તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દાતા અને દર્દી વચ્ચે સેતુ બનેલી સયાજી હોસ્પિટલની બ્લડ બેંકમાં વર્ષે 17 હજાર યુનિટ રક્તનું એકત્રીકરણ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • G-729નો પરવાનો ધરાવતી બ્લડ બેંક દ્વારા વર્ષે 120 જેટલી રક્તદાન શિબિર યોજાય છે

સયાજીની બ્લડ બેંક 57 વર્ષથી રક્ત સેવા દ્વારા દર્દીઓની જીવન રક્ષા કરે છે. જરૂરવાળા દર્દીઓને સેવાભાવી દાતા પાસેથી રક્ત અપાવવા અને તેને સંલગ્ન પ્રવૃત્તિ કરવા બ્લડ બેંકને જી-729 નંબરનો પરવાનો અપાયો છે. બ્લડ બેંકને અગાઉ વાર્ષિક સરેરાશ 10 હજારથી ઓછા બ્લડ યુનિટોનું દાન મળતું હતું, જે 2019માં વધી વાર્ષિક 17 હજાર યુનિટ થયું અને અગાઉ વાર્ષિક સરેરાશ 50 થી 60 શિબિરો યોજાતી હતી, તે 100 થી 120 થઈ છે. તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ બ્લડ સેન્ટરને 1998માં રક્ત ઘટકોના વિભાજનની અને ચોક્કસ જરૂર પ્રમાણેના રક્ત ઘટકો પૂરા પાડવાની સેવાની મંજૂરી અપાઈ હતી.

જેના લીધે ઉપલબ્ધ બ્લડના જથ્થા દ્વારા એક જ સમયે એકથી વધુ દર્દીની રક્ત ઘટકોની આવશ્યકતા સંતોષી શકાય છે. જ્યારે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 2009માં આ સંસ્થાને એનએબીએચ એક્રેડિશન પ્રદાન કર્યું હતું. 2010માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 2 અનુસ્નાતકીય બેઠક સાથે એમડી ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પીજી કોર્સ માટે માન્યતા આપી હતી.

તેના પગલે આ સેન્ટર સાથે સંલગ્ન રહી 8 વિદ્યાર્થી તબીબોએ અનુસ્નાતકીય પદવી મેળવી છે અને દેશના અગ્રણી બ્લડ સેન્ટર્સમાં સેવા આપી રહ્યા છે. જ્યારે સયાજીના બ્લડ સેન્ટરને 2014માં પ્લેટલેટ ફેરેસીસની મંજૂરી અપાઈ હતી. 2016માં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ આ સેન્ટરને એવોર્ડ પ્રદાન કર્યો હતો.

29 લાખની અદ્યતન વાન SSGને અપાઈ
રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટને 29 લાખથી વધુ કિંમતની રક્ત લેવા અને રક્તને સાચવવા સહિતની સુવિધાથી સજ્જ અને ગમે તે સ્થળે તાત્કાલિક રક્તદાન શિબિર યોજવાની સુવિધા આપતી મોબાઇલ બ્લડ કલેક્શન વાન સયાજીની બ્લડ બેંકને અપાઈ છે. આ વાનથી રક્તદાન પ્રવૃત્તિને અંતરિયાળ ગામડા સુધી વ્યાપક બનાવાશે. આ વાનમાં જનરેટર હોવાથી વીજ પ્રવાહ ન હોય ત્યાં પણ એસી અને ફ્રીજર ચાલુ રાખી શકાશે.વાનના ફ્રીજરમાં રક્તના 100 પાઉચ સાચવવાની સગવડ છે. રક્તદાતા લોહી આપી શકે તે માટે 2 રિકલાઇનર કાઉચ સહિતની સગવડો છે.

અન્ય સમાચારો પણ છે...