• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Complaint In Women's Commission Against The City Engineer Of The Municipality Who Kept The Female Employee Sitting In The Office Till Late Night

ભાસ્કર વિશેષ:મહિલા કર્મચારીને મોડીરાત સુધી ઓફિસમાં બેસાડી રાખનાર પાલિકાના સિટી એન્જિનિયર સામે મહિલા આયોગમાં ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આયોગે પાલિકામાં મહિલાઓ માટે બનાવાયેલી કમિટીને તપાસ સોંપી

વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ સિટી એન્જીનીયર વિરુદ્ધ માનસિક ત્રાસના આક્ષેપ કરી મહિલા આયોગમાં ફરિયાદ કરી છે. જેના આધારે મહિલા આયોગે આ બાબતે પાલિકાની કમિટીને કેસ સોંપતા હવે તપાસ શરૂ કરાઇ છે.

વડોદરા મહાનગર પાલિકામાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ ન્યાય માટે મહિલા આયોગના દ્વાર ખખડાવ્યા છે. આધારભૂત સૂત્રો મુજબ પાલિકામાં ફરજ બજાવતા મહિલા કર્મચારી 6 મહિના અગાઉ જ એક વિભાગમાં બીજા વિભાગમાં મુકવામાં આવ્યા છે. જેઓએ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને અન્ય એક અધિકારી વિરુદ્ધ મહિલા અયોગમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં સ્વર્ણિમ યોજનાના કામોમાં મોડે સુધી બેસાડી રાખવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિટી એન્જિનિયર દ્વારા તેમને સમય કરતાં વધુ કામ કરાવવા અને તેના કારણે માનસિક રીતે પરેશાન કરાતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મહિલા અયોગમાં ફરિયાદ થતા જ મહિલા આયોગે પાલિકામાં મહિલાઓ માટે બનેલી કમિટીને તપાસ સોંપી છે. જે તપાસ હાલમાં ચાલી રહી છે.

આ કેસમાં 15 દિવસ બાદ તપાસનો રિપોર્ટ મ્યુનિ. કમિશનર અને ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને સોંપાશે તેમ જાણવા મળ્યું છે. આ બાબતે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારની પ્રતિક્રિયા જાણવા કોલ અને મેસેજથી સંપર્ક કર્યો હતો જેમાં તેઓએ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર એડમિન.ને પુછવા જણાવ્યુ હતું. જો કે તેમણે પણ કોલ રિસીવ કર્યો ન હતો. મહિલા કર્મીની માનસિક સ્થિતિ ખરાબ થતા સારવાર પણ લીધી હતી. જેના રિપોર્ટ ફરિયાદ સાથે હોવાનું જણાયું છે.

અન્ય એક મહિલા કર્મચારીને પણ બેસાડી રાખતા નોકરી છોડી હતી
પાલિકાના આધારભૂત સૂત્રો મુજબ આ અગાઉ પાલિકામાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ મોડે સુધી બેસાડી રાખતા હોવાની રજુઆત કરી હતી. જોકે નવ વાગ્યા સુધી ન બેસાતું હોય તો નોકરી છોડી દેવાની તેમ સિટી ઈજનેર કહેતા હોવાથી નોકરીની જગ્યાએ પરિવારને પ્રાધાન્ય આપી મહિલા કર્મચારીએ નોકરી છોડી હતી. જોકે બીજી મહિલા કર્મચારીએ નોકરી છોડવાની જગ્યાએ ફરિયાદ કરવાનું યોગ્ય સમજ્યું છે. ત્યારે સીટી ઇજનેર વિરુદ્ધ વધુ એક ફરિયાદ પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...