શહેરના પાણીગેટ વિસ્તારમાં આઇસક્રીમ પાર્લર ચલાવનારા યુવકની દુકાનમાં ગત 13મીના રોજ કેટલાક શખ્સોએ અપશબ્દો બોલીને કોલ્ડ્રિંકની કિંમત પૂછતાં તેને દુકાનદારી ઠપકો આપ્યો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા આરોપીઓએ દુકાનમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ કરનારા 10 જેટલા ગુંડાઓમાંથી માત્ર 4ને પોલીસે પકડીને 24 કલાકમાં જ જામીન આપી દઈને તપાસ સંકેલી લીધી છે.
આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના પાણીગેટ વિસ્તારમાં આઈસક્રીમ પાર્લર ચલાવતા આકાશ ગજાનંદ ગોયલની દુકાનમાં 13 મેના રોજ રાતે 10-30 વાગ્યાના અરસામાં કેટલાક શખ્સોએ અપશબ્દો બોલીને કોલ્ડ્રિંકની કિંમત અંગે પૂછ્યું હતું. જેને કારણે યુવકે ઠપકો આપતાં 10થી 15 યુવકોએ ઉશ્કેરાઈ જઈને દુકાનના સામાનની તોડફોડ કરી હતી. આ શખ્સોએ દુકાન પાસે બેઠેલા ગ્રાહકોને પણ માર માર્યો હતો.
આ ઘટના બાદ યુવકે 10 આરોપીઓનાં નામ લખાવ્યાં છતાં પાણીગેટ પોલીસે મેહુલ નારાયણભાઈ કહાર (હરણખાના રોડ, પાણીગેટ), નિલેશ કહાર (કહાર મહોલ્લો, પાણીગેટ), રોકી પટેલ (મધુવન પાર્ક, ઉકાજીનું વાડિયું) અને ચેતન કહાર (મધુવન પાર્ક, ઉકાજીનું વાડિયું) સામે મારામારીનો ગુનો દાખલ કર્યો હતો અને 24 કલાકમાં પોલીસ મથકમાંથી જ જામીન આપી છોડી મૂક્યા હતા.
ફરિયાદી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે, તેની દુકાનમાં તોડફોડ કરનારા 10 જેટલા આરોપીઓ હતા, પરંતુ પોલીસે ફરિયાદીની વાત સાંભળી ન હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ મથકમાં પણ આરોપીઓ સાથે પોલીસ હાથ મિલાવીને વાત કરી સમાધાન કરી લેવાની ભૂમિકા બાંધી રહી હતી, તેવો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.