ટીવાય પાસ કરી લીધું હોવા છતાં માર્કશીટ મળી:કોમર્સના વિદ્યાર્થીઓને ડિગ્રી તો મળશે પણ માર્કશીટ હજુ બાકી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસવાયના વિદ્યાર્થીઓએ ટીવાય પાસ કર્યું છતાં માર્કશીટ ન મળી

MSUમાં કોન્વોકેશનની તૈયારીઓ શરૂ થઇ છે. બીજી તરફ કોમર્સના વિદ્યાર્થીઓને ડિગ્રી મળી જશે પણ માર્કશીટ આપવામાં આવી નથી. એસવાયના વિદ્યાર્થીઓએ ટીવાય પાસ કરી લીધું હોવા છતાં બંને વર્ષોની માર્કશીટ મળી નથી. કોમર્સ ફેકલ્ટીમાં બેચલર પૂરું કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી મળી જશે પરંતુ માર્કશીટ મળે નહિ તેવી સ્થિતી સર્જાય છે.

ટીવાય બીકોમમાં હજુ સુધી માર્કશીટ આપવામાં આવી નથી. ટીવાય બીકોમ પાસ થયેલા વિદ્યાર્થીઓને ટીવાયની તથા એસવાયની પણ માર્કશીટ આપવામાં આવી ના હોવાનું જાણવા મળ્યું છે. સતત બે વર્ષોની માર્કશીટ 7500 જેટલા વિદ્યાર્થીઓને મળી નથી.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના અંધેર વહીવટનો આનાથી ઉત્તમ નમૂનો કોઇ ના હોઇ શકે. પરીક્ષા વિભાગ અધ્યાપકોને નોટીસ આપે છે પરંતુ વિભાગની ભૂલો સામે અત્યાર સુધી કોઇ પગલા લેવાયા નથી. ત્યારે વિદ્યાર્થીઓને બાનમાં લેનાર પરીક્ષા વિભાગ સામે કાર્યવાહીની માંગ યુનિવર્સિટીમાં ઉઠી છે.

સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષા વિભાગની કામગીરી અંગે હોબાળો થવાની શક્યતા
આગામી 31 જાન્યુઆરીના રોજ સિન્ડિકેટની બેઠક મળનાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી નિષ્ફળ રહેલા પરીક્ષા વિભાગની કામગીરી સામે સિન્ડિકેટ સભ્યો દ્વારા વીસીને ભીંસમાં લેવામાં આવે તેવી શકયતાઓ છે. વીસી દ્વારા પરીક્ષા વિભાગ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી ના હોવાથી યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...