વડોદરાના પોઇચા ગામના વ્યક્તિએ અમદાવાદની સિંઘાણીયા ફાઇનાન્સ કંપનીમાં ગામમાં જુનુ મકાન તોડી નવું મકાન બનાવવા માટે રૂપિયા 10 લાખની લોન લેવા માટે અરજી કરી હતી. ફાઇનાન્સ કંપનીના અમદાવાદ ખાતે રહેતા કર્મચારીએ લોન મંજૂર કરવા માટે વિવિધ ચાર્જ પેટે રૂપિયા 80 હજાર લીધા હતા અને લોન માટે સમય મર્યાદા આપી હતી. પરંતુ, સમય મર્યાદામાં કંપની દ્વારા લોન આપવામાં આવી ન હતી. ગ્રાહકે પરત નાણાં માંગતા કંપની કર્મચારીએ જાતી વિરુદ્ધ અપશબ્દો બોલી ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મકાન બનાવવા લોન માંગી હતી
સાવલી તાલુકાના પોઇચા ગામમાં હરીજનવાસમાં રહેતા 26 વર્ષિય ઠાકોર મનોજભાઇ વાલ્મીકીએ ભાદરવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ઓટો રિક્ષા ચલાવું છું. પિતા મનોજભાઇ પોઇચા ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છું. ગામમાં અમારું જુનું મકાન તોડીને નવું મકાન બનાવવા માટે અમદાવાદ નરોડા પાટીયા પાસે કુબેરનગરમાં આવેલી સિંઘાનીયા ફાઇનાન્સ કંપનીમાં રૂપિયા 10 લાખની લોન મેળવવા જુન-2022માં માટે અરજી કરી હતી.
રિટર્ન ફાઇલ બનાવવા નાણાં પડાવ્યા
ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, લોન મેળવવા માટે કંપની દ્વારા પ્રથમ રૂપિયા 5 હજાર પ્રોસેસ ફીના નામે લીધા હતા. તે બાદ પી.ડી.આર. ફાઇલ બનાવવા માટે રૂપિયા 75 હજાર પડાવ્યા હતા. ત્યાર પછી પણ તેઓએ લોન આપી ન હતી. અને ખોટા બહાનાઓ બતાવતા હતા. પિતાએ ભરેલી રકમ પરત પરત માંગતા ફાઇનાન્સ કંપનીના કર્મચારી રાહુલે (રહે. સરદાર ગામ, રેલવે સ્ટેશન સામે, કુબેરનગર સિંધી બજાર નરોડા પાટીયા, અમદાવાદ) ફોન ઉપર રૂપિયા 80 હજાર પરત કરવાની વાત કરવાને બદલે જાતી વિરૂદ્ધ અપશબ્દો બોલ્યા હતા અને ધમકી આપી હતી.
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી
ફરિયાદમાં ઠાકોર વાલ્મીકીએ એમ પણ જણાવ્યું છે કે, સિંઘાણીયા ફાઇનાન્સ કંપનીના કર્મચારી રાહુલે ફોન પર પિતાને એમ પણ જણાવ્યું હતું કે, તમારી કોઇ ઔકાત નથી. તમે અમદાવાદ આવશો તો તમારી રીક્ષા પણ સળગાવી દઇશું. અને ફરીવાર પૈસા કે લોન માટે ફોન કરશો નહિં. નહિં તો અન્ય કોઇ ખોટા કેસમાં ફશાવી દઇશું. તેવી ધમકી આપી હતી. અને જણાવ્યું હતું કે, તમોને પી.ડી.આર. ફાઇલ આપી દીધી છે. આથી તમે ભરેલી રકમ પરત મળશે નહીં, ત્યારે ફરિયાદ કરનાર ઠાકોર વાલ્મિકીએ જણાવ્યું કે, અમારે પી.ડી.આર. ફાઇલ લોન ન મળે તો કોઇ કામની નથી, ત્યારે રાહુલે કહ્યું કે, તમારાથી થાય તે કરી લો. નાણાં પરત મળશે નહીં.
ફાઇનાન્સ કંપની બંધ થવી જોઇએ
ઠાકોર વાલ્મીકીએ ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ નરોડા પાટીયા, કુબેરનગરમાં આવેલી સિંઘાણીયા ફાઇનાન્સ કંપની દ્વારા લોન આપવાના નામે ગામડાના લોકોને શિકાર બનાવી રહ્યા છે. લોન લેવા માટે પ્રયાસો કરતા લોકોને પોતાની જાળમાં ફસાવી તેઓ પાસેથી પ્રોસેસ ફી સહિત વિવિધ કામના નામે નાણાં પડાવે છે.
મારી માંગ છે કે, આ ફાઇનાન્સ કંપનીના કર્મચારી રાહુલ સહિત અન્ય લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી તેઓ ગામડાના લોકોને લોનના બહાને ફસાવે નહિં. અમારી સાથે થયેલી છેતરપિંડી અંગે સિંઘાણીયા ફાઇનાન્સ કંપનીના કર્મચારી રાહુલ (રહે. અમદાવાદ) સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ઠાકોરે ફાઇનાન્સ કંપનીએ નાણાં ભરેલાની આપેલી પાવતીઓ તેમજ ટેલિફોનીક થયેલી વાત-ચિતનું રેકોર્ડીંગ પણ પોલીસને આપ્યું છે. ભાદરવા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.