"હું પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ બોલું છું, નીરજ સાથે તમારે ચાલતી મેટર પતાવી દો અને 20 લાખ રૂપિયામાં સમાધાન કરી દો' તેવી પિતા અને પુત્રીને ધમકી આપનાર રાજ વાઘેલા સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા ગોરવા પંચવટી રોડ ઉપર આવેલી 1/36, ઉદય પાર્ક સોસાયટીમાં માતા-પિતા સાથે રહે છે. તેઓએ તારીખ 28 માર્ચ-2021ના રોજ C-17, અકોટા સામ્રાજ્ય ટાઉનશિપમાં રહેતાં નીરજ મહેન્દ્રભાઈ પ્રજાપતિ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના અનુસંધાનમાં 11 એપ્રિલ-2022ના રોજ મહિલાને ફોન કર્યો હતો અને રાજ વાઘેલા નામના વ્યક્તિ બોલું છું તેવી ઓળખ આપીને જણાવ્યું હતું કે, નીરજ પ્રજાપતિ સાથે તમારે શું મેટર ચાલે છે. રૂપિયા 20 લાખમાં આ મેટર પતાવી દો, ત્યારે મહિલાએ ફોન પર જણાવ્યું કે, હું તમને ઓળખતી નથી. આભાર તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો.
દરમિયાન 10 મિનિટ બાદ રાજ વાઘેલા નામના વ્યક્તિએ મહિલાના પિતાને ફોન કરી જણાવ્યું કે "હું પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી પીઆઇ બોલું છું, તમારી દીકરી એ જે કેસ કર્યો છે, તે પરત ખેંચી લો અને રૂપિયા 20 લાખમાં પતાવી દો અને મને અત્યારે મળવા માટે આવો" હસમુખભાઈએ મળવા માટે ક્યાં આવું કેમ પૂછતા રાજ વાઘેલા નામના શખ્સે બિભત્સ ગાળો બોલી જણાવ્યું કે, કેસ પાછો ખેંચી લો નહીં તો આનું પરિણામ સારું આવશે નહીં અને તમારે જાનથી હાથ ધોઈ નાખવા પડશે.
પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈના નામે ધમકી આપનાર રાજ વાઘેલા આપેલી ધમકી અંગે મહિલાએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પીઆઇના નામે ધમકી આપનાર રાજ વાઘેલા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.