રખડતા ઢોરોનો ત્રાસ:વડોદરામાં ઢોર પાર્ટીએ પકડેલી ગાયોને બળજબરીથી છોડાવવાનો પ્રયાસ કરનાર 4 પશુપાલક સામે ફરિયાદ, એકની ધરપકડ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાગી છૂટેલી એક મહિલા સહિત 3 આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં મહાનગરપાલિકાની રખડતા પશુ પકડવાની કામગીરી દરમિયાન ગાય છોડાવવવા બળજબરી કરનાર 4 પશુપાલક વિરૂદ્ધ સરકારી કામગીરીમાં દખલગીરી બદલ ગુનો નોંધાયો છે. પોલીસે સ્થળ ઉપરથી એક આરોપીને ઝડપી પાડી નાસી છૂટેલા અન્ય ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

ઢોર પાર્ટીએ પકડેલી ગાયો છોડાવવાનો પ્રયાસ
વડોદરા મહાનગરપાલિકામાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે બે અલગ-અલગ ટીમો બનાવી પોલીસને સાથે રાખી તેઓ પાણીગેટ વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી અર્થે નીકળ્યા હતા. તે સમયે ગાજરાવાડી વિસ્તારમાં સાંજના સુમારે રસ્તા ઉપર રખડતી ગાયને ટ્રેક્ટરમાં ચઢાવવાની કામગીરી દરમિયાન એક મહિલા સહિત ચાર શખ્સ ધસી આવ્યા હતા અને દાદાગીરી કરી કોર્પોરેશનને પકડેલી ગાય છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.

એક મહિલા સહિત ત્રણની શોધખોળ
પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખેંચાખેંચી કરી બળજબરીપૂર્વક ગાયો છોડાવવાનો પ્રયાસ કરનાર પૈકી એકને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ત્રણ નાસી છૂટ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી તુષાર નટુભાઈ રબારી અને નાસી છૂટેલા આરોપી લાખાભાઈ રબારી, મીતેશ ઉર્ફે મિતિયો રબારી અને જશીબેન રબારી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરાર થઇ ગયેલી એક મહિલા સહિત ત્રણની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રખડતી ગાયો છોડી મુકનાર ગૌપાલકો સામે રોજેરોજ ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે તેમજ કોર્પોરેશન દ્વારા ગાયો પણ પકડવામાં આવી રહી છે. આમ છતાં શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોનો પ્રશ્ન હલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...