાઇન એજ્યુકેશન શરૂ થયું હતું. જેથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં આવ્યા પછી ઓફલાઇન શિક્ષણની સાથે કોલેજના પ્રથમ દિવસની મઝા માણી હતી. સત્ર શરૂ થવાના પગલે વિજિલન્સ અને સિક્યોરિટી પણ સક્રિય થઇ ગઇ હતી. બીજી તરફ હંગામી કર્મચારીઓ હડતાળ પર હોવાના કારણે ફેકલ્ટીમાં સાફસફાઇ થઇ ન હોવાથી ગંદકી જોવા મળી હતી.
બેંકિંગ અને કો-ઓપરેશનમાં ઇન્ટરવ્યૂ વિના હંગામી અધ્યાપકોને ચાલુ રખાયાં
કોમર્સના બેંકિંગ તથા કો-ઓપરેશન વિભાગમાં હંગામી અધ્યાપકોના ઇન્ટરવ્યૂ બાકી છે ત્યારે 31 જુલાઇએ તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતાં ફરજ પર ચાલુ રખાયા છે. 10 સુધીમાં આ અધ્યાપકોનાં ઇન્ટરવ્યૂ યોજાશે ત્યારે જો અત્યારે ફરજ બજાવતા હંગામીમાંથી કોઇની નિમણૂક ન થઇ તો તેમને પગાર કોણ ચૂકવશે તેવો સવાલ ઊભો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.