કાર્યવાહી:પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયા દ્વારા 15 લાખનું સોનું અને 2 લાખની માગણી કરાઈ
  • મોટો બંગલો બતાવી 70 હજાર કમાતો હોવાનું કહી લગ્ન કર્યાં

મોટી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરાવ્યા બાદ દારૂ પીને મારઝૂડ કરી દહેજની માગણી કરી પોતાના પુત્રને પણ માર મારી જાનથી મારી નાખવાની કોશીષ કરતાં પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ બિહારના અને શહેરમાં રહેતી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને અકોટાના સુધરાઈ ક્વાર્ટર્સમાં રહેતા જીતેન્દ્ર પટેલે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલા યુવતીને મોટો બંગલો બતાવી અને પોતે ડાન્સ ટીચર હોવાનું તેમજ મહિને રૂ.70 હજાર સુધી કમાય છે તેવું જુઠ્ઠાણું પણ કહ્યું હતું. લગ્ન બાદ તમામ વસ્તુ ખોટી નીકળતાં યુવતીને લાગ્યું કે તે ફસાઈ ગઈ છે. જોકે માતા-પિતા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોવાથી યુવતીએ પિયરમાં કાંઈ વસ્તુ જણાવી ન હતી.

પતિએ દારૂ પીને મારઝૂડ કરીને અનેક વખત મરજી વિરુદ્ધ શૈયાસુખ માણ્યું હતું. જ્યારે પતિ દ્વારા પરિણીતા પાસે રોજે રોજ પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કરાતું હતું. પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પણ પતિ દ્વારા રોજેરોજ મારઝૂડ કરાતી હતી. એક દિવસે પતિએ પરિણીતાની ગરદન પર કાતર અડાવીને મારવાની પણ કોશીષ કરી હતી. જ્યારે સસરા રાજુ પટેલ, સાસુ હંસાબેન પટેલ અને દિયર રોહિત પટેલ દ્વારા પરિણીતાના દીકરાને પણ આવેશમાં આવી ફેંકી દેવાની કોશીષ કરી હતી.

પરિણીતાનો આક્ષેપ છે કે, સાસરિયા દ્વારા 15 લાખનું સોનું અને 2 લાખની માગ કરાઈ હતી. 18 સપ્ટેમ્બરે સાસરીયાએ પરિણીતાના પિતાના ઘરમાં ઘૂસી પરિણીતાના દીકરાને ઉઠાવી જવાની કોશીષ કરી મારઝૂડ કરી હતી. જોકે પરિણીતાનાં માતા-પિતાએ પડકારતાં તેઓ નાસી ગયાં હતાં. તેમણે દીકરાને ઉઠાવી જવાની તેમજ મારી નાંખવાની ધમકી આપતાં પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...