વડોદરા અને આણંદની ખાણ-ખનીજ વિભાગની ટીમોએ 7 જાન્યુઆરીના રોજ વડોદરા જિલ્લાના નટવરનગર (બહિધરપુરા) નજીક મહિસાગર નદીમાં સાદી રેતીનું ગેરકાયદે ખનન અને પરિવહન કરવામાં આવતી ચાર નાવડીઓ ઝડપી લઈને ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.જ્યારે ચારમાંથી એક નાવડીના માલિકે દંડ ભરવા સંમતી બતાવી છે.
ખાણખનીજ વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 7 જાન્યુઆરીના રોજ દરોડા પાડવામાં આવતા તે સમય દરમિયાન નાવડીઓના ઓપરેટરો અને અન્ય લોકો સ્થળ છોડીને ફરાર થયા હતા.આ દરોડા બાદ ખનીજ ખાતાના ખાણકામ નિરીક્ષક દેવાભાઇ છારિયા એ ભૂસ્તરશાસ્ત્રીની સૂચના પ્રમાણે ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલા જણાયેલાઓ સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા કચેરીના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ચાર પૈકીની એક નાવડી લીઝ ધારક પ્રતાપ દલાજી વણઝારાની હતી. જેમણે રૂબરૂ આવીને નિવેદન આપીને સમાધાન પેટે જે નક્કી થાય એ દંડનીય રકમ ભરવાની સંમતિ આપી છે.અન્ય એક ટીલા પાસે સાદી રેતીનું ખાણકામ કરતી ત્રણ નાવડીઓ ના સંદર્ભમાં નટવરનગરના પંચોએ તે આણંદ જિલ્લાના પ્રતાપપુરાના રાજેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ ઉર્ફે રાજુ ગોલ્ડની હોવાનું જણાવાયું છે.આ સ્થળે ખાતા દ્વારા કરવામાં આવેલી માપણીમાં રૂપિયા 26,91,360ની કિંમતની 11214 મેટ્રિક ટન સાદી રેતીનું બિન અધિકૃત ખાણકામ અને પરિવહન થયાનું તારણ નીકળ્યું હતું.
આરોપીઓ પાસેથી રૂપિયા 27.66 લાખ વસૂલવામાં આવશે
ખાણ અને ખનીજ ખાતાના નિયમો પ્રમાણે ખનીજ ચોરીમાં સંડોવાયેલી નાવડીઓ માટે પ્રતિ નૌકા દીઠ રૂ.25 હજાર પ્રમાણે કુલ રૂ.75000 નો કંપાઉંન્ડીંગ દંડ તેમાં ઉમેરતા કસૂરવારો પાસે થી રૂ.27.66 લાખની રકમ વસૂલવાની થાય છે.આ ઉપરાંત આરોપીઓ એ આ બિન અધિકૃત ખાણકામ દ્વારા પર્યાવરણને પહોંચાડેલા નુકશાન બદલ ખાણ અને ખનીજ વિભાગના જાહેરનામા પ્રમાણે મેટ્રિક ટન દીઠ રૂ.11.43 લાખનો દંડ ડી.એમ.એફ. એન્વાયરમેન્ટલ કોમ્પેંસેશન ફંડમાં ભરાવવા ના થાય છે.
આણંદ જિલ્લાની ટીમ પર થયેલા હુમલાની અલગથી ફરિયાદ નોંધાઈ
ગેરકાયદે ખનન કરનારા આરોપીઓ દ્વારા શુક્રવારની રાત્રે પોતાની ટ્રકો છોડાવવા ખનીજ ખાતાની આણંદની ટીમ પર પણ હુમલો કર્યો હતો. જેની પણ ફરિયાદ આણંદ જિલ્લામાં નોંધાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.