કોર્પોરેશન એક્શન મોડમાં:વડોદરામાં જાહેર માર્ગ પર ઢોર રખડતા મુકવા મામલે ચાર લોકો સામે ફરિયાદ દાખલ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ વધતા આખરે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના આજવા રોડ, કરોડિયા અને પાણીગેટ વિસ્તારમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આજવા રોડ પર બે સામે ફરિયાદ
શહેરના આજવા રોડ બાપોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રખડતા ઢોર મુકવા બાબતે પશુ માલિક ભરવાડ સંજયભાઇ ભનુભાઇ (રહે. રેવડિયા મહાદેવ મંદિર પાસે, ન્યૂ વીઆઇપી રોડ, ભરવાડવાસ, વડોદરા) સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આજવા રોડ પર જ બાથાભાઇ પેટાભાઇ ભરવાડ (રહે. ભરવાડવાસ, માણકી કોમ્પલેક્ષ પાછળ, આજવા રોડ) સામે બે ગાય અને ત્રણ વાછરડી જાહેર માર્ગ પર રખડતા મુકવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કરોડિયા અને પાણીગેટ વિસ્તારમાં એક-એક સામે ફરિયાદ
વડોદરાના કરોડિયા વિસ્તારમાં રસ્તા પર પશુઓેને રખડતા મુકવા મામલે કંકુબેન ભીખાભાઇ રબારી (રહે, ચરોતર નગર, નર્મદા કોલોની બાજુમાં, છાણી, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં ચાર ઢોરને રખડતા મુકવા મામલે ગોપાલભાઇ પેથાભાઇ ભરવાડ (રહે. ઇન્દ્રનગર ગાગરેટિયા, ડભોઇ રોડ, સોમા તળાવ, વડોદરા) સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લખેનીય છે કે વડોદરા શહેરના ચાર દિવસ પહેલા ગોરવા વિસ્તારમાં એક વૃદ્ધને ગાયે ભેટી મારીને પાડી દેતા તેમજ ચોખંડી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે એક આધેડને ગાયે શિંગડે ચડાવતા ઇજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. થોડા મહિના અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર કાર્યક્રમમાં મંચ પરથી વડોદરાના મેયર કેયુર રોકડિયાને શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ટકોર કરી હતી. જો કે, ત્યાર બાદ પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જારી રહ્યો અને તેનો ભોગ ઘણા શહેરીજનો બન્યા.

37 દિવસમાં 7 લોકોને રખડતા પશુઓએ અડફેટે લીધા
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રખડતા પશુઓ સામે તંત્ર એટલુ વામણું બન્યું હતું કે, 37 દિવસમાં 7 લોકોને અડફેટે લીધાની ઘટનાઓ બની છે. ગોરવામાં શનિવારે ગાયો છોડાવવા માટે ટોળાએ કાંકરીચાળો કરતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ગોરવાની ઘટના બાદ એક વ્યક્તિએ વડોદરાના મેયર કેયુર રોકડિયાને ફોન પર ધમકી આપી હતી જો ગાય પકડવાનું બંધ નહીં કરો તો જોઇ લઇશું. જો કે મેયરે પણ કાર્યવાહી ચાલુ જ રહેશે તેવું સામે સંભળાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...