શહેરમાં યોજાયેલા કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોદ્દેદારો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વિકાસનાં કામોની સમીક્ષા કરવાની સાથે જરૂરી સૂચનો આપ્યાં હતાં. પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આગામી 10મી જૂનથી પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવશે તેમજ સરદાર સરોવરમાંથી 146 એમએલડી પાણી વડોદરાને રોજ મળશે તે અંગેની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
નવલખી મેદાન ખાતે યોજાયેલા મહિલા અને બાળ વિકાસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલિકામાં 24 કરોડના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં હતાં. ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરના હોદ્દેદારોએ તેમના વિસ્તારના પાણી-ડ્રેનેજની સમસ્યાઓ રજૂ કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાણી, ટ્રાફિક અને ટીપી મુખ્ય સમસ્યાનાં ક્ષેત્રો છે. આ સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ લાવવો તે સરકાર વિચારી રહી છે. જરૂર હશે ત્યાં રાજ્ય સરકાર નાણાકીય સહાય પૂરી પાડવા તત્પર છે.
વડોદરા શહેરમાં હાલ મુખ્ય સમસ્યા પાણીની છે. આગામી 10મી જૂનથી મહીસાગર નદીમાંથી પાણી મેળવવા બની રહેલો સિંધરોટ પ્રોજેક્ટ કાર્ય થશે, જેનાથી શહેરીજનોને રાહત મળશે. હાલમાં આજવા સરોવરનું પાણીનું લેવલ 206.54 ફૂટ છે. જોકે આગામી દિવસોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરદાર સરોવરમાંથી નર્મદાનું પાણી લેવું પડે તેવી શક્યતાઓ છે.
શનિવારે આવેલા મુખ્યમંત્રીને વડોદરાના હોદ્દેદારોએ રજૂઆત કરતાં 23મી મેથી 30 જૂન સુધી 146 એમએલડી (14.6 કરોડ લિટર) પાણી રોજ આપવાની મુખ્યમંત્રી મંજૂરી આપી છે. અંદાજિત 6 લાખ રૂપિયાનું પાણી રોજ પાલિકા સરદાર સરોવરમાંથી મેળવશે.
મુખ્યમંત્રીને રજુઆત કરવા જતાં અમી રાવતની અટક
બેઠકમાં વડોદરાના કહેવાતા વિકાસનું અસલ ચિત્ર બતાવવા મુખ્યમંત્રીને મળવા જઈ રહેલા કોંગ્રેસનાં વિપક્ષી નેતા અમી રાવતને પોલીસે ઘર નજીક જ રોકી અટકાયત કરી હતી. અમી રાવતના જણાવ્યા પ્રમાણે સ્થાયી સમિતિમાં છેલ્લા 1 વર્ષમાં નવા 32 જ કામો થયાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 5000 લાભાર્થીઓને આજે પણ આવાસ મળ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.